અર્શદીપે T20Iમાં 100 વિકેટો ઝડપી અનેક રૅકોર્ડ ધ્વસ્ત કર્યા, છેલ્લી વિકેટ માટે 8 મહિના રાહ જોઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Asia Cup 2025: એશિયા કપ 2025માં શુક્રવારે (19મી સપ્ટેમ્બર) ભારતીય ટીમે ઓમાન સામે 21 રનથી વિજય મેળવ્યો. આ મેચ અર્શદીપ સિંહ માટે યાદગાર હતી, તેણે આ મેચમાં પોતાની 100મી T20I વિકેટ પૂરી કરી હતી. આ સિદ્ધિ માટે તેમને આઠ મહિના રાહ જોવી પડી હતી, પરંતુ આખરે તેઓ 100 T20I વિકેટ લેનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા. ડાબા હાથના સીમર બોલરે 2022માં ન્યુઝીલૅન્ડ સામે ડેબ્યુ કર્યું હતું અને ત્યારથી તે ઝડપી ગતિએ વિકેટ લઈ રહ્યો છે.
વિકેટ માટે 8 મહિનાની રાહ
જાન્યુઆરી 2025માં ભારતે ઇંગ્લૅન્ડ સામેની છેલ્લી બે મેચમાંથી અર્શદીપ સિંહને બહાર રાખ્યા બાદ તે 99 વિકેટ પર અટવાઈ ગયો હતો. એશિયા કપ પહેલા કોઈ T20I મેચ શેડ્યુલ નહોતી, તેથી તેને આ રૅકોર્ડ સુધી પહોંચવા માટે 8 મહિના રાહ જોવી પડી હતી. એશિયા કપમા અર્શદીપને ટુર્નામેન્ટની ત્રીજી ગ્રૂપ-સ્ટેજ મેચમાં તક મળી. તેણે 4 ઓવરમાં 37 રન આપીને 1 વિકેટ લીધી.
અર્શદીપે આ રૅકોર્ડ બનાવ્યો
અર્શદીપ સિંહ માત્ર 100 T20I વિકેટ લેનાર પ્રથમ ભારતીય જ નહીં, પણ આ ફોર્મેટમાં 100 વિકેટ લેનાર સૌથી ઝડપી ફાસ્ટ બોલર પણ બન્યો. તેણે માત્ર 64 મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી.
T20Iમાં સૌથી ઝડપી 100 વિકેટ
રાશિદ ખાન – 53
સંદીપ લામિછાને – 54
વાનિન્દુ હસરંગા – 63
અર્શદીપ સિંહ – 64
રિઝવાન બટ્ટ – 66
હરિસ રઉફ – 71
ઉલ્લેખનીય છે કે, લાંબા સમય પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરનાર અર્શદીપ સિંહ ફોર્મમાં નહોતો. તે પાવરપ્લેમાં વિકેટ લેવામાં નિષ્ફળ ગયો અને તેના રિટર્ન સ્પેલમાં રન આપ્યા. તેણે ઓમાન સામેની મેચની અંતિમ ઓવરના પહેલા બોલ પર તેની 100મી વિકેટ લીધી.









