એશિયા કપમાં અચાનક બદલાયું સમીકરણ, હવે ભારતની જીત માટે પ્રાર્થના કરશે પાકિસ્તાન!
Asia cup 2025 Final Qualification scenario: શું એશિયા કપમાં સુપર-4માં ભારત સામે હાર્યા પછી પણ પાકિસ્તાન એશિયા કપમાં આગળ વધી શકે છે? શું પાડોશી દેશ હજુ પણ એશિયા કપની ફાઇનલ રમી શકે છે? એશિયા કપની ફાઇનલમાં ભારતનો સામનો કરવાની પાકિસ્તાનની શક્યતાઓ શું છે? એશિયા કપમાં ચાલી રહેલા સુપર-4 રાઉન્ડ દરમિયાન કેટલાક સવાલો ખૂબ ચર્ચામાં રહ્યા છે. સૌથી મોટો સવાલ એ છે કે, શું 2025 એશિયા કપ ફાઇનલ ભારત અને પાકિસ્તાન વચ્ચે થઈ શકે છે.
પરંતુ અહીં સમજવું પડશે કે ટુર્નામેન્ટમાં પાકિસ્તાનની આગળ વધવાની તસવીર મંગળવાર(23 સપ્ટેમ્બર)ના રોજ શ્રીલંકા સામેની તેની મેચ પર આધારિત રહેશે. આ મેચ પાકિસ્તાન માટે કરો યા મરોની સ્થિતિ છે, આ જ સ્થિતિ શ્રીલંકાની ટીમ માટે પણ છે.
જો પાકિસ્તાનની ટીમ અબુ ધાબીમાં શ્રીલંકા સામે હારી જાય છે, તો તે ટુર્નામેન્ટમાંથી લગભગ બહાર થઈ જશે. ત્યારબાદ તેનો છેલ્લો મુકાબલો 25 સપ્ટેમ્બરે બાંગ્લાદેશ સામે થશે. આવી સ્થિતિમાં બાંગ્લાદેશ સામે માત્ર જીતીને ફાઇનલમાં પહોંચવું લગભગ અશક્ય બની જશે. ધ્યાનમાં રાખો કે સુપર-4માં માત્ર ટોપની બે ટીમો જ 28 સપ્ટેમ્બરે દુબઈમાં એશિયા કપ 2025ની ફાઇનલ રમવા ઉતરશે.
શ્રીલંકા અને પાકિસ્તાન લાંબા સમયથી એકબીજા સામે T20 મેચ રમ્યા નથી. તેમનો છેલ્લે 2022માં T20Iમાં આમનો-સામનો થયો હતો.
2010ના દાયકામાં તો આ બંને ટીમો લગભગ દર વર્ષે સીરિઝ રમતી હતી. શ્રીલંકાએ પાકિસ્તાન સામે છેલ્લી પાંચ T20 મેચ જીતી છે, આ સિલસિલો ઑક્ટોબર 2019થી ચાલી રહ્યો છે. જોકે UAEમાં પાકિસ્તાને શ્રીલંકા સામે સાત T20 મેચમાંથી ચાર જીતી છે. આનો અર્થ એ થયો કે UAEની ધરતી પર શ્રીલંકા સામે પાકિસ્તાનનો ડંકો વાગ્યો છે.
હવે સવાલ એ છે કે, પાકિસ્તાન હજુ પણ એશિયા કપ 2025ની ફાઇનલમાં કેવી રીતે પહોંચી શકે છે? પાકિસ્તાન મંગળવારે (23 સપ્ટેમ્બર) સુપર-4 રાઉન્ડમાં શ્રીલંકા સામે રમશે. શ્રીલંકાએ ગ્રૂપ Bમાં પોતાની ત્રણેય મેચ જીતીને ટોપ પોઝિશન મેળવી છે. જ્યાં તેણે બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને હોંગકોંગને હરાવ્યું હતું. પરંતુ સુપર-4માં પોતાની પહેલી મેચમાં તેને બાંગ્લાદેશ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
તો શું પાકિસ્તાનમાં બાંગ્લાદેશ વાળી જીત માટે પ્રાર્થના થશે? પરંતુ તે પહેલાં પાકિસ્તાને મંગળવારે શ્રીલંકાને હરાવવું પડશે, નહીં તો તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે.
બીજી તરફ મેન ઇન બ્લુ બુધવારે બાંગ્લાદેશ અને શુક્રવારે શ્રીલંકા સામે ટકરાશે. આવી સ્થિતિમાં ઓછામાં ઓછી એક મેચ જીતવાથી ભારત ફાઇનલની દિશામાં આગળ વધશે. જોકે, સૂર્યકુમાર યાદવની ટીમ પોતાનો 100% જીતનો રૅકોર્ડ જાળવી રાખવા માટે સુપર-4 ની બંને મેચ જીતવાનો પ્રયાસ કરશે.
જો પાકિસ્તાન શ્રીલંકાને હરાવે, તો ફાઇનલમાં પહોંચવાની તેમની આશા જીવંત રહેશે. તેનો આગામી મુકાબલો ગુરુવારે બાંગ્લાદેશ સામે થશે. બાંગ્લાદેશને હરાવવાથી પાકિસ્તાનનું ફાઇનલમાં સ્થાન લગભગ સુનિશ્ચિત થઈ જશે, જે રવિવાર(28 સપ્ટેમ્બર)ના રોજ રમાશે. કારણ કે, ત્યારે પાકિસ્તાનના ખાતામાં બે જીત હશે.
પરંતુ જો પાકિસ્તાન શ્રીલંકા સામે હારી જાય, તો તે એ પ્રાર્થના કરશે કે ભારતીય ટીમ કોઈપણ ભોગે બાંગ્લાદેશને હરાવે. આવી સ્થિતિમાં તેમણે અંતે બાંગ્લાદેશને હરાવવું પડશે. જો ભારત બાંગ્લાદેશ સામે હારી જાય, તો બાંગ્લાદેશની ફાઇનલમાં પહોંચવાની શક્યતા લગભગ નિશ્ચિત થઈ જશે.
સવાલ તો એ પણ મહત્ત્વપૂર્ણ છે કે, પાકિસ્તાન માત્ર એક મેચ જીતવાની સ્થિતિમાં ફાઇનલમાં પહોંચી શકશે? તો અહીં નેટ રન રેટ મહત્ત્વપૂર્ણ બની જશે.
પાકિસ્તાન શ્રીલંકા સામે હારી જાય તો પણ ફાઇનલમાં પહોંચી શકે છે, પરંતુ આ કિસ્સામાં, બાંગ્લાદેશ અને શ્રીલંકાએ તેમની બંને મેચ હારવી પડશે. પરંતુ માત્ર એક જીતીને ફાઇનલ પહોંચવા માટે પાકિસ્તાન ઇચ્છશે કે, ભારતીય ટીમ બાંગ્લાદેશને હરાવે. બીજી તરફ ભારતીય ટીમ શ્રીલંકાને પણ હરાવે. એટલે કે, ભારતીય ટીમની જીતમાં જ પાકિસ્તાનનો ફાઇનલમાં પહોંચવાનો રસ્તો છુપાયેલો છે. શ્રીલંકાને હરાવીને પણ પાકિસ્તાની ટીમ ફાઇનલમાં પહોંચી શકે છે, પરંતુ આવી સ્થિતિમાં બાંગ્લાદેશ અને શ્રીલંકાએ પોતાની બંને મેચો હારવી પડશે.
ખાસ વાત એ છે કે, બાંગ્લાદેશ અને શ્રીલંકા બંને હજુ પણ ફાઇનલની રેસમાં છે. બાંગ્લાદેશ પહેલાથી જ એક જીત મેળવી ચૂક્યું છે, અને શ્રીલંકા કોઈ પણ ટીમને હેરાન કરી શકે છે.
શું ટીમ ઇન્ડિયા હજુ પણ ફાઇનલમાંથી બહાર થઈ શકે છે?
ટીમ ઇન્ડિયાએ સુપર-4માં પાકિસ્તાનને હરાવીને શાનદાર શરુઆત કરી છે. પરંતુ ફાઇનલમાં પહોંચવાનો માર્ગ હજુ નિશ્ચિત નથી. સુપર ફોરમાં સ્થાન મેળવવા માટે તેણે ઓછામાં ઓછી વધુ એક મેચ જીતવાની જરૂર પડશે. બે મેચ હારવાથી ભારતીય ટીમ માટે પણ બાબતો જટિલ બનશે.
પાકિસ્તાનની કિસ્મત ભારતના હાથમાં
એટલે કે, એક વાત તો સ્પષ્ટ કે પાકિસ્તાનની ટુર્નામેન્ટની કિસ્મત હવે ભારતના હાથમાં છે. આવી સ્થિતિમાં એ નક્કી છે કે, શ્રીલંકા સામે 23 સપ્ટેમ્બરે જીત બાદ પણ પાકિસ્તાનમાં આવતી કાલે ભારતની જીત માટે પ્રાર્થના થશે. ભારત સામેની સુપર-4 મેચમાં હરિસ રૌફ, શાહિન શાહ આફ્રિદી અને સાબાઝાદા ફરહને ખૂબ જ વિવાદ કર્યો હતો પરંતુ હવે પાકિસ્તાનનું ફાઇનલનું સપનું ભારતની જીત પર નિર્ભર છે.