વિરાટે સંન્યાસ લેતા જ આ ખેલાડીને ટીમ ઈન્ડિયામાં મળી એન્ટ્રી, 8 વર્ષ પછી થઈ વાપસી
IND vs ENG Test Series : BCCIએ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પાંચ મેચની ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી દીધી છે. શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ 18 ભારતીય ખેલાડીઓની ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે જશે. આ સીરિઝ માટે સિલેક્ટર્સે ઘણાં યુવા ખેલાડીઓને પણ ટીમમાં સ્થાન આપ્યો છે. બીજી બાજુ, ટીમમાં એક એવા ખેલાડીને પણ સ્થાન મળ્યું છે, જેણે છેલ્લા 8 વર્ષથી ભારતીય ટીમ માટે કોઇ પણ ટેસ્ટ મેચ રમી નથી. આ ખેલાડીએ ડોમેસ્ટિક ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કરીને ભારતીય ટેસ્ટ ટીમમાં વાપસી કરી છે.
8 વર્ષ બાદ ટેસ્ટ ટીમમાં વાપસી
ભારતીય ક્રિકેટ ફેન્સ આ જાણીને ખુશ થશે કે અનુભવી બેટર કરુણ નાયરને 8 વર્ષના લાંબા સમય બાદ ભારતીય ટેસ્ટ ટીમમાં વાપસીની તક મળી છે. નાયરે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ માર્ચ 2017માં રમી હતી. હવે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં વાપસી તેના માટે વ્યક્તિગત સિદ્ધિ સાથે ભારતીય ક્રિકેટ માટે એક નવા પ્રકરણની શરૂઆત હોઇ શકે છે. કરુણ નાયરની વાપસીનું કારણ વિરાટ કોહની નિવૃત્તિ પણ છે. કારણ કે, વિરાટ કોહલીની નિવૃત્તિ પછી ટીમને ટોપ ઓર્ડરમાં એક અનુભવી બેટરની જરૂર હતી, જેના માટે કરુણ નાયર એક યોગ્ય વિકલ્પ છે.
2016માં ઇંગ્લેન્ડ સામે કરી હતી કમાલ
કરુણ નાયરે 2016માં ઇંગ્લેન્ડ સામે ચેન્નાઇ ટેસ્ટમાં અણનમ 303 રનની ઐતિહાસિક ઇનિંગ રમીને મોટી કમાલ કરી હતી. આ ઇનિંગની મદદથી તે વિરેન્દ્ર સહેવાગ પછી ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારનારો બીજો ભારતીય બેટર બની ગયો હતો. જો કે, આ મેચ બાદ તેની કારકિર્દીમાં ઘણાં ઉતાર-ચઢાવ આવ્યા અને 2017 પછી તેને ટીમ ઇન્ડિયામાં તક નહોતી મળી. આમ છતાં નાયરે હાર ન માની અને ડોમેસ્ટિક ક્રિકેટમાં સતત શાનદાર પ્રદર્શન કરીને હવે તેણે ટીમ ઇન્ડિયાની ટેસ્ટ સ્કવૉડમાં ફરી વાપસી કરી છે.
ડોમેસ્ટિક ક્રિકેટમાં તોફાની પ્રદર્શન
છેલ્લા કેટલાક વર્ષોમાં કરુણ નાયરે ડોમેસ્ટિક ક્રિકેટમાં તોફાની પ્રદર્શન કરીને ફરી સ્પોટલાઇટ મેળવી છે. વર્ષ 2024-25માં કરુણ નાયરે રણજી ટ્રોફી અને વિજય હજારે ટ્રોફીમાં વિદર્ભ માટે શાનદાર પ્રદર્શન કર્યું. રણજી ટ્રોફીમાં તેણે 9 મેચમાં 863 રન બનાવ્યા, જેમાં 4 સદી અને 2 અર્ધ સદી પણ સામેલ છે. બીજી બાજુ, વિજય હજારે ટ્રોફીમાં પણ તેની બેટિંગે ક્રિકેટ રસિયાઓને પ્રભાવિત કર્યા હતા. જ્યાં તેણે 9 મેચોમાં 5 સદીની મદદથી 779 રન બનાવ્યા હતા. હવે તેની નજર ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં સારું પ્રદર્શન કરીને ટીમને જીત અપાવવા પર રહેશે.
નોંધનીય છે કે, કરુણ નાયરે ટીમ ઇન્ડિયા માટે અત્યાર સુધી 6 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન તેણે 62.33ની સરેરાશ સાથે 374 રન બનાવ્યા હતા. આ ઉપરાંત તે ભારત માટે 2 વન-ડે મેચ પણ રમી ચૂક્યો છે. જેમાં તેણે 23.00ની સરેરાશ સાથે 46 રન બનાવ્યા હતા.
ટીમ ઈન્ડિયાની સ્કવૉડમાં કોને કોને સ્થાન?
ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ માટે શુભમન ગિલ(કેપ્ટન), રિષભ પંત (વાઈસ કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કે.એલ.રાહુલ, સાઈ સુદર્શન, અભિમન્યુ એસ્વરન, કરુણ નાયર, નિતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, ધ્રૂવ જુરેલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશ દીપ, અર્શદીપ સિંહ અને કુલદીપ યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટીમમાં બે ગુજરાતી ખેલાડીઓ જસપ્રીત બુમરાહ અને રવીન્દ્ર જાડેજાને સ્થાન અપાયું છે. જો કે, સ્ટાર બોલર મોહમ્મદ શમીને આ ટીમમાં સ્થાન મળ્યું નથી. નોંધનીય છે કે, ઈજાઓને કારણે તે લગભગ બે વર્ષથી ટેસ્ટ ક્રિકેટ રમી શક્યો નથી.