પુરુષમાંથી સ્ત્રી બનેલી અનાયા બાંગરે BCCI અને ICCથી કરી આ માંગ, શેર કર્યો હેલ્થ રિપોર્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Anaya Bangar: પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય બાંગરની દીકરી અનાયા બાંગર જે પુરુષમાંથી સ્ત્રી બની છે તેણે ICC અને BCCIને ટ્રાન્સજેન્ડર ક્રિકેટરોને સપોર્ટ કરવા વિનંતી કરી છે. અનાયાએ આ પગલું ત્યારે ભર્યું છે જ્યારે ટ્રાન્સજેન્ડર ક્રિકેટરોને મહિલા ક્રિકેટમાં ભાગ લેવાની મંજૂરી નથી. આ પ્રતિબંધ 2023 વન-ડે વર્લ્ડ કપ પછી ICC બોર્ડની બેઠકમાં લગાવવામાં આવ્યો હતો.
અનાયા બાંગરે શેર કરી લાંબી પોસ્ટ
અનાયાએ 8 પાનાનો હેલ્થ રિપોર્ટ શેર કર્યો છે જેમાં એક ટ્રાન્સજેન્ડર ખેલાડી તરીકેની તેની પરિવર્તન યાત્રાની વિગતો આપવામાં આવી છે. અનાયા આ તારણો ICC અને BCCI ને સોંપવાની યોજના બનાવી રહી છે. તેનું માનવું છે કે, વિજ્ઞાન પ્રમાણે તે મહિલા ક્રિકેટ માટે યોગ્ય છે અને હવે એ જોવાનું રહેશે કે દુનિયા આ સત્ય સાંભળવા માટે તૈયાર છે કે નહીં.
અનાયા બાંગરે તાજેતરમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. આ વીડિયોમાં તેણે પોતાના ટેસ્ટ રિપોર્ટ્સ બતાવ્યા છે. અનાયાએ જણાવ્યું કે, મેં એક વર્ષ સુધી હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી (HRT) લીધા પછી માન્ચેસ્ટર મેટ્રોપોલિટન યુનિવર્સિટી સાથે મળીને કામ કર્યું.
અનાયાએ શેર કર્યો ટેસ્ટ રિપોર્ટ
આ ટેસ્ટમાં તેની સ્નાયુઓની શક્તિ, સહનશક્તિ, ગ્લુકોઝ અને ઓક્સિજન સ્તરનો ડેટા એકત્રિત કરવામાં આવ્યો છે. ત્યારબાદ આ ડેટાની તુલના સામાન્ય મહિલા એથલીટ સાથે કરવામાં આવી હતી. પરિણામો દર્શાવે છે કે, અનાયાના આ બધા પરિમાણો સામાન્ય મહિલા એથલીટોના સ્તરની અંદર હતા. અનાયાએ પોતાની વાત મૂકતા કહ્યું કે 'પહેલી વખત હું આ વૈજ્ઞાનિક રિપોર્ટ શેર કરી રહી છું જે ટ્રાન્સ મહિલા એથલીટ તરીકેની મારી યાત્રાને દર્શાવે છે. છેલ્લા એક વર્ષમાં હોર્મોન થેરાપી શરૂ કર્યા પછી મેં માળખાગત શારીરિક મૂલ્યાંકન કરાવ્યું છે. આ રિપોર્ટ મારા પરિવર્તનની વાસ્તવિક, માપી શકાય તેવી અસરને દર્શાવે છે, ન મંતવ્યો, ન ધારણાઓ, પરંતુ ડેટા.'
અનાયાએ આગળ કહ્યું કે, 'હું આ વાત BCCI અને ICC સમક્ષ સંપૂર્ણ પારદર્શિતા અને આશા સાથે સોંપી રહી છું. મારો એકમાત્ર હેતુ ડર પર નહીં, પરંતુ તથ્યોના આધારે વાતચીત શરૂ કરવાનો છે. જગ્યા બનાવવાનો છે, વિભાજન કરવાનો નહીં. તમે સંમત થાઓ કે ન થાઓ, જોવા બદલ આભાર.' અનાયાનો જન્મ પુરુષ તરીકે થયો હતો બાદમાં તે મહિલા બની. 23 વર્ષની અનાયાએ HRTનું એક વર્ષ પૂર્ણ કર્યા પછી આ પગલું ભર્યું છે.
અનાયાના પિતા સંજય બાંગર છે
અનાયાના પિતા સંજય બાંગરે ભારત માટે 12 ટેસ્ટ અને 15 વનડે રમી છે. તેણે 2014થી 2019 સુધી રાષ્ટ્રીય ટીમના બેટિંગ કોચ તરીકે પણ કામ કર્યું છે. અનાયાનો આ પ્રયાસ ટ્રાન્સજેન્ડર ક્રિકેટરો માટે એક મહત્વપૂર્ણ પગલું બની શકે છે. તે ઈચ્છે છે કે, ICC અને BCCI આ બાબત પર ધ્યાન આપે અને ટ્રાન્સજેન્ડર ખેલાડીઓને પણ ક્રિકેટ રમવાની તક મળે.









