વિરોધને પગલે BCCIનો મોટો નિર્ણય, બાંગ્લાદેશી ખેલાડી મુસ્તફિઝુરને રિલીઝ કરવા KKRને નિર્દેશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

IPL 2026 and KKR Controversy on Bangladeshi Player : બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસા બાદ ભારતમાં વધતી નારાજગી વચ્ચે બીસીસીઆઇએ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને તેના બાંગ્લાદેશી ઝડપી બોલર મુસ્તફિઝુર રહેમાનને ટીમમાંથી રિલીઝ કરી દેવા નિર્દેશ આપ્યો છે. બોર્ડ સેક્રેટરી દેવજીત સૈકિયાએ આ વાતની પુષ્ટી કરી હોવાની જાણકારી મળી છે. એટલે કે હવે 9.20 કરોડમાં ખરીદાયેલો મુસ્તફિઝુર IPL 2026માં નહીં રમી શકે.
આઈપીએલમાં 5 ટીમ માટે રમી ચૂક્યો હતો મુસ્તફિઝુર
મુસ્તફિઝુર રહેમાન બાંગ્લાદેશના શાનદાર બોલરો પૈકી એક છે અને દુનિયાભરની લીગમાં તે રમતો દેખાય છે. તે આઈપીએલમાં 2016 થી રમી રહ્યો હતો. અત્યાર સુધી બાંગ્લાદેશનો આ ખેલાડી સનરાઈઝર્સ હૈદરાબાદ, મુંબઈ ઈન્ડિયન્સ, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ અને સીએસકે માટે પણ રમી ચૂક્યો હતો. તેણે આઈપીએલમાં 60 મેચમાં 65 વિકેટ ઝડપી હતી. આ વખતે આઈપીએલ 2026 માટે રમાડવા માટે તેણે હરાજીમાં કેકેઆર દ્વારા 9.20 કરોડ રૂપિયા આપીને ખરીદવામાં આવ્યો હતો. જોકે હવે વિરોધને પગલે તેને કાઢી મૂકવાની ફરજ પડશે.
ધર્મગુરુઓએ કર્યો હતો વિરોધ, શાહરુખને ગણાવ્યો હતો દેશદ્રોહી
ઉલ્લેખનીય છે કે કેકેઆરના માલિક શાહરુખ ખાનને તેની ટીમ માટે બાંગ્લાદેશી ખેલાડીને ખરીદવા મામલે દેશદ્રોહી ગણાવતા અનેક ધર્મગુરુઓ દ્વારા ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. આ મામલે દેવકીનંદન ઠાકુરે એક કથા દરમિયાન કહ્યું કે, 'અમે કહ્યું હતું કે IPLમાં કોઈ બાંગ્લાદેશી ક્રિકેટર ન હોવા જોઈએ. અમે સર્ચ કર્યું છે, એક બાંગ્લાદેશી ક્રિકેટર છે જેને ખરીદવામાં આવ્યો છે. શું તમે જાણો છો કે તેને કોણે ખરીદ્યો? તે અહીં મુંબઈમાં જ રહે છે. તે એક ટીમનો માલિક છે. અમે સાંભળ્યું છે કે તેને પાકિસ્તાન પ્રત્યે ઊંડો પ્રેમ છે. તેને હિંદુઓને દુઃખ પહોંચાડનારાઓ પ્રત્યે જ ઊંડો પ્રેમ છે. અમે તેને કહેવા માંગીએ છીએ કે, જો તમે હિંદુઓને પ્રેમ કરો છો, જો તમે ભારતને પ્રેમ કરો છો, જો તમને હિંદુઓના મૃત્યુ પર દુઃખ છે, જો તમને તે 6 વર્ષની બાળકીને સળગાવી દેવા પર દુઃખ છે, તો મિસ્ટર KKR (અહીં KKRના સહ-માલિક SRK, એટલે કે શાહરૂખ ખાન તરફ ઈશારો છે) તે ખેલાડીને, બાંગ્લાદેશી ખેલાડીને પોતાની ટીમમાંથી તાત્કાલિક બહાર કરો.'
કેકેઆર દ્વારા નિવેદન જાહેર કરાયું
બીસીસીઆઈ દ્વારા મળેલા નિર્દેશો બાદ કેકેઆરના મેનેજમેન્ટે એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે અમે બીસીસીઆઈના નિર્દેશો બાદ મુસ્તફિઝુર રહેમાનને ટીમમાંથી રિલીઝ કરી રહ્યા છીએ. તે આગામી સીઝનમાં નહીં રમી શકે. બીસીસીઆઈ અમને મુસ્તફિઝુર રહેમાનની જગ્યાએ બીજા ખેલાડીને રિપ્લેસમેન્ટ તરીકે પસંદ કરવાની છૂટ આપશે.










