ICC T20I રેન્કિંગમાં અભિષેકે રચ્યો ઈતિહાસ, હાર્દિક પંડ્યાને પડ્યો મોટો ફટકો
ICC T20I Rankings: ટી20 એશિયા કપ 2025ના સમાપન પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ બુધવારે (પહેલી ઓક્ટોબર) સૌથી ટૂંકા ફોર્મેટમાં ખેલાડીઓ માટે નવું રેન્કિંગ જાહેર કર્યું. ભારતના યુવા ઓપનર અભિષેક શર્મા T20Iમાં નંબર-1 સ્થાન પર યથાવત્ છે. જોકે, અભિષેકે ICC T20 રેન્કિંગમાં સૌથી વધુ રેટિંગ પોઈન્ટ સાથે બેટર બનીને ઈતિહાસ રચ્યો છે, હાલમાં તેની પાસે 931 પોઈન્ટ છે. 25 વર્ષીય ખેલાડીએ ઈંગ્લેન્ડના ડેવિડ મલાનનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે, જે 919 પોઈન્ટ પર પહોંચ્યો હતો. એશિયા કપમાં અભિષેકનું બેટ જોરશોરથી ચાલી રહ્યું હતું, તેણે સાત મેચમાં સૌથી વધુ 314 રન બનાવ્યા અને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે જાહેર થયો. ભારતે ફાઈનલમાં પાકિસ્તાન પર 5 વિકેટથી રોમાંચક વિજય નોંધાવ્યો.
બેટરોની યાદીમાં તિલક વર્મા ત્રીજા સ્થાને
બેટરોની યાદીમાં ઈંગ્લેન્ડના ફિલ સોલ્ટ (844) બીજા ક્રમે છે. એશિયા કપ ફાઇનલમાં શાનદાર અડધી સદી (69 અણનમ) રમનાર તિલક વર્મા (819) ત્રીજા સ્થાને યથાવત્ છે. તેમણે ટુર્નામેન્ટમાં 213 રન બનાવ્યા. ટોપ-10માં ત્રણ ભારતીય છે. ભારતીય ટી20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ (698) આઠમા ક્રમે છે. તે એશિયા કપમાં બેટથી કોઈ પ્રભાવ પાડી શક્યો નથી. વરુણ ચક્રવર્તી ટી20 આઈમાં નંબર-વન બોલર બન્યો છે. તેના 803 રેટિંગ પોઈન્ટ છે. વરુણે એશિયા કપમાં છ મેચમાં સાત વિકેટ લીધી હતી. ટુર્નામેન્ટમાં સૌથી વધુ 17 વિકેટ લેનાર કુલદીપ યાદવ નવ સ્થાન ઉપર આવીને 12મા ક્રમે પહોંચી ગયો છે. તેના 648 પોઈન્ટ છે.
આ પણ વાંચો: 'ટ્રોફી વિવાદને ટાળી શકાયો હોત...' પાકિસ્તાની મંત્રીના નેતૃત્વ હેઠળની ACCએ માફી માગી
હાર્દિક પંડ્યાએ પોતાનું નંબર-વન સ્થાન ગુમાવ્યું
પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી (12 સ્થાન ઉપર 13મા ક્રમે) અને બાંગ્લાદેશના સ્પિનર રિશાદ હુસૈન (છઠ્ઠા સ્થાન ઉપર 20મા ક્રમે)ને પણ ફાયદો થયો. આ દરમિયાન ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પોતાનું નંબર-વન સ્થાન ગુમાવ્યું છે. પાકિસ્તાનનો સૈમ અયુબ હવે ટી-20માં નવા નંબર-વન ઓલરાઉન્ડર બની ગયો છે, જે હાર્દિકને પાછળ છોડી ગયો છે. હાર્દિક 233 પોઈન્ટ સાથે બીજા સ્થાને સરકી ગયો છે.
અયુબ પાસે હાલમાં 241 રેટિંગ પોઈન્ટ છે. હાર્દિકે એશિયા કપમાં છ મેચમાં 48 રન બનાવ્યા હતા અને ચાર વિકેટ લીધી હતી. ઈજાને કારણે તે ફાઇનલમાં રમ્યો ન હતો. એક મેચ ડાઉન રમનાર અયુબ ટુર્નામેન્ટમાં બેટથી સંપૂર્ણ ફ્લોપ રહ્યો હતો. તેણે સાત મેચમાં 37 રન બનાવ્યા હતા, જેમાં ચાર ડક આઉટનો સમાવેશ થાય છે. અયુબે છ ઈનિંગ્સમાં આઠ વિકેટ લીધી હતી.