એશિઝ પર ઓસ્ટ્રેલિયાનો કબજો, ઈંગ્લેન્ડના બેઝબોલની હવા નીકળી, સીરિઝ 4-1થી ગુમાવી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

AUS vs ENG Ashes 5th Test: ઓસ્ટ્રેલિયાએ ઘરઆંગણે રમાયેલી એશિઝ સીરિઝમાં પોતાની સર્વોપરિતા સાબિત કરી છે. સિડનીમાં રમાયેલી પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 5 વિકેટથી પરાજય આપી સીરિઝ 4-1 થી જીતી લીધી છે. આ જીત સાથે જ ઓસ્ટ્રેલિયાએ સતત ચોથી વખત પોતાની ધરતી પર એશિઝ ટ્રોફી જાળવી રાખી છે, જ્યારે ઈંગ્લેન્ડનો 2011 પછી ઓસ્ટ્રેલિયામાં સીરિઝ જીતવાનો ઈંતેજાર વધુ લાંબો થયો છે.
ટ્રેવિસ હેડ અને સ્મિથનો દબદબો
ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગમાં જો રૂટના શાનદાર 160 રનની મદદથી ઈંગ્લેન્ડે 384 રન બનાવ્યા હતા. પ્રથમ ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાએ પહાડ જેવો 567 રનનો સ્કોર ખડક્યો હતો. પ્લેયર ઓફ ધ મેચ ટ્રેવિસ હેડે તોફાની 163 રન (24 ચોગ્ગા, 1 છગ્ગો) અને કેપ્ટન સ્ટીવ સ્મિથે 138 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાને 183 રનની વિશાળ લીડ મળી હતી.
બીજી ઈનિંગ: જેકબ બેથેલની લડાયક સદી
183 રનથી પાછળ રહેલ ઈંગ્લેન્ડની ટીમ બીજી ઈનિંગમાં મુશ્કેલીમાં હતી, પરંતુ યુવા બેટર જેકબ બેથેલે ઈતિહાસ રચ્યો હતો. પોતાની પ્રથમ ટેસ્ટ સદી ફટકારતા બેથેલે 265 બોલમાં 154 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડે બીજી ઈનિંગમાં 342 રન બનાવી ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 160 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી મિશેલ સ્ટાર્ક અને બ્યુ વેબસ્ટરે 3-3 વિકેટ ઝડપી હતી.
લક્ષ્યાંકનો પીછો અને ઉસ્માન ખ્વાજાની વિદાય
160 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ એક સમયે 121 રનમાં 5 વિકેટ ગુમાવી દબાણમાં આવી ગઈ હતી. ઓપનર ટ્રેવિસ હેડે 29 અને જેક વેધરલ્ડ 34 રન બનાવ્યા હતા. પોતાની કારકિર્દીની અંતિમ ટેસ્ટ રમી રહેલા ઉસ્માન ખ્વાજા 6 રન બનાવી આઉટ થયા હતા, પરંતુ ટીમે તેમને વિજયી વિદાય આપી હતી. અંતમાં એલેક્સ કેરી (16*) અને કેમેરોન ગ્રીન (22*) એ સંયમપૂર્વક બેટિંગ કરી 31.2 ઓવરમાં ટીમને વિજય અપાવ્યો હતો.
ઈંગ્લેન્ડની રણનીતિ ફેઈલ
ઈંગ્લેન્ડની આક્રમક 'બેઝબોલ' શૈલી ઓસ્ટ્રેલિયાની ધરતી પર ખાસ અસર ન કરી શકી. ઓસ્ટ્રેલિયાએ નિર્ણાયક ક્ષણોમાં શાનદાર પ્રદર્શન કર્યું અને એડિલેડ ટેસ્ટમાં જ સીરિઝ જીતી લીધા બાદ સિડનીમાં દબદબો જાળવી રાખ્યો હતો.








