'મેં સિલેક્ટર્સ તરફથી કોઈ જવાબ ન મળ્યો...', બે વર્ષથી ટીમમાં મોકો ન મળતા સ્ટાર ખેલાડીનું દર્દ છલકાયું
તસવીર : IANS
Ajinkya Rahane Reveals Pain of Being Dropped from Indian Test Team : ભારતીય સ્ટાર ખેલાડી અજિંક્ય રહાણેને છેલ્લા બે વર્ષથી ભારતીય ક્રિકેટની ટેસ્ટ ટીમમાં મોકો મળ્યો નથી. અત્યારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સીરિઝ રમાઈ રહી છે. એવામાં લોર્ડ્સની મુલાકાત દરમિયાન રહાણેનું દર્દ છલકાયું છે. તેનું કહેવું છે કે ટીમમાંથી ડ્રોપ થયા બાદ તેણે સિલેક્ટર્સ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ જવાબ મળતો નથી.
મને ટેસ્ટ ક્રિકેટમાં રમવું છે: અજિંક્ય રહાણે
એક ઈન્ટરવ્યૂમાં કમબેક અંગે સવાલના જવાબમાં રહાણેએ કહ્યું છે, 'હું ટેસ્ટ ક્રિકેટ રમવા માંગુ છું. મને ટેસ્ટ ક્રિકેટ રમવી ખૂબ ગમે છે. હું થોડા દિવસ માટે અહીં આવ્યો છું છતાં ટ્રેનર અને ટ્રેનિંગના કપડાં પણ સાથે જ લઈને આવ્યો છું જેથી ફિટ રહી શકું. અત્યારે તો ઘરેલુ ક્રિકેટ રમી રહ્યો છું અને તેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે.'
કોઈ જવાબ નથી આપતા: અજિંક્ય રહાણે
રહાણેએ વધુમાં કહ્યું છે, કે 'હું એવી વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરું છું જેના પર મારો કંટ્રોલ હોય. સાચું કહું તો મેં સિલેક્ટર્સ સાથે વાત કરવાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ કોઈ જવાબ મળ્યો નથી. મને ટેસ્ટ ક્રિકેટ ખૂબ ગમે છે.'
નોંધનીય છે કે રહાણેએ છ ટેસ્ટ મેચોમાં ભારત માટે કેપ્ટન્સી કરી છે. જેમાંથી ટીમ ઈન્ડિયા એકેય મેચ હારી નહોતી. રહાણેની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા છ મેચ રમી જેમાંથી ચાર જીતી અને બે મેચ ડ્રો રહી.