BCCI On IPL 2027 Schedule: દુનિયાની સૌથી મોટી T20 લીગ IPL(ઇન્ડિયન પ્રીમિયર લીગ)ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI) IPLના સમયપત્રકમાં મોટા ફેરફારો કરવાની તૈયારી કરી રહ્યું છે. આમ, જો બધું યોજના અનુસાર રહ્યું તો 2027 ની IPL સિઝન માર્ચના છેલ્લા અઠવાડિયાને બદલે 10 માર્ચની આસપાસ શરૂ થશે અને 15 મે સુધીમાં સમાપ્ત થશે.
IPLના સમયપત્રક મોટા ફેરફારો થવાની તૈયારી
BCCIના સચિવ દેવજીત સૈકિયાએ સંકેત આપ્યા છે કે, બોર્ડ ખેલાડીઓ અને દર્શકોને ભીષણ ગરમી અને પ્રિ-મોન્સુન વરસાદથી બચાવવા માટે IPL કેલેન્ડરમાં ફેરફાર કરવાનું ગંભીરતાથી વિચારી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, IPL 2027 લીગની 20મી સિઝન હશે, જેને BCCI યાદગાર બનાવવા માટે તૈયારી કરી રહ્યું છે.
તાપમાનના વધારાની IPL માં અસર
છેલ્લા કેટલાક વર્ષોમાં દેશના ઘણા ભાગોમાં IPL દરમિયાન તાપમાન 40 થી 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. રાજસ્થાન, દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ અને ગુજરાત જેવા રાજ્યોમાં મેદાન પર લાંબા સમય સુધી રમવું ખેલાડીઓ માટે પડકારજનક સાબિત થયું છે. દેવજીત સૈકિયાએ સ્વીકાર્યું કે, BCCI ને ખેલાડીઓ અને દર્શકો બંને તરફથી સતત ફરિયાદો મળી રહી છે.
પ્રિ-મોન્સુન વરસાદથી મેચ પ્રભાવિત
બીજી તરફ, ઘણા વિદેશી ખેલાડીઓ ભારતીય હવામાનને અનુરૂપ થઈ શકતા નથી, જ્યારે દર્શકોને સ્ટેડિયમમાં મેચ જોવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. મે મહિનાના બીજા ભાગમાં ઘણા શહેરોમાં પ્રિ-મોન્સુન વરસાદ થતાં પ્લેઓફ અને ફાઇનલ જેવી મોટી મેચો માટે હવામાનનો ખતરો ઉભો થાય છે. એટલે BCCI ઇચ્છતું નથી કે ટુર્નામેન્ટનો સૌથી મહત્ત્વપૂર્ણ તબક્કો વરસાદથી પ્રભાવિત થાય.
BCCI બે અઠવાડિયા વહેલા IPL શરૂ કરવાની તૈયારીમાં
BCCI હવે લગભગ બે અઠવાડિયા વહેલા IPL શરૂ કરવાનો વિકલ્પ શોધી રહ્યું છે. બોર્ડે તેના રમત વિકાસ વિભાગને સંભવિત વિન્ડો પર કામ કરવા માટે પણ સૂચના આપી છે. યોજના સ્થાનિક ક્રિકેટ સિઝન થોડી વહેલી સમાપ્ત કરવાની છે, 10 માર્ચની આસપાસ IPL શરૂ કરીને 15 મે સુધીમાં પૂર્ણ કરવાની છે.
શું મેચોની સંખ્યા પણ વધશે?
તાજેતરના સમયમાં એવી અટકળો ચાલી રહી છે કે, IPLમાં મેચોની સંખ્યા 74 થી વધારીને 94 કરવામાં આવશે. પરંતુ BCCI એ હાલમાં આ શક્યતાને નકારી કાઢી છે. દેવજીત સૈકિયાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, 'વર્તમાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેલેન્ડરમાં IPL માટે બે મહિનાની વિન્ડો શોધવી અત્યંત મુશ્કેલ છે. તેથી 20 વધારાના મેચ ઉમેરવા એ વ્યહારિક નથી. IPL ફક્ત ભારત માટે જ નહીં પરંતુ વિશ્વભરના ક્રિકેટરો માટે એક ટુર્નામેન્ટ બની ગઈ છે. ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકા અને વેસ્ટઈન્ડિઝ જેવા દેશોના ખેલાડીઓની ઉપલબ્ધતા પણ સુનિશ્ચિત કરવાની જરૂર છે. એટલે હાલમાં આ ટુર્નામેન્ટ ફક્ત 74 મેચો સાથે રમાશે.'
IPL વહેલા શરૂ કરવાની યોજના ભારતીય ઘરેલું ક્રિકેટ પર પણ અસર કરી શકે છે. BCCI ઇચ્છે છે કે, રણજી ટ્રોફી સહિત તમામ મુખ્ય સ્થાનિક ટુર્નામેન્ટ માર્ચના પહેલા અઠવાડિયા સુધીમાં પૂર્ણ થાય. આનો અર્થ એ છે કે, ખેલાડીઓને પૂરતો આરામ અને તૈયારીનો સમય મળે તે માટે ઘરેલું ક્રિકેટ શેડ્યૂલને વધુ સુવ્યવસ્થિત કરવો પડશે.


