દુબઈ, તા.૧૩
ટી-૨૦ વર્લ્ડ કપ જીતવા માટે ફેવરિટ ગણાતા ઈંગ્લેન્ડ અને
પાકિસ્તાન સામે સેમિ ફાઈનલમાં અણધારી જીત હાંસલ કરનારા ન્યુઝીલેન્ડ અને
ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે દુબઈમાં ફાઈનલ મુકાબલો ખેલાશે. ઓસ્ટ્રેલિયાને ટી-૨૦
વર્લ્ડ કપની આ બીજી ફાઈનલમાં પહેલી વખત ટાઈટલ જીતવાની આશા છે. જ્યારે ન્યુઝીલેન્ડ
તેની પ્રથમ ટી-૨૦ વર્લ્ડ કપની ફાઈનલને ટ્રોફી સાથે યાદગાર બનાવવાનું સ્વપ્ન સેવી
રહ્યું છે.
ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડ છેલ્લે ખરાખરીની મેચમાં ૨૦૧૫ના
વન ડે વર્લ્ડ કપની ફાઇનલમાં આમને-સામને ટકરાયા હતા. જેમાં ઓસ્ટ્રેલિયાએ સાત
વિકેટથી વિજય મેળવ્યો હતો અને પાંચમી વખત વન ડે વર્લ્ડ કપ જીત્યો હતો. જોકે
ઓસ્ટ્રેલિયા તે પછી આઇસીસીની એક પણ ટ્રોફી જીતી શક્યું નથી. તેમને આ ટી-૨૦ વર્લ્ડ
કપથી નવી શરૃઆતની આશા છે. બીજી તરફ ન્યૂઝિલેન્ડની ટીમે સેમિ ફાઈનલમાં ઈંગ્લેન્ડને
હરાવીને ૨૦૧૯ના વન ડે વર્લ્ડ કપની ફાઈનલની હારનો બદલો ચૂક્તે કર્યો હતો. હવે તેઓ
૨૦૧૫ના વર્લ્ડ કપની ફાઈનલની હારનો હિસાબ સરભર કરવા માટે ઉતરશે.
દુબઈમાં આવતીકાલે ભારતીય સમય પ્રમાણે સાંજે ૭.૩૦થી મેચનો
પ્રારંભ થશે. વિલિયમસનની કેપ્ટન્સી હેઠળ ન્યુઝીલેન્ડ સળંગ ત્રીજી આઇસીસી ટ્રોફીની
ફાઈનલમાં પ્રવેશ્યું છે. ૨૦૧૯ના વન ડે વર્લ્ડ કપમાં રનર્સઅપ ન્યુઝીલેન્ડે ૨૦૨૧ની
ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ભાગ લીધો હતો. જેમાં તેઓ વિજેતા બન્યા હતા. હવે
તેઓને સળંગ ત્રીજી આઇસીસી ફાઈનલમાં બીજી ટ્રોફીની તલાશ છે.
ધરખમ બેટિંગ લાઈનઅપ વચ્ચે મુકાબલો
ટી-૨૦નું ફોર્મટ રાતોરાત સુપરસ્ટાર આપવા માટે જાણીતું છે.
ઈંગ્લેન્ડ સામે ગપ્ટિલ અને વિલિયમસન ફ્લોપ સાબિત થયા તો મિચેલ, કોન્વે અને નીશમે
લડાયક બેટીંગને સહારે ટીમને જીતાડી. બીજી સેમિ ફાઈનલમાં ફિન્ચ, સ્મિથ અને
મેક્સવેલ સસ્તામાં આઉટ થયા તો વોર્નર તેમજ સ્ટોઈનીસ-વેડે ટીમને વિજેતા બનાવી. હવે
આવતીકાલે બે ધરખમ બેટીંગ લાઈનઅપ ધરાવતી ટીમો વચ્ચે ટક્કર થશે. ન્યુઝીલેન્ડ કેપ્ટન
વિલિયમસન, ગપ્ટિલ, મિશેલ, ફિલિપ્સ, નીશમ જેવા
બેટ્સમેનો પર મદાર રાખશે. તેમને ઈજાગ્રસ્ત કોન્વેની ખોટ પડશે. જ્યારે
ઓસ્ટ્રેલિયાનો આધાર ઈન ફોર્મ ઓપનર વોર્નરની સાથે સ્મિથ, ફિન્ચ, મેક્સવેલ, મિચેલ માર્શ, સ્ટોઈનીસ અને વેડ
પર પણ રહેશે. કમિન્સ અને સ્ટાર્ક પણ ઉપયોગી બેટીંગ કરી શકે છે.
ટોચના ફાસ્ટર્સ અને અસરકારક સ્પિનર્સ સામ-સામે
ઓસ્ટ્રેલિયન બોલિંગ આક્રમણનો મુખ્ય આધાર સ્ટાર્ક, કમિન્સ અને
હેઝલવૂડની જોડી પર રહેશે. આઇપીએલમાં ચેમ્પિયન બનેલી ચેન્નાઈની ટીમમાં સામેલ
હેઝલવૂડ પાકિસ્તાન સામેની મેચમાં કમાલ કરી શક્યો નહતો પણ તે જોશભેર પુનરાગમન કરવા
માટે ઉત્સુક છે. જ્યારે ઓસ્ટ્રેલિયન સ્પિનર ઝામ્પા ૧૨ વિકેટ ઝડપી ચૂક્યો છેે, તેની સરેરાશ
૧૦.૯૧ની રહી છે. જ્યારે ન્યુઝીલેન્ડનો બોલ્ટ ૧૧ વિકેટ ઝડપી ચૂક્યો છે. તેનો સાથ
સાઉથી તેમજ મિલનેઆપશે તેમ મનાય છે. સ્પિનર સોઢી તેમજ સાન્ટનર પણ નિર્ણાયક સાબિત થઈ
શકે છે.


