એશિયા કપ: ભારતીય ટીમે ઉજવણી તો કરી પણ હવે ટ્રોફી મળશે કે નહીં? જાણો ICCનો નિયમ

Asia Cup 2025 Final: એશિયા કપ 2025ની ફાઇનલ મેચમાં ભારત-પાકિસ્તાન વચ્ચે રસાકસીભરી મેચ થઈ હતી. આ મેચમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવી નવમી વખત એશિયા કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. આ ફાઇનલ મેચ પછી ઍવૉર્ડ વિતરણ સમારોહ વિવાદોથી ભરેલો રહ્યો હતો. ભારતીય ખેલાડીઓએ મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. ત્યારેબાદ મોહસીન નકવી ટ્રોફી લઈને જતા રહ્યા હતા. અને ખેલાડીઓએ ટ્રોફી વગર જ પોતાની જીતની ઉજવણી કરી. પરંતુ આ વિવાદ વચ્ચે દરેક મનમાં એક સવાલ હશે કે, શું ભારતને ફરી ટ્રોફી મળશે કે નહીં? ત્યારે ચાલો જાણીએ ટ્રોફી અંગે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના નિયમ...
ટ્રોફી અંગે આઇસીસીના નિયમો શું છે?
કૅપ્ટન દ્વારા ટ્રોફી સ્વીકારવાનો ઇન્કાર આઇસીસી આચારસંહિતા હેઠળ આવી શકે છે, પરંતુ આ અંગે કોઈ ચોક્કસ નિયમો નથી. આ ક્રિકેટની ભાવના વિરુદ્ધ હોઈ શકે છે. ભારતીય કૅપ્ટન સૂર્યકુમાર યાદવે સમજાવવું પડશે કે તેણે આ ટ્રોફી કેમ સ્વીકારી નહીં અને પછી એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) અથવા આઇસીસી કોઈપણ કાર્યવાહી અંગે નિર્ણય લેશે.
ક્રિકેટની ભાવના: મેચ જીત્યા પછી ટ્રોફી સ્વીકારવાનો ઇન્કાર કરવો એ ક્રિકેટની ભાવનાનું ઉલ્લંઘન ગણી શકાય, જે ICC આચારસંહિતાનો હેતુ છે.
કેપ્ટને કારણ જણાવવું પડશે: ટીમના કેપ્ટન અથવા પ્રતિનિધિએ ટ્રોફી ના સ્વીકારવા માટે આઇસીસીને સ્પષ્ટ અને માન્ય કારણ જણાવવું પડશે.
આઇસીસીની શિસ્ત પ્રક્રિયા: આઇસીસી પાસે ગેરવર્તણૂક માટે શિસ્ત પ્રક્રિયા છે. આઇસીસી આચાર સંહિતા હેઠળ આ પરિસ્થિતિની સમીક્ષા કરી શકે છે. આ નક્કી કરશે કે કોઈ નિયમોનું ઉલ્લંઘન થયું છે કે નહીં અને જો એમ હોય તો, ઉલ્લંઘન માટે કોણ જવાબદાર છે અને શું દંડ લાદવામાં આવી શકે છે.
એસીસી અધ્યક્ષ સામે બીસીસીઆઇ વિરોધ નોંધાવશે
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) નવેમ્બરમાં એસીસીની બેઠકમાં એસીસી અધ્યક્ષ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ચેરમેન મોહસીન નકવી સામે વિરોધ નોંધાવશે. ખેલાડીઓએ મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો, તેથી અન્ય કોઈ વરિષ્ઠ અધિકારી ટીમને ટ્રોફી આપી શક્યા હોત.
બીસીસીઆઇના સચિવ દેવજીત સૈકિયાના જણાવ્યાનુસાર, 'ભારત એવા વ્યક્તિ પાસેથી ટ્રોફી સ્વીકારી શકે નહીં જે પોતાના દેશ સામે યુદ્ધ કરી રહ્યો છે. અમે તેની (મોહસીન નકવી) પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો, પરંતુ તેને હોટલના રૂમમાં લઈ જવાની ના પાડતા નથી. અમે નવેમ્બરમાં આઇસીસીની બેઠકમાં આ મામલે વિરોધ નોંધાવીશું. જો પીસીબી પણ આઇસીસીને ફરિયાદ કરશે, તો આઇસીસી અંતિમ નિર્ણય લેશે.'
ભારતીય ટીમનો ટ્રોફી પર અધિકાર
ઉલ્લેખનીય છે કે, ભારતને એશિયા કપ 2025 ટ્રોફી પર અધિકાર છે. ભારતીય ટીમે ખિતાબ જીતવા માટે સખત મહેનત કરી અને બધી હરીફ ટીમોને હરાવી. કોઈને પણ ટ્રોફી પોતાની સાથે લઈ જવાનો અધિકાર નથી. જો ભારતીય ખેલાડીઓ મોહસીન નકવી સાથે હાથ મિલાવવા કે તેમની પાસેથી ટ્રોફી સ્વીકારવા માંગતા ન હોય અને આ અંગે કોઈ નિયમો નથી, તો તેમાં કંઈ ખોટું નથી. પરંતુ કોઈ ટીમનો જીતેલી ટ્રોફીનો અધિકાર છીનવી લેવો અને તેને પોતાની સાથે લઈ જવું એ તદન ખોટું છે.