ICC T20 World Cup : ICCએ બાંગ્લાદેશને ટી20 વર્લ્ડકપમાંથી બહાર કર્યું છે. બાંગ્લાદેશને બદલે સ્કોટલેન્ડને એન્ટ્રી આપવામાં આવી છે. જોકે બાંગ્લાદેશની હકાલપટ્ટીથી હવે પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન મોહસિન નકવીએ ICCને ધમકી આપતા કહ્યું છે કે, બાંગ્લાદેશ સાથે અન્યાય થયો છે અને ICC બેવડું વલણ અપનાવી રહ્યું છે.
પાકિસ્તાન પણ પોતાના પગ પર કુહાડી મારશે?
નકવીએ કહ્યું કે, મેં ICCની બેઠકમાં પણ કહ્યું હતું કે બેવડું વલણ અપનાવી શકાય નહીં. કોઈ પણ ભોગે બાંગ્લાદેશને ટી20 વર્લ્ડકપમાં સામેલ કરો. અમે બંને ICCના સભ્ય છીએ. કોઈ એક દેશ બીજા દેશ પર પોતાનો નિર્ણય થોપી ના શકે. આવું ચાલતું રહ્યું તો પાકિસ્તાન પણ પોતાનો પક્ષ મજબૂતાઈથી મૂકશે.
ICCથી બહાર નીકળી જશે પાકિસ્તાન?
ICCનો બૉયકોટ કરવાના સવાલ પર નકવીએ કહ્યું છે કે, આ મુદ્દે પાકિસ્તાનની સરકાર જ અંતિમ નિર્ણય લેશે. અમારી પાસે પ્લાન એ, બી, સી, ડી... બધુ તૈયાર છે. ચિંતા કરવાની જરૂર નથી. અમને ICC કરતાં અમારી સરકાર પર વધારે ભરોસો છે.
ભારત સાથે પંગો લેવામાં બાંગ્લાદેશ 'ક્લીન બોલ્ડ', સ્કોટલેન્ડને મળી 'ફ્રી હિટ'
ICCએ ટી20 વર્લ્ડકપ 2026માંથી બાંગ્લાદેશને બહાર કરવાનો આદેશ આપ્યો છે. ભારતમાં ન રમવાની જીદે ચઢેલા બાંગ્લાદેશને બદલે હવે સ્કોટલેન્ડ ટુર્નામેન્ટ રમશે. સ્કોટલેન્ડને ટુર્નામેન્ટમાં સામેલ કરવાની પુષ્ટિ પણ થઈ ગઈ છે. ICCએ બાંગ્લાદેશના ક્રિકેટ બોર્ડના આ અંગે પત્ર પણ લખ્યો છે. બાંગ્લાદેશની હકાલપટ્ટી બાદ હવે સ્કોટલેન્ડની ગ્રુપ-Cમાં એન્ટ્રી થઈ છે. આ ગ્રુપમાં ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, નેપાળ અને ઈટાલી સામેલ છે. નોંધનીય છે કે છેલ્લા ત્રણ સપ્તાહથી ICC અને બાંગ્લાદેશ વચ્ચે ખેંચતાણ ચાલી રહી હતી. બાંગ્લાદેશની જીદ હતી કે તેમની ટીમ ભારત નહીં આવે અને તેમની મેચો પાકિસ્તાનની જેમ શ્રીલંકામાં શિફ્ટ કરવામાં આવે. જોકે ICCએ સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા કે ટુર્નામેન્ટમાં રહેવું હોય તો ભારત આવીને જ રમવું પડશે. ICC બોર્ડની મીટિંગમાં પણ 14-2થી બાંગ્લાદેશની મેચો ભારતમાં જ કરાવવાનો નિર્ણય લેવાયો હતો. જોકે બાંગ્લાદેશનો દાવો હતો કે ભારતમાં તેમના ખેલાડીની સુરક્ષાનો ખતરો રહેશે.
બાંગ્લાદેશ ભારત સાથે કેમ પંગો લીધો હતો?
બાંગ્લાદેશની વચગાળાની સરકારે સ્પષ્ટ કર્યું હતું કે ગમે તે ભોગે તેમની ટીમ ભારત તો નહીં જ આવે. નોંધનીય છે કે બાંગ્લાદેશ ભારત સાથે પંગો લઈ રહ્યું છે તે વિવાદનું મૂળ IPL સાથે જોડાયેલું છે. હાલમાં જ IPLમાંથી બાંગ્લાદેશ ખેલાડી મુસ્તફિઝુર રહેમાનની હકાલપટ્ટી કરવામાં આવી હતી. ત્યારથી જ બાંગ્લાદેશ રોષે ભરાયેલું હતું. બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ થઈ રહેલી હિંસાના કારણે IPLમાં બાંગ્લાદેશી ખેલાડીનો વિરોધ થયો હતો. ભારે આક્રોશ અને વિરોધના કારણે તેને IPLમાંથી રીલીઝ કરવામાં આવ્યો હતો.
બાંગ્લાદેશની માંગ કેમ સ્વીકારી શકાય તેમ નહોતી?
1. સમગ્ર ટુર્નામેન્ટની તારીખ, જગ્યા વગેરે નક્કી થઈ ગયું છે અને યજમાન દેશ સાથે ICCના કરાર પણ થઈ ગયા છે. જે છેલ્લી ઘડીએ બદલી શકાય નહીં.
2. જો ICC બાંગ્લાદેશની આ માંગ સ્વીકારે તો ભવિષ્યમાં ભારે અસ્થિરતા ઊભી થઈ શકે છે, તમામ ટીમો ગમે તે બહાનું આપી મેચનું સ્થળ બદલવા માંગ કરશે.
3. ભારત પાસે આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને પૂરતી સુરક્ષા આપવાનો બહોળો અનુભવ છે અને અહીં મોટી ટુર્નામેન્ટ પણ શાંતિપૂર્ણ વાતાવરણ પણ થાય છે.
4. ટીમો ક્યાં રોકાશે, મેચના પ્રસારણના સાધનો અને વ્યવસ્થા, હોટલ બુકિંગ, ફ્લાઈટ બુકિંગ, સ્ટેડિયમની ટિકિટો... બધુ જ છેલ્લી ઘડીએ બદલવું અશક્ય છે.
5. ભારત અને પાકિસ્તાન છેલ્લા ઘણા વર્ષોથી દ્વિપક્ષીય શ્રેણી રમત જ નથી, તેથી બંને દેશોના ખેલાડી એકબીજાના દેશોમાં જવાનું ટાળે છે. જે અપવાદરૂપ છે.


