સુપરઓવરમાં 1 રન પણ ન બનાવી શકી ભારતીય ટીમ, એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સની સેમિફાઇનલમાં બાંગ્લાદેશ સામે પરાજય

Bangladesh-A Beat India-A in Super Over Thriller : મેન્સ એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ 2025ની સેમિફાઇનલ મેચમાં આજે ભારત-A અનેબાંગ્લાદેશ-A વચ્ચે મુકાબલો થયો હતો. બંને ટીમો વચ્ચે દોહાના વેસ્ટ એન્ડ પાર્ક ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ યોજાઈ. બંને ટીમોએ 194 રન બનાવતા સુપર ઓવર રમાઈ હતી. સુપર ઓવરમાં બાંગ્લાદેશ-A ટીમનો વિજય થયો.
સુપર ઓવરમાં ભારતીય ટીમનો સ્કોર 0, બાંગ્લાદેશ જીત્યું
સુપર ઓવરમાં ભારતીય ટીમ એક પણ રન બનાવવામાં નિષ્ફળ રહી અને બે વિકેટ ગુમાવી. બાંગ્લાદેશને જીત માટે માત્ર એક રનની જરૂર હતી. ભારતીય ટીમમાં જીતેશ શર્મા કેપ્ટન હતો જ્યારે અકબર અલીએ બાંગ્લાદેશની ટીમનું નેતૃત્વ કર્યું.
બીજી તરફ જ્યારે બાંગ્લાદેશની બેટિંગ આવી ત્યારે લક્ષ્ય માત્ર 1 રનનો હતો. એમાં પણ ભારતીય બોલરે વાઈડ બોલ નાંખતા બાંગ્લાદેશનો વિજય થયો હતો. ભારતીય ટીમ પહેલા જ બોલ પર વિકેટ લેવામાં સફળ રહી હતી પરંતુ પછી વાઈડ બોલના કારણે બાંગ્લાદેશ આ મેચ જીત્યું.
નોંધનીય છે કે મેચની શરૂઆતમાં વૈભવ સૂર્યવંશી અને પ્રિયાંશ આર્યએ તોફાની બેટિંગ કરી હતી. વૈભવે 15 બોલમાં 38 જ્યારે પ્રિયાંશે 23 બોલમાં 44 રન ફટકાર્યા હતા. કેપ્ટન જીતેશ શર્માએ 23 બોલમાં 33, નેહલ વઢેરાએ 29 બોલમાં 32 રન ફટકાર્યા હતા. છેલ્લી ઓવરમાં ભારતને જીત માટે ચાર રનની જરૂર હતી પણ ત્રણ જ રન બનાવી શક્યા અને મેચમાં સુપર ઓવરની જરૂર પડી.

