ભારતની ફરિયાદ બાદ પાકિસ્તાની ખેલાડીઓ વિરુદ્ધ કાર્યવાહી: હારિસ રઉફને દંડ, ફરહાનને ફટકાર
Haris Rauf Penalized, Farhan Warned by ICC : એશિયા કપ ફાઈનલમાં ફરી ભારત અને પાકિસ્તાનની મેચ યોજાવવાની છે. જોકે હજુ સુધી પાછલી મેચને લઈને વિવાદ ચાલી રહ્યા છે. પાકિસ્તાની ક્રિકેટ બોર્ડે ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. સામે પક્ષે પાકિસ્તાનના ખેલાડીઓ વિરુદ્ધ પણ ફરિયાદો કરાઈ. પરિણામે પાકિસ્તાનના બે ખેલાડીઓ વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે.
મીડિયા અહેવાલ અનુસાર ICCએ પાકિસ્તાની ખેલાડી હારિસ રઉફ પર મેચ ફીસના 30 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે સાહિબજાદા ફરહાનને ફટકાર લગાવવામાં આવી છે, જોકે કોઈ દંડ ફટકારવામાં આવ્યો નથી. નોંધનીય છે કે સાહિબજાદા ફરહાને મેદાન પર ગન સેલિબ્રેશન કર્યું હતું જ્યારે હારિસ રઉફે આપત્તિજનક ઈશારા કર્યા હતા.
ભારતીય ક્રિકેટ બોર્ડે બુધવારે હારિસ રઉફ અને સાહિબજાદા ફરહાન વિરુદ્ધ ICCમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ શુક્રવારે મેચ રેફરી રિચિ રિચર્ડસન સમક્ષ સુનાવણી કરવામાં આવી. સુનાવણી બાદ રઉફને દંડ ફટકારવામાં આવ્યો જ્યારે સાહિબજાદાને ચેતવણી આપી છોડવામાં આવ્યો.
રેફરી સમક્ષ પોતાની સ્પષ્ટતામાં રઉફે કહ્યું હતું કે 6-0નો ઈશારો મેં ભારતને ખિજવવા નહોતો કર્યો. જ્યારે સાહિબજાદાનું કહેવું હતું કે ગન સેલિબ્રેશન રાજકારણથી પ્રેરિત નહોતું. આટલું જ નહીં સાહિબજાદાએ તો ભારતના ધોની અને કોહલીનું પણ નામ લીધું અને દાવો કર્યો કે આ બે ખેલાડીઓ પણ મેચમાં આવી ઉજવણી કરી ચૂક્યા છે.