T20 World Cup 2nd Semi-Final at Mumbai, India vs England Match : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી સેમિ ફાઈનલમાં અક્ષર પટેલની દમદાર ફિલ્ડિંગ જોવા મળી છે. તેણે વિલ જેક્સને અશક્ય લાગતો કેચ કરાવીને સૌને આશ્ચર્યમાં મુકી દીધા છે. મેચની 13.6 ઓવર દરમિયાન જ્યારે ઈંગ્લેન્ડનો સ્કોર 172 રન હતો ત્યારે પાંચમી વિકેટના રૂપમાં વિલ જેક્સ આઉટ થયો હતો.
અક્ષરે બાઉન્ડ્રી લાઈન પર અશક્ય કેચ કરાવ્યો
અર્શદીપ સિંહની બોલિંગમાં વિલ જેક્સે બાઉન્ડ્રી તરફ મોટો શોટ રમતા સિક્સ ફટકારવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે બાઉન્ડ્રી લાઈન પર દોડીને આવીને અક્ષર પટેલે અશક્ય લાગતો કેચ પકડ્યો હતો. અક્ષર પટેલના હાથમાં બોલ આવ્યો ત્યારે તેનું સંતુલન બગડ્યું હતું અને તે બાઉન્ડ્રી લાઈન ઓળંગી જાય તેમ હતો. આ દરમિયાન તેણે બાઉન્ડ્રી લાઈન પર પડે તે પહેલા તુરંત બોલને હવામાં ઉછાળીને પાસે ઉભેલા શિવમ દુબે તરફ ફેંક્યો હતો અને પોતે બાઉન્ડ્રીની બહાર પડ્યો હતો.
અક્ષરે તુરંત શિવમ તરફ ફેંક્યો બોલ
શિવમ દુબેએ આ કેચ સફળતાપૂર્વક ઝીલી લેતા વિલ જેક્સની મહત્વની વિકેટ ભારતને મળી હતી. વિલ જેક્સે આક્રમક બેટિંગ કરતા 20 બોલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 35 રન બનાવ્યા હતા. અક્ષર પટેલની આ ફિલ્ડિંગના સોશિયલ મીડિયા પર ફેન્સ દ્વારા ખૂબ જ વખાણ કરવામાં આવી રહ્યા છે.

અક્ષરે હેરી બ્રુક અને ફિલ સોલ્ટનો પણ કર્યો કેચ
મેચમાં ઈંગ્લેન્ડની શરૂઆત નબળી રહી હતી, જેમાં પહેલી વિકેટ 1.1 ઓવરમાં 13 રનના સ્કોર પર પડી હતી. હાર્દિક પંડ્યાની બોલિંગમાં ફિલ સોલ્ટ ત્રણ બોલમાં એક ફોર ફટકારી પાંચ રન બનાવી અક્ષર પટેલના હાથે કેચ આઉટ થયો હતો. ત્યારબાદ 4.1 ઓવરમાં 38 રને ઈંગ્લેન્ડને બીજો ફટકો પડ્યો હતો, જ્યારે જસપ્રિત બુમરાહની બોલિંગમાં સુકાની હેરી બ્રુક છ બોલમાં એક ફોરની મદદથી સાત રન બનાવી ફરીથી અક્ષર પટેલના હાથે કેચ આઉટ થઈ પેવેલિયન ભેગો થયો હતો.


