138 વર્ષમાં પહેલીવાર ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમે લીધો આવો નિર્ણય, ઈંગ્લેન્ડના ખેલાડીઓ પણ ચોંક્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

AUS vs ENG: ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે 2025-26 એશિઝની અંતિમ ટેસ્ટ મેચની શરૂઆત સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર શરૂ થઈ ગઈ છે. ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ સીરિઝની પહેલી ત્રણ મેચ પોતાના નામે કરીને પહેલાથી જ અજેય લીડ હાંસલ કરી લીધી હતી. જોકે, ત્યારબાદ ઈંગ્લેન્ડે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ચોથી મેચ ચાર વિકેટથી જીતીને આ સીરિઝ ચોક્કસપણે 3-1 પર લાવી દીધી છે. હવે તેમની નજર આ પ્રવાસને 3-2થી સમાપ્ત કરવા પર હશે. સિડની ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાએ પોતાની પ્લેઈંગ ઈલેવન અંગે એક એવો નિર્ણય લીધો જે 138 વર્ષના ઈતિહાસમાં પહેલાં ક્યારેય જોવા નહોતો મળ્યો.
138 વર્ષમાં પહેલીવાર ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમે લીધો આવો નિર્ણય
ઈંગ્લેન્ડ સામે ઓસ્ટ્રેલિયન ટીમે પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત ટોસ સમયે કરી, જેમાં કેપ્ટન સ્ટીવ સ્મિથે જાહેરાત કરી કે તેઓ નાથન લિયોન વિના મેદાનમાં ઉતરશે. આ સાથે જ 138 વર્ષમાં પહેલી વાર એવું બન્યું કે, ઓસ્ટ્રેલિયન ટીમે સિડની ટેસ્ટ માટે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ મુખ્ય સ્પિન બોલરને સામેલ ન કર્યો. જોકે, ઓસ્ટ્રેલિના આ નિર્ણયથી ઈંગ્લેન્ડના ખેલાડીઓ પણ ચોંકી ગયા. ઓસ્ટ્રેલિયામાં સિડનીની વિકેટ સ્પિન બોલરો માટે સૌથી વધુ મદદગાર માનવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં તેમાં ઘણો ફેરફારો જોવા મળ્યો છે, જેમાં ગત વર્ષે ઓસ્ટ્રેલિયાની ટીમે ભારત સામે અહીં ટેસ્ટ મેચ રમી હતી, જે અઢી દિવસમાં સમાપ્ત થઈ હતી. ઓસ્ટ્રેલિયાએ સિડની ટેસ્ટ માટે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં એક ફેરફાર જરૂર કર્યો છે, જેમાં ઝાય રિચાર્ડસનના સ્થાન પર ઓલરાઉન્ડર ખેલાડી બ્યૂ વેબસ્ટરને સામેલ કરવામાં આવ્યો છે.
ઈંગ્લેન્ડની ખરાબ શરૂઆત
સિડની ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડની ટીમે પણ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કર્યો છે, જેમાં તેમણે ગુસ એટકિન્સનના સ્થાને મેથ્યુ પોટ્સને સામેલ કર્યો છે. બીજી તરફ આ મેચમાં જ્યારે ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો, ત્યારે તેમને તેમના ટોપ ઓર્ડર તરફથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા હતી, પરંતુ પ્રથમ સેશનની રમત પૂર્ણ થાય ત્યાં સુધીમાં ઇંગ્લેન્ડે 114 રનના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જેક ક્રોલી 16 રન બનાવીને આઉટ થયા હતો, જ્યારે બીજી તરફ બેન ડકેટે 27 રન અને જેકબ બેથેલે 10 રન બનાવ્યા હતા.








