Get The App

સાઉથ આફ્રિકા ટેસ્ટમાં વર્લ્ડ ચેમ્પિયન ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા પાંચ વિકેટથી હાર્યું

Updated: Jun 15th, 2025

GS TEAM


Google News
Google News
સાઉથ આફ્રિકા ટેસ્ટમાં વર્લ્ડ ચેમ્પિયન ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા પાંચ વિકેટથી હાર્યું 1 - image


- સાઉથ આફ્રિકાનો 27 વર્ષ બાદ આઇસીસી ટ્રોફી જીતવાનો રેકોર્ડ

- ઓસ્ટ્રેલિયા14મી આઇસીસી ટ્રોફીની ફાઈનલ રમતાં ચોથી વખત પરાજીત : સાઉથ આફ્રિકા છેલ્લે 1998માં ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યું હતું

લોર્ડ્ઝ : સાઉથ આફ્રિકાએ ક્રિકેટના ઈતિહાસમાં મેજર અપસેટ સર્જતાં ડિફેન્ડિંગ ચમ્પિયન ઓસ્ટ્રેલિયાને ફાઇનલમાં પાંચ વિકેટથી હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતી લીધી હતી. લોર્ડ્ઝમાં રમાયેલી ટેસ્ટમાં ચોથા દિવસે સાઉથ આફ્રિકાએ જીતવા માટેના ૨૮૨ના ટાર્ગેટને માર્કરામના ૧૩૬ રનની યાદગાર ઈનિંગને સહારે પાંચ વિકેટ ગુમાવીને પાર પાડયો હતો. આ સાથે સાઉથ આફ્રિકાએ પહેલીવાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન બનવાનો રેકોર્ડ સર્જવાની સાથે સાથે ૨૭ વર્ષ બાદ આઇસીસીની મેજર ટ્રોફી જીતવાની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી. નોંધપાત્ર છે કે, મેજર ટુર્નામેન્ટમાં ખરા સમયે જ ફસકી પડવા માટે બદનામ સાઉથ આફ્રિકા છેલ્લે ૧૯૯૮માં આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યું હતુ, જે ત્યારે નોકઆઉટ ટુર્નામેન્ટ તરીકે ઓળખાતી હતી.

ફાઈનલ જીતવા માટે હોટફેવરિ ટ મનાતી ઓસ્ટ્રેલિયાની ટીમને આઈસીસીની ૧૪મી ફાઈનલમાં માત્ર ચોથી વખત હારનો સામનો કરવો પડયો હતો અને તેઓએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન તરીકેનો તાજ પણ ગુમાવી દીધો હતો. સાઉથ આફ્રિકાના કેપ્ટન બવુમાએ તેની કેપ્ટન્સીમાં તમામ ૧૦ ટેસ્ટમાં અજેય રહેવાની સિદ્ધિ પણ હાંસલ કરી હતી, જેમાંથી નવ ટેસ્ટ સાઉથ આફ્રિકા જીત્યું હતુ અને એક ટેસ્ટ ડ્રો રહી હતી. 

લોર્ડઝમાં રમાયેલી ફાઈનલમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાને બેટિંગમાં ઉતાર્યું હતુ. રબાડાએ પાંચ વિકેટ ઝડપતાં ઓસ્ટ્રેલિયા ૨૧૨માં અને કમિન્સે છ વિકેટ ઝડપતાં સાઉથ આફ્રિકા ૧૩૮માં ખખડયું હતુ. રબાડા અને એનગિડીએ અનુક્રમે ૪ અને ૩ વિકેટ મેળવતા ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગ ૨૦૭માં સમેટાતા સાઉથ આફ્રિકાને જીતવા માટે ૨૮૨નો ટાર્ગેટ મળ્યો હતો. 

જેને સાઉથ આફ્રિકાએ ૮૩.૪ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને પાર પાડયો હતો. માર્કરામે ૧૩૬ રનની યાદગાર ઈનિંગ રમી હતી. કેપ્ટન બવુમાના ૬૬ તેમજ બેડિંગહામના અણનમ ૨૧ રન હતા. 

Tags :