Get The App

અમોલ મઝૂમદાર: જેમને ક્યારેય ટીમ ઇન્ડિયામાં સ્થાન ન મળ્યું પણ વર્લ્ડકપ જીતવામાં મહત્ત્વનો ફાળો

Updated: Nov 3rd, 2025

GS TEAM

Google News
Google News
Amol Muzumdar

Amol Muzumdar: હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પહેલીવાર વિશ્વ વિજેતા બનીને બે વખત ફાઇનલમાં પહોંચીને અધૂરું રહેલું સપનું પૂર્ણ કર્યું. આ જીતનો શ્રેય કૅપ્ટન અને ટીમને તો જાય જ છે, પરંતુ તેની પટકથા કોચ અમોલ મજૂમદારે લખી. કોચ અમોલ મજૂમદાર પોતે ક્યારેય ભારત માટે રમી શક્યા નથી, છતાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 11 હજારથી વધુ રન બનાવી ચૂક્યા છે. તેમણે મહિલા ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવી દીધી.

હરમનપ્રીતે લીધા કોચ અમોલ મઝૂમદારના આશીર્વાદ

હરમનપ્રીત કૌરની કપ્તાનીમાં ભારતીય મહિલા ટીમે રવિવારે રાત્રે ઇતિહાસ રચ્યો. મહિલા વિશ્વ કપની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 52 રને હરાવીને ટીમ પહેલીવાર વિશ્વ વિજેતા બની. જીતનો ઝંડો લહેરાવ્યા બાદ કૅપ્ટન હરમનપ્રીત કૌરે કોચ અમોલ મજૂમદારના આશીર્વાદ લીધા. તેમણે એ વ્યક્તિને પ્રણામ કર્યા, જે પડદા પાછળ રહીને ટીમને ઘડી રહ્યા હતા.

ફર્સ્ટ ક્લાસમાં 11,167 રન છતાં તક ન મળી

અમોલ મજૂમદારે બે દાયકા સુધી ઘરેલુ ક્રિકેટમાં બેટિંગનો જલવો દેખાડ્યો, જેમાં તેમના નામે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 11,167 રન નોંધાયેલા છે. તેઓ સચિન તેંડુલકર અને વિનોદ કાંબલી જેવા દિગ્ગજો સાથે રમ્યા હતા.

અમોલ મજૂમદાર 1994માં ભારતની અંડર-19 ટીમના વાઇસ કૅપ્ટન અને ઇન્ડિયા 'એ' માટે રાહુલ દ્રવિડ-સૌરવ ગાંગુલી સાથે પણ રમ્યા. મુંબઈ માટે પોતાની રણજી ડેબ્યુ મેચમાં 260 રનની શાનદાર ઇનિંગ્સ (જે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની ડેબ્યુ મેચમાં કોઈ ભારતીયનો સર્વોચ્ચ સ્કોર હતો) રમી હોવા છતાં, તેમને ક્યારેય ટીમ ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી નહીં.

તેના માટેનું એક સંભવિત કારણ એ હતું કે, તે સમયે ભારતનો મિડલ ઓર્ડર સચિન, દ્રવિડ, લક્ષ્મણ અને ગાંગુલી જેવા મહાન બેટ્સમેનોથી સજ્જ હતો. મજૂમદારે 2014મા સંન્યાસ લીધો, જેનાથી તેમની 21 વર્ષની ક્રિકેટ કારકિર્દીનો અંત આવ્યો.

આ પણ વાંચો: વર્લ્ડ ચેમ્પિયન ભારતીય મહિલા ટીમ માટે BCCIનું ઈનામ, ICC કરતાં પણ વધુ પ્રાઈઝ મનીની જાહેરાત

2 વર્ષમાં સપનું સાકાર કર્યું

બીસીસીઆઇએ અમોલ મજૂમદારને ઑક્ટોબર 2023માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ તરીકે નિયુક્ત કર્યા. બે વર્ષમાં તેમણે ટીમને ઘડી, તેમનામાં એ વિશ્વાસ પેદા કર્યો કે તેઓ આઇસીસી ખિતાબનો દુષ્કાળ સમાપ્ત કરી શકે છે. 2005 અને 2017માં જે ન થઈ શક્યું, તે 2025માં થઈ શકે છે.

11 નવેમ્બરના રોજ અમોલ મજૂમદાર પોતાનો 51મો જન્મદિવસ ઉજવશે. ભારતીય ટીમ તરફથી તેમના માટે વિશ્વ કપની ટ્રોફી કરતાં બીજી કોઈ વધુ સારી ભેટ હોઈ શકે નહીં.

હરમનપ્રીત કૌરની બ્રિગેડની ઐતિહાસિક સફળતા બાદ તેમણે કહ્યું, 'મારી પાસે શબ્દો નથી. આ ખૂબ જ ગર્વની ક્ષણ છે.  ટીમે સખત મહેનત અને વિશ્વાસથી દરેક ભારતીયને ગર્વની તક આપી છે... આ એક વોટરશેડ મોમેન્ટ છે.'

અમોલ મઝૂમદાર: જેમને ક્યારેય ટીમ ઇન્ડિયામાં સ્થાન ન મળ્યું પણ વર્લ્ડકપ જીતવામાં મહત્ત્વનો ફાળો 2 - image