શાહિદ અફ્રીદી ભડક્યો : અરે ભારત જાઓ, WC જીતીને આવો, તેમની માટે આ એક તમાચો હશે
Image Source: twitter
- શાહિદ આફ્રિદીએ એશિયા કપની યજમાનીને લઈને PCBના અધ્યક્ષ નજમ સેઠીના વારંવાર બદલાતા નિવેદનોને લઈને આકરી ટીકા કરી
નવી દિલ્હી, તા. 20 મે 2023, શનિવાર
એશિયા કપની યજમાનીનો મુદ્દો હજુ ઉકેલાયો નથી. જો ટૂર્નામેન્ટ પાકિસ્તાનમાં યોજાય તો BCCIએ ટીમ ઈન્ડિયાને મોકલવાનો ઈન્કાર કરી દીધો છે. ત્યાર બાદથી જ ટૂર્નામેન્ટ ક્યાં યોજાશે તે અંગે વિવિધ પ્રકારની વાતો સામે આવી રહી છે. ખાસ કરીને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષે ક્યારેક હાઈબ્રિડ મોડલની તો ક્યારેક ઈંગ્લેન્ડમાં એશિયા કપ યોજવાની વકાલાત કરી ચૂક્યા છે. શાહિદ આફ્રિદીએ એશિયા કપની યજમાનીને લઈને PCBના અધ્યક્ષ નજમ સેઠીના વારંવાર બદલાતા નિવેદનોને લઈને આકરી ટીકા કરી છે. આ સાથે આફ્રિદીએ બીજી મોટી વાત કહી છે. આફ્રિદીના મતે પાકિસ્તાનની ટીમે વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે ભારત જવું જ પડશે.
શાહિદ અફ્રીદી નજમ સેઠી પર ભડક્યો
શાહિદ અફ્રીદીએ એક ટીવી શો પર કહ્યું કે, નજમ સેઠીએ એ સમજવું જોઈએ કે, PCB ચેરમેનનું પદ ઘણુ મોટું છે અને તેમના પર મોટી જવાબદારી છે. તેથી તેમણે વારંવાર પોતાનું વલણ ન બદલવું જોઈએ. તેઓ એશિયા કપને લઈને વારંવાર પોતાનું નિવેદન બદલી રહ્યા છે. ક્યારેક કહે છે કે અહીં કરો તો ક્યારેક કહે ત્યાં કરો. હવે તેમણે ઈંગ્લેન્ડમાં એશિયા કપ યોજવાની વાત કરી છે. હું તેમની આ વાત પચાવી ન શક્યો. તેમણે દરેક જગ્યાએ ઈન્ટરવ્યુ આપવાની જરૂર નથી.
ભારત જઈને વર્લ્ડ કપ જીતવાથી મોટી વાત શું હશે, તેમની માટે આ એક તમાચો: શાહિદ અફ્રીદી
આફ્રિદીએ ઉંમરને લઈને પણ PCB અધ્યક્ષ નજમ સેઠી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, અધ્યક્ષ એવા વ્યક્તિ હોવા જોઈએ જેનો ઈરાદો મક્કમ હોય અને જે કોઈપણ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ રાખે. તેણે વધુમાં કહ્યું કે, PCB અધ્યક્ષ વારંવાર કહી રહ્યા છે કે, પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપ રમવા ભારત નહીં જાય. મને આ વાત સમજાતી નથી. અરે, ક્રિકેટ યોજાઈ રહી છે. અમારે તો અમારી ટીમ મોકલીને તેમને સ્પષ્ટ કહેવું જોઈએ કે, જાવ ભારતમાં વર્લ્ડ કપ રમો અને ટ્રોફી જીતીને લાવો. આખો દેશ તમારી પાછળ ઉભો છે. ભારત જઈને વર્લ્ડ કપ જીતવાથી મોટી વાત શું હશે, તેમની માટે આ એક તમાચો છે.
BCCIનું સ્ટેન્ડ શરૂઆતથી જ સ્પષ્ટ
આ મામલે BCCIનું સ્ટેન્ડ શરૂઆતથી જ સ્પષ્ટ છે કે, જો એશિયા કપ પાકિસ્તાનમાં યોજાશે તો ટીમ ઈન્ડિયા ત્યાં રમવા નહીં જાય. તેથી જ BCCI સેક્રેટરી જય શાહે તટસ્થ સ્થળ પર ટૂર્નામેન્ટની વાત કરી છે. પરંતુ PCB ટૂર્નામેન્ટ પાકિસ્તાનમાં જ કરાવવા પર અડગ છે.