મહિલા હોકી : ભારત ૪-૧થી સાઉથ કોરિયાને હરાવીને સેમિ ફાઈનલમાં
- ભારતનો સતત ત્રીજો વિજય : નવજોત કૌરે બે ગોલ ફટકાર્યા
- આજે પુરુષ ટીમની સાઉથ કોરિયા સામે ટક્કર
જકાર્તા,તા.૨૫
ભારતીય મહિલા હોકી ટીમે સાઉથ કોરિયા સામેની પૂલ મેચમાં ૪-૧થી વિજય મેળવતા એશિયન ગેમ્સની સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. ભારતે આ સાથે એશિયાડ હોકીમાં સતત ત્રીજી જીત મેળવી હતી. મહિલા હોકીમાં ભારત અગાઉ ઈન્ડોનેશિયાને ૮-૦થી અને કઝાખસ્તાનને ૨૧-૦થી હરાવી ચૂક્યું છે. હવે આખરી પૂલ મેચમાં ભારતની મહિલા ટીમનો મુકાબલો તારીખ ૨૭મી ઓગસ્ટને સોમવારે ઈન્ડોનેશિયા સામે થશે. ભારતીય મેન્સ ટીમ આવતીકાલે સાઉથ કોરિયા સામે રમશે.
આજે રમાયેલી મહિલા હોકીની પૂલ મેચમાં ભારતીય ખેલાડી ગુરજીત કૌરે બે ગોલ ફટકાર્યા હતા. જ્યારે વંદના કટારિયા અને નવનીત કૌરના નામે એક-એક ગોલ નોંધાયો હતો. સાઉથ કોરિયા તરફથી યુરીમ લીએ એક ગોલ કર્યો હતો. ભારતના પ્રભુત્વવાળી મેચમાં સાઉથ કોરિયા ખાસ પ્રભાવ પાડી શક્યું નહતુ. ભારતે મેચમાં તેને મળેલા બંને પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવ્યા હતા.