Get The App

રોહિત શર્મા અને વિરાટ કોહલીને ટેસ્ટમાં નિવૃત્તિ લેવા મજબૂર કરાયા હતા? BCCI એ આપ્યો જવાબ

Updated: Jul 16th, 2025

GS TEAM

Google News
Google News
BCCI reaction on Kohli and Rohit retirement


BCCI reaction on Kohli and Rohit retirement: ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્માએ ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ પહેલા એક મોટો નિર્ણય લીધો અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. ત્યારબાદ સવાલો ઉભા થઈ રહ્યા હતા કે વિરાટ અને રોહિતે ટેસ્ટ ક્રિકેટમાંથી આટલી જલ્દી નિવૃત્તિ લેવાની ઉતાવળ શું હતી?  2007 થી ભારત ઇંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ જીતવાનું સ્વપ્ન જોઈ રહ્યું છે, પરંતુ તે હજુ સુધી પૂર્ણ થયું નથી. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે વિરાટ કોહલી અને રોહિત શર્મા આ ટેસ્ટ સિરીઝમાં જોડાશે અને ટીમને જીત અપાવશે, પરંતુ તે પહેલા બંનેએ નિવૃત્તિની જાહેરાત કરી. આ અંગે BCCI પર પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા કે શું તેમને નિવૃત્તિ લેવાની ફરજ પાડવામાં આવી હતી? આ અંગે BCCIના વરિષ્ઠ રાજીવ શુક્લાએ ખુલીને વાત કરી અને જણાવ્યું કે આ પાછળનું કારણ શું હતું.

BCCI ના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ આપ્યો જવાબ 

મીડિયા સાથેની વાતચીત દરમિયાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ વિરાટ કોહલી અને રોહિત શર્માની નિવૃત્તિ વિશે કહ્યું હતું કે, 'આપણે બધા વિરાટ અને રોહિતને યાદ કરીએ છીએ. પરંતુ વિરાટ અને રોહિતે આ નિર્ણય જાતે લીધો છે. BCCIની પોલિસી એવી છે કે બોર્ડ ક્યારેય કોઈ ખેલાડીને ક્યારે અને કયા ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવી તે કહેતુ નથી. તે ખેલાડી પર નિર્ભર છે અને તે તેમનો પોતાનો નિર્ણય હતો. અમે હંમેશા તેની ખોટ અનુભવીશું, અમે તેમને મહાન બેટર્સ માનીએ છીએ. અમારા માટે સારી વાત છે કે તે ODI માં ટીમ માટે રમશે.

બીસીસીઆઈના ઉપપ્રમુખ રાજીવ શુક્લાના નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે, બીસીસીઆઈએ બંને ખેલાડીઓ પર કોઈ પ્રકારનું દબાણ કર્યું નથી. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ પોતે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો. અગાઉ, T20 વર્લ્ડ કપ પછી, બંનેએ T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી પણ નિવૃત્તિની જાહેરાત કરી હતી.

વિરાટ અને રોહિતે કેવી રીતે નિવૃત્તિની જાહેરાત કરી

રોહિત શર્માએ સોશિયલ મીડિયા પર સ્ટોરી પોસ્ટ કરીને પોતાની નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેમજ વિરાટ કોહલીએ પણ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ચાહકોને પોતાની નિવૃત્તિ વિશે પણ માહિતી આપી. 1 વર્ષની અંદર, ભારતીય ટીમના બે દિગ્ગજ ખેલાડીઓ, વિરાટ કોહલી અને રોહિત શર્માએ બે મુખ્ય ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી. 

જોકે, બંને હજુ પણ ભારત માટે ODIમાં રમતા જોવા મળશે. રોહિત શર્માએ ભારત માટે 67 ટેસ્ટ મેચમાં 4301 રન, 273 ODI માં 11,168 રન અને 159 T20 ઇન્ટરનેશનલ મેચમાં 4231 રન બનાવ્યા છે. તેમજ વિરાટ કોહલીએ ભારતીય ટીમ માટે 123 ટેસ્ટ મેચમાં 9230 રન, 302 ODI માં 14,181 રન અને 125 T20 ઇન્ટરનેશનલ મેચમાં 4188 રન બનાવ્યા છે.

રોહિત શર્મા અને વિરાટ કોહલીને ટેસ્ટમાં નિવૃત્તિ લેવા મજબૂર કરાયા હતા? BCCI એ આપ્યો જવાબ 2 - image

Tags :