Asia Cup 2023 : ટીમ ઈન્ડિયાની જર્સી પર પાકિસ્તાનનું નામ ! ભારતીય ટીમ પહેરીને ઉતરશે મેદાનમાં
30 ઓગસ્ટથી શરૂ થશે 6 દેશો વચ્ચે એશિયા કપ
2 સપ્ટેમ્બરે રમાશે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ
નવી દિલ્હી, તા.10 ઓગસ્ટ-2023, ગુરુવાર
ભારતીય ક્રિકેટ ટીમ ઓગસ્ટ-સપ્ટેમ્બર વચ્ચે મેદાન પર એવું કંઈક કરવા જઈ રહી છે જે પહેલાં ક્યારેય જોવા મળ્યું નથી. ટીમ ઈન્ડિયા આગામી ટૂર્નામેન્ટમાં જે જર્સી પહેરશે તેના પર પાકિસ્તાનનું નામ લખાયેલું હશે... ટીમ ઈન્ડિયા ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં પાકિસ્તાન દ્વારા યોજાનારા એશિયા કપમાં રમવાની છે. ભારતીય ટીમની આ ટૂર્નામેન્ટ માટે બનાવવામાં આવેલી જર્સી સામે આવી છે. જર્સી પર પાકિસ્તાન લખેલું જોઈને પ્રશંસકો પ્રતિક્રિયા આપવા લાગ્યા છે.
ભારતીય ટીમ પાકિસ્તાન લખેલી ટી-શર્ટ કેમ પહેરશે ?
આખરે જે ટી-શર્ટ પર પાકિસ્તાન લખાયેલું છે, તે ટી-શર્ટ ભારતીયટીમ પહેરશે.... તો તમે વિચારતા હશો કે આવું કેમ ? પાકિસ્તાન એશિયા કપની યજમાની કરી રહ્યું છે અને આ કારણે દરેક ટીમની જર્સી પર પાકિસ્તાન 2023 લખવામાં આવશે. આઈસીસી હોય કે એસીસી... જે દેશ પાસે ટૂર્નામેન્ટની યજમાની હોય છે, તે દેશનું નામ ઈવેન્ટના નામ સાથે લખવામાં આવે છે. એશિયા કપની સાથે પાકિસ્તાન 2023 લખવામાં આવશે. ટૂર્નામેન્ટમાં રમનારી તમામ ટીમોની જર્સી પર આ લખેલું જોવા મળશે.
30 ઓગસ્ટથી શરૂ થશે એશિયા કપ
એશિયા કપ અગાઉ પાકિસ્તાનમાં યોજાવાનો હતો પરંતુ બીસીસીઆઈએ પોતાની ટીમને પાકિસ્તાન મોકલવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. આ નિર્ણય બાદ ઘણો વિવાદ સર્જાયો હતો, પરંતુ અંતે પીસીબીએ કેટલીક મેચો શ્રીલંકામાં ખસેડવી પડી... એશિયા કપ 30 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર સુધી પાકિસ્તાન અને શ્રીલંકામાં રમાશે. પાકિસ્તાન 13 મેચોમાંથી માત્ર 4ની યજમાની કરી શક્યું છે, જ્યારે 9 મેચ શ્રીલંકામાં રમાશે. ભારત તેની તમામ મેચ શ્રીલંકામાં જ રમશે. એશિયા કપમાં ટૂર્નામેન્ટની શરૂઆત પાકિસ્તાન અને નેપાળ વચ્ચેની મેચથી થશે. ભારતીય ટીમ એશિયા કપમાં 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે મેચ રમવાની છે.