'ભારતને કોઈપણ ટીમ હરાવી શકે છે...' પાકિસ્તાન બાદ હવે બાંગ્લાદેશનું ઘમંડી નિવેદન
Asia Cup 2025 : એશિયા કપના સુપર-ફોરના મુકાબલામાં બુધવારે (24 સપ્ટેમ્બર) ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટક્કર થશે. આ મેચ પહેલા, બાંગ્લાદેશના મુખ્ય કોચ ફિલ સિમન્સે ભારતીય ટીમ અંગે વાત કરતાં કહ્યું કે, ‘ભારતીય ટીમ અજેય નથી, તેમને કોઇપણ ટીમ હરાવી શકે છે. સુપર ફોર મેચમાં જ્યારે અમારા ટાઈગર્સ (ખેલાડીઓ) વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન (ટીમ ઇન્ડિયા)નો સામનો કરશે ત્યારે સૂર્યકુમાર યાદવની છેલ્લી ચાર મેચની સિદ્ધિઓ મહત્ત્વની રહેશે નહીં.’
શ્રીલંકાને હરાવતા આત્મવિશ્વાસ વધ્યો
ભારત સામેની મેચ વિશે પૂછવામાં આવતા 62 વર્ષીય સિમન્સે કહ્યું કે, ‘દરેક ટીમમાં ભારતને હરાવવાની ક્ષમતા છે.’ નોંધનીય છે કે, ભારત સાથેની મેચ પહેલાં બાંગ્લાદેશે શ્રીલંકાને હરાવ્યું છે. આ ઉપરાંત T20 તેમનું પ્રાથમિક ફોર્મેટ માનવામાં આવતું નથી, છતાં ભારત સામેની મેચ પહેલાં પોઇન્ટ ટેબલમાં બાંગ્લાદેશની સ્થિતિ સારી હોવાના કારણે બાંગ્લાદેશના કોચનો આત્મવિશ્વાસ વધ્યો છે.
અમે જ મેચ જીતીશુંઃ સિમન્સ
સિમન્સે બાંગ્લાદેશની જીત અંગે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, ‘ભારતે પહેલા શું કર્યું તેનાથી કોઈ ફરક પડતો નથી. અમારી સામેની મેચમાં શું થાય છે, તે સાડા ત્રણ કલાક દરમિયાન શું થાય છે તે મહત્ત્વનું છે. અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસ કરીશું અને ભારતની નબળાઈઓ શોધીશું. અમે આ રીતે જ મેચ જીતીએ છીએ.’