Updated: Mar 17th, 2023
લંડન,
તા.૧૭
ભારતની
તૃષા જોલી અને ગાયત્રી ગોપીચંદની જોડી બેડમિંટનની પ્રતિષ્ઠિત ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપ જીતવાની રેસમાં બાકી રહી છે. તૃષા અને ગાયત્રીએ ક્વાર્ટર ફાઈનલમાં ચીનની લી વેન્મેઈ અને લીયુ ક્ષુએનક્ષુએનની જોડીને ત્રણ ગેમના ભારે સંઘર્ષ બાદ ૨૧-૧૪, ૧૮-૨૧, ૨૧-૧૨થી હરાવી હતી. હવે સેમિ ફાઈનલમાં આ બિનક્રમાંકિત જોડીની ટક્કર સાઉથ કોરિયાની બૅઈક હા-ના અને લી શો-હી સામે થશે. સાઉથ કોરિયાની આ બિનક્રમાંકિત જોડીએ આઠમો સીડ ધરાવતી ઈન્ડોનેશિયાની રાહાયુ-રામાધન્તીને ૨૧-૧૧, ૧૪-૨૧, ૨૧-૧૪થી પરાજીત કરી હતી.
અગાઉ
કિદામ્બી શ્રીકાંત, એચ. એસ પ્રનોય અને લક્ષ્ય સેન પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં જ હારી જતાં સિંગલ્સમાં ભારતના પડકારનો અંત આવી ગયો હતો. ગત વર્ષે ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પ્રવેશેલા યુવા ખેલાડી લક્ષ્ય સેનનો ડેનમાર્કના એન્ટોનસેન સામે ૧૩-૨૧, ૧૫-૨૧થી પરાજય થયો હતો. તેની સાથે પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશેલા એચ.એસ. પ્રનોયનો ઈન્ડોનેશિયાના એન્થોની જીન્ટિંગ સામે ૨૦-૨૨, ૨૧-૧૫, ૧૭-૨૧ના અત્યંત સંઘર્ષમય મુકાબલા બાદ હાર થઈ હતી. જ્યારે ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન કિદામ્બી શ્રીકાંત જાપાનના નારાઓકા સામે ૧૭-૨૧, ૧૫-૨૧થી હારતાં બહાર ફેંકાયો હતો.
વિમેન્સ
સિંગલ્સમાં સાયના નેહવાલ તો ટુર્નામેન્ટના પ્રારંભ અગાઉ જ ખસી ગઈ હતી. જ્યારે સિંધુ પહેલા જ રાઉન્ડમાં હારી હતી. સાત્વિકસાઈરાજ અને ચિરાગ શેટ્ટીની મેન્સ ડબલ્સની જોડીની પાસેથી ભારતને આશા હતી. જોકે તેઓ પણ પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં ચીનના લિએંગ વેઈ કેંગ અને વાંગ ચાંગ સામે ૨૧-૧૦, ૧૭-૨૧, ૧૯-૨૧થી હારી ગયા હતા.