એશિયા કપ 2025: પાકિસ્તાન પણ ફાઈનલમાં પહોંચ્યું, 28મીએ ભારત સાથે મુકાબલો
India-Pakistan Final Showdown Confirmed in Asia Cup : એશિયા કપમાં આજે બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થયો હતો. બંને ટીમો વચ્ચે દુબઈના સ્ટેડિયમમાં સુપર-4ની મેચ રમાઈ. પાકિસ્તાને જીત માટે બાંગ્લાદેશને 136 રનનો લક્ષ્ય આપ્યો હતો. પાકિસ્તાન 11 રનથી મેચ જીત્યું.
મુકાબલા બાદ પાકિસ્તાન પણ એશિયા કપના ફાઈનલમાં પહોંચી ગયું છે. ભારતની ટીમ પહેલેથી જ ફાઈનલમાં પહોંચી ગઈ છે, હવે 28મી સપ્ટેમ્બરે ફાઈનલ મેચ રમાશે.
પાકિસ્તાનની ટીમમાં કોણે કેટલા રન ફટકાર્યા?
સૌથી વધુ મોહમ્મદ હારિસ: 31 રન
મોહમ્મદ નવાઝ: 25 રન
સલમાન આગા અને શાહીન આફ્રિદી : 19 રન
ફરહીમ અશરફ : 14 રન
ફખર ઝમાન: 13 રન
મેચ રેફરી સમક્ષ સૂર્યકુમાર યાદવની સુનાવણી
એશિયા કપ-2025માં ભારત અને પાકિસ્તાનની મેચોમાં ઘણા વિવાદો જોવા મળ્યા હતા. જેને લઈને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) બંનેએ એકબીજાના ખેલાડીઓ વિરુદ્ધ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)માં ફરિયાદ નોંધાવી છે. ભારતે સાહિબજાદા ફરહાન અને હારિસ રઉફ વિરુદ્ધ, જ્યારે પાકિસ્તાને સૂર્યકુમાર યાદવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદો સામે આવ્યા બાદ આઈસીસીએ કાર્યવાહી શરૂ કરી દીધી છે, જેમાં આજે (25 સપ્ટેમ્બર) સૂર્યકુમાર યાદવની આઈસીસીની એલિટ પેનલના મેચ રેફરી રિચી રિચર્ડસન સામે સુનાવણી પુરી થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આઈસીસી રિચર્ડસનને 26 સપ્ટેમ્બરે અંતિમ નિર્ણય સંભળાવશે. બીજીતરફ પાકિસ્તાની ખેલાડીઓ સાથે મેચ રેફરીની સુનાવણી 26 સપ્ટેમ્બરે થશે.
પાકિસ્તાન દ્વારા સૂર્યકુમાર યાદવ સામે ફરિયાદ
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બે મુદ્દા મામલે સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) વિરુદ્ધ ફરિયાદ કરી હતી. પીસીબીની પ્રથમ ફરિયાદમાં સૂર્યકુમારના નિવેદનો રાજકીય પ્રેરિત હોવાનો આક્ષેપ કરાયો છે, જ્યારે બીજી ફરિયાદમાં પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવવાનો મામલો સામેલ છે.પીસીબીની ફરિયાદ અંગે બીસીસીઆઈ સૂત્રોના જણાવ્યા મુજબ, સૂર્યકુમાર યાદવે પાકિસ્તાન સામેની જીત પુલવામા હુમલાના પીડિતો અને ભારતીય સેનાને સમર્પિત કરી હતી. આ એક ભાવનાત્મક નિવેદન હતું, જોકે PCBએ સૂર્યાના નિવેદન અંગે જાણીજોઈને ભ્રમ ફેલાવ્યો હતો. આ ઉપરાંત ICCના નિયમોમાં હાથ મિલાવવું ફરજિયાત નથી, તેથી સૂર્યકુમારને સજા થવાની શક્યતા ઓછી છે.
BCCIએ શું કરી ફરિયાદ?
બીજી બાજુ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પાકિસ્તાની ખેલાડીઓ સાહિબઝાદા ફરહાન (Sahibzada Farhan) અને હારિસ રઉફ (Haris Rauf) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. BCCIએ કહ્યું કે, સુપર-4 મેચમાં આ બંને ખેલાડીઓએ ઉશ્કેરણીજનક ઈશારા અને વિવાદાસ્પદ વર્તન કર્યા હતા. હારિસ રઉફે વિમાનને તોડી પાડવાનો ઈશારો કર્યો હતો અને ભારતીય ખેલાડીઓ અભિષેક શર્મા અને શુભમન ગિલને અપશબ્દો કહ્યા હતા. જ્યારે ફરહાને અડધી સદી પૂરી કર્યા બાદ ‘ગન સેલિબ્રેશન’ કર્યું હતું. ફરહાન અને રઉફે આરોપોનો ઈન્કાર કરી દીધો છે, તેથી તે બંને રેફરી સમક્ષ હાજર થશે. ફરહાને અડધી સદી ફટકાર્યા બાદ બેટને મશીન ગનની જેમ પકડીને સેલિબ્રેશન કર્યું હતું. પછી તેણે કહ્યું હતું કે, ‘આ સેલિબ્રેશન તેના મનમાં અચાનક આવ્યું હતું. હું સામાન્ય રીતે વધુ સેલિબ્રેશન કરતો નથી. મેં વિચાર્યું કે, કંઈક અલગ કરું. હવે લોકો તેને શું સમજે છે, તે મને ફરક પડતો નથી.’ જો આ બંને ખેલાડીઓ વિરુદ્ધ આરોપો સાચા સાબિત થશે, તો તેમને કડક સજા થઈ શકે છે, કારણ કે મેદાન પર રમતની ભાવના વિરુદ્ધના ઈશારાની મનાઈ છે.