T20 World Cup controversy : આગામી સાતમી ફેબ્રુઆરીથી ભારતમાં મેન્સ ટી20 વર્લ્ડકપની શરૂઆત થવાની છે. એવામાં બાંગ્લાદેશ જીદ પકડીને બેઠું છે કે તે પોતાની ટીમ ભારત નહીં મોકલે. પાકિસ્તાનની તમામ મેચો શ્રીલંકામાં રમાવવાની છે. એ જ રીતે બાંગ્લાદેશની પણ માંગ છે કે તેની મેચો પણ ભારત બહાર રાખવામાં આવે. જોકે ટુર્નામેન્ટનું આયોજન કરતી ICC આ માંગ સ્વીકારવા તૈયાર નથી. ICCએ બાંગ્લાદેશને છેલ્લી ચેતવણી આપી હતી કે ભારતમાં રમવું હોય તો નહીંતર ટુર્નામેન્ટની બહાર જતાં રહો. જે બાદ હવે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICC વિરુદ્ધ વધુ એક નિર્ણય લીધો છે.
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડનું નવું ગતકડું
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ICCને પત્ર લખીને માંગ કરી છે કે તેમનો મામલો હવે સ્વતંત્ર સમિતિ DRC ( Dispute Resolution Committee ) ને પાસે પાઠવવામા આવે. નોંધનીય છે કે આ સમિતિમાં સ્વતંત્ર વકીલો હોય છે જે ICC સાથે જોડાયેલા વિવાદો પર નિર્ણય લે છે. આ સમિતિમાં ICC, અન્ય કોઈ દેશનું બોર્ડ, ખેલાડી, અધિકારી પણ સામેલ થઈ શકે છે. આ સમિતિ ઈંગ્લેન્ડના કાયદા હેઠળ કામ કરે છે અને તેની સુનાવણી લંડનમાં કરવામાં આવે છે.
બાંગ્લાદેશ ભારત સાથે કેમ પંગો લઈ રહ્યું છે?
બાંગ્લાદેશની વચગાળાની સરકારે સ્પષ્ટ કર્યું છે કે ગમે તે ભોગે તેમની ટીમ ભારત તો નહીં જ આવે. જો ICC માંગ નહીં સ્વીકારે તેઓ ટી20 વર્લ્ડકપ રમશે જ નહીં. નોંધનીય છે કે બાંગ્લાદેશ ભારત સાથે પંગો લઈ રહ્યું છે તે વિવાદનું મૂળ IPL સાથે જોડાયેલું છે. હાલમાં જ IPLમાંથી બાંગ્લાદેશ ખેલાડી મુસ્તફિઝુર રહેમાનની હકાલપટ્ટી કરવામાં આવી હતી. ત્યારથી જ બાંગ્લાદેશ રોષે ભરાયેલું હતું.
બાંગ્લાદેશની માંગ કેમ સ્વીકારી શકાય તેમ નથી?
1. સમગ્ર ટુર્નામેન્ટની તારીખ, જગ્યા વગેરે નક્કી થઈ ગયું છે અને યજમાન દેશ સાથે ICCના કરાર પણ થઈ ગયા છે. જે છેલ્લી ઘડીએ બદલી શકાય નહીં.
2. જો ICC બાંગ્લાદેશની આ માંગ સ્વીકારે તો ભવિષ્યમાં ભારે અસ્થિરતા ઊભી થઈ શકે છે, તમામ ટીમો ગમે તે બહાનું આપી મેચનું સ્થળ બદલવા માંગ કરશે.
3. ભારત પાસે આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને પૂરતી સુરક્ષા આપવાનો બહોળો અનુભવ છે અને અહીં મોટી ટુર્નામેન્ટ પણ શાંતિપૂર્ણ વાતાવરણ પણ થાય છે.
4. ટીમો ક્યાં રોકાશે, મેચના પ્રસારણના સાધનો અને વ્યવસ્થા, હોટલ બુકિંગ, ફ્લાઈટ બુકિંગ, સ્ટેડિયમની ટિકિટો... બધુ જ છેલ્લી ઘડીએ બદલવું અશક્ય છે.
5. ભારત અને પાકિસ્તાન છેલ્લા ઘણા વર્ષોથી દ્વિપક્ષીય શ્રેણી રમત જ નથી, તેથી બંને દેશોના ખેલાડી એકબીજાના દેશોમાં જવાનું ટાળે છે. જે અપવાદરૂપ છે.


