પિતાએ કામ છોડ્યું, માતા રાતના બે વાગ્યે ઉઠી જતાં...: ઐતિહાસિક સદી બાદ વૈભવે જણાવી સંઘર્ષગાથા
Vaibhav Suryavanshi struggle story: IPLમાં માત્ર 14 વર્ષની ઉંમરે 35 જ બોલમાં સૌથી ઝડપી સદી ફટકાર્યા બાદ વૈભવ સૂર્યવંશીની દેશભરમાં ચર્ચા થઈ રહી છે. એવામાં પોતાની ઐતિહાસિક સદી બાદ વૈભવ સૂર્યવંશીએ પોતાની સંઘર્ષગાથા જણાવી છે. તેણે કહ્યું કે, 'મારી માતા માત્ર ત્રણ જ કલાક સૂતા હતા અને મારા પિતાએ મારું ક્રિકેટર બનવાનું સપનું પૂર્ણ કરવા માટે પોતાનું કામ છોડી દીધું હતું. પરિવારે મુશ્કેલ પરિસ્થિતિઓમાં ઘર ચલાવ્યું, પરંતુ મારું ક્રિકેટર બનવાનું સપનું જીવંત રાખ્યું.'
આજે તેની મહેનત અને પરિવારના બલિદાને તેને આ મુકામ પર પહોંચાડ્યો છે. વૈભવે IPL T20 સાથે વાત કરતા પોતાની ઐતિહાસિક ઈનિંગ્સ, પોતાનું સંઘર્ષ, પરિવારનો સપોર્ટ અને પોતાના ભવિષ્યના લક્ષ્યો વિશે વાત કરી.
માતા રાતના બે વાગ્યે ઉઠી જતાં
વૈભવે કહ્યું કે, 'આજે હું જે કંઈ છું તે મારા માતા-પિતાને કારણે છું. મારી પ્રેક્ટિસને કારણે મારી માતા રાત્રે 2 વાગ્યે ઉઠી જતા હતા. તેઓ રાત્રે 11 વાગ્યે સૂતા હતા અને માત્ર ત્રણ કલાક જ ઊંઘ લેતા હતા. પછી તે મારા માટે ભોજન બનાવતા હતા. મારા પપ્પાએ કામ છોડી દીધું છે, મારો મોટો ભાઈ પપ્પાનું કામ સંભાળી રહ્યો છે અને તેના કારણે મુશ્કેલથી ઘર ચાલી રહ્યું છે. અને મારા પપ્પા મને પૂરો સપોર્ટ કરી રહ્યા છે અને કહે છે કે, તું કરીશ, તું કરીશ, તું કરીશ... ભગવાન જુએ છે કે જે લોકો સખત મહેનત કરે છે તેને ક્યારેય નિષ્ફળતા નથી મળતી.'
આ શબ્દો 14 વર્ષના વૈભવ સૂર્યવંશીના છે, જેણે 28 એપ્રિલના રોજ IPL મેચમાં ગુજરાત ટાઈટન્સ સામે રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા માત્ર 35 બોલ પર સદી ફટકારીને અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે.
આ પણ વાંચો: નાનો પણ રાઈનો દાણો: 14 વર્ષના વૈભવે એક જ મેચમાં તોડ્યા 5 રેકોર્ડ, 35 બોલમાં સેન્ચુરી
IPLમાં રમાયેલી આ ઈનિંગથી તેણે એ પણ સાબિત કર્યું કે આમંચ જેને 'Talent Meets Opportunity' તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે, તે માત્ર વૈભવ જેવા ખેલાડીઓ માટે જ છે. કારણ કે જ્યારે વૈભવ જેવી પ્રતિભાને જો તક મળી, તો તેણે સાબિત કરી દેખાડ્યું કે તેનામાં કેટલી ક્ષમતા છે.
વૈભવે આગળ કહ્યું કે, હું ઘણા સમયથી આ ઈનિંગ માટે તૈયારી કરી રહ્યો હતો. અને આજે જ્યારે મને પરિણામ મળ્યું ત્યારે સારું લાગ્યું, હું ભવિષ્યમાં વધુ સારું કરવાનો પ્રયાસ કરીશ. હું ટીમમાં યોગદાન આપવા માંગુ છું. આ દરમિયાન તેણે આ ઈન્ટરવ્યુમાં પોતાના માતા-પિતાના સંઘર્ષોને યાદ કર્યા.
ટ્રાયલમાં વૈભવ સાથે શું થયુ, પોતે જણાવ્યું
વૈભવે આ ઈન્ટરવ્યુ દરમિયાન રાજસ્થાન રોયલ્સના ટ્રાયલની સ્ટોરી પણ જણાવી. તેણે કહ્યું કે, જ્યારે હું ટ્રાયલ (રાજસ્થાન રોયલ્સના ટ્રાયલ) માટે ગયો હતો, ત્યારે ત્યાં વિક્રમ (રાઠોડ) સર અને રોમી (ભિંડર) સર ત્યાં હતા. રોમી સર ટીમના મેનેજર છે. મેં ત્યારે ટ્રાયલ્સમાં સારી બેટિંગ કરી હતી. પછી તેમણે કહ્યું હતું કે અમે તને અમારી ટીમમાં લેવાનો પ્રયાસ કરીશું. જ્યારે હું ટીમમાં સામેલ થયો ત્યારે મને પહેલો ફોન તેમનો જ આવ્યો. તેમણે મને અભિનંદન આપ્યા અને પછી મને રાહુલ (દ્રવિડ) સર સાથે વાત કરાવી. તે ખૂબ જ સારી ફિલિંગ હતી. કારણ કે રાહુલ સરની અંડરમાં ટ્રેનિંગ લેવી, કામ કરવું અને રમવું એ સામાન્ય ક્રિકેટર માટે સ્વપ્નથી ઓછું નથી.
સિનિયર્સનો સપોર્ટ મળે છે
વૈભવે આ જ ઈન્ટરવ્યુમાં આગળ કહ્યું કે, મને સિનિયર્સ તરફથી ઘણો સપોર્ટ મળે છે. કોચિંગ સ્ટાફ પણ મદદ કરે છે. સંજુ ભાઈ, રિયાન ભાઈ, યશસ્વી ભાઈ, નીતિશ ભાઈ પણ મદદ કરવા માટે તૈયાર રહે છે. બધા મારી સાથે પોઝિટિવ વાતો કરે છે. આ લોકો મને વિશ્વાસ આપે છે કે તું કરી શકે છે, તમે ટીમને જીત અપાવી શકે છે, આ કારણે મારો આત્મવિશ્વાસ ખૂબ જ ઊંચો રહે છે. હું થોડો નર્વસ રહું છું કારણ કે આ IPL મેચ છે. પણ શું થશે, શું થશે એવું કોઈ પ્રેશર નથી રહેતું? બધા સાથે વાત કર્યા પછી તે નોર્મલ થઈ જાય છે.
પહેલા બોલ પર છગ્ગો મારવો નોર્મલ
વૈભવે આ ઈન્ટરવ્યુમાં એ પણ કહ્યું કે, પહેલા બોલ પર છગ્ગો મારવો મારા માટે નોર્મલ હતો. કારણ કે, હું આ બધું અંડર 19 ભારતીય ટીમ માટે અને સ્થાનિક મેચોમાં કરી ચૂક્યો હતો. કારણ કે મને એક વાત ખબર હતી કે, જો બોલ મારી રડારમાં આવશે તો હું મારીશ. મેં એવું નહોતું વિચાર્યું કે, આ મોટો બોલર છે. હવે હું ઈન્ડિયા માટે યોગદાન આપવા માગુ છું, રમવા માગુ છું, તો તે પ્રમાણે તૈયારી કરવાની છે.
હું વધારે નથી વિચારતો
35 બોલમાં સદી ફટકારનાર વૈભવે પોતાની ઈનિંગમાં 11 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા. તે પ્લેયર ઓફ ધ મેચ પણ રહ્યો. મેચ પછી તેણે કહ્યું કે, મને ખૂબ સારું લાગી રહ્યું છે. આ IPLમાં મારી પહેલી સદી છે અને આ મારી ત્રીજી ઈનિંગ હતી. ટુર્નામેન્ટ પહેલા કરવામાં આવેલી પ્રેક્ટિસના હવે સારા પરિણામો મળી રહ્યા છે. હું માત્ર બોલ જોઉં છું અને રમું છું. યશસ્વી જયસ્વાલ સાથે બેટિંગ કરવાની મજા આવે છે, તે મને શું કરવું તે સમજાવે છે અને હંમેશા પોઝિટિવ વાત કરે છે. IPLમાં સદી ફટકારવાનું મારું સ્વપ્ન હતું અને આજે તે પૂર્ણ થયું છે. મને કોઈ ડર નથી લાગતો. હું વધારે વિચારતો નથી, હું માત્ર રમત પર ધ્યાન આપું છું.
વૈભવની સિદ્ધિ કેમ ખાસ છે?
ગુજરાત ટાઈટન્સ સામે માત્ર 35 બોલમાં સદી ફટકારીને વૈભવ સૂર્યવંશી IPLમાં સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે. 28 એપ્રિલના રોજ તેની જાદુઈ સદીના કારણે રાજસ્થાન રોયલ્સે 25 બોલ બાકી રહેતા 210 રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. આ IPLના ઇતિહાસની આ બીજી સૌથી ઝડપી સદી છે. તે પુરુષો T20 ક્રિકેટમાં સદી ફટકારનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી પણ બની ગયો છે. તે 38 બોલમાં 101 રન બનાવીને આઉટ થયો હતો. IPLમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડીઝના ક્રિસ ગેલના નામ પર છે, તેણે એપ્રિલ 2013માં પુણે વોરિયર્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે 30 બોલમાં સદી ફટકારી હતી.