16 છગ્ગા, 32 બોલમાં સદી... અભિષેક શર્માની વિસ્ફોટક બેટિંગ, રોહિત-યુવીના રેકોર્ડની બરાબરી!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Abhishek sharma News : સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025-26માં પંજાબની ટીમ વતી રમી રહેલા ઓપનર અભિષેક શર્માએ આજે (રવિવાર, 30 નવેમ્બર) બંગાળ સામેની મેચમાં ધમાકેદાર પ્રદર્શન કરીને ક્રિકેટ જગતમાં હલચલ મચાવી દીધી છે. હૈદરાબાદના જિમખાના ગ્રાઉન્ડ પર રમાયેલી આ એલિટ ગ્રુપ-સીની મેચમાં અભિષેકે અવિશ્વસનીય બેટિંગનો નમૂનો રજૂ કર્યો હતો.
રેકોર્ડની વણઝાર
યુવા બેટ્સમેન અભિષેક શર્માએ માત્ર 32 બોલમાં પોતાની સદી પૂરી કરી, જેમાં 11 છગ્ગા અને 7 ચોગ્ગા સામેલ હતા. તેણે કુલ 52 બોલમાં 16 છગ્ગા અને 8 ચોગ્ગાની મદદથી વિસ્ફોટક 148 રન બનાવ્યા.
ટી20 ક્રિકેટમાં આ 8મી સદી
અભિષેક શર્માની ટી20 ક્રિકેટમાં આ 8મી સદી છે. 157 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવીને, તે ટી20 ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનારા ભારતીય બેટ્સમેનોમાં પૂર્વ કેપ્ટન રોહિત શર્માની બરાબરી પર પહોંચી ગયો છે. ભારતીય બેટ્સમેનોમાં હવે તેના કરતાં વધુ ટી20 સદી (9 સદી) માત્ર વિરાટ કોહલીના નામે છે.
12 બોલમાં અર્ધસદી: યુવરાજ સિંહની બરાબરી
અભિષેકે આ મેચમાં માત્ર 12 બોલમાં અર્ધશતક (ફિફ્ટી) ફટકારીને એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. તે પુરુષોના T20 ક્રિકેટમાં સંયુક્ત રીતે ત્રીજી સૌથી ઝડપી ફિફ્ટી છે. કોઈપણ ભારતીય ખેલાડી દ્વારા ફટકારવામાં આવેલી આ સંયુક્ત રીતે બીજી સૌથી ઝડપી ફિફ્ટી છે. આ સાથે અભિષેકે યુવરાજ સિંહની બરાબરી કરી લીધી છે, જેમણે 2007ના T20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ સામે માત્ર 12 બોલમાં જ અર્ધસદી ફટકારી હતી. આ પહેલા સૌથી ઝડપી અર્ધસદી (9 બોલ) નેપાળના દીપેન્દ્ર સિંહ એરીના નામે અને બીજી સૌથી ઝડપી (11 બોલ) અર્ધ સદી ભારતના આશુતોષ શર્માના નામે છે.
ટી20 માં બીજો સૌથી મોટો સ્કોર
અભિષેક શર્મા હવે ટી20 ક્રિકેટમાં બીજો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર બનાવનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. તેણે મુંબઈ તરફથી 147 રન બનાવનાર શ્રેયસ ઐયરને પાછળ છોડી દીધો છે. આ મામલે પ્રથમ સ્થાને તિલક વર્મા છે, જેમણે નવેમ્બર 2024માં હૈદરાબાદ તરફથી મેઘાલય સામે 151 રન બનાવ્યા હતા.
ટી-20માં ટીમનો સ્કોર 300 પાર...
અભિષેકની આ ધુંઆધાર બેટિંગના દમ પર પંજાબની ટીમે 20 ઓવરમાં 5 વિકેટે 310 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો. ટી20 ક્રિકેટના ઇતિહાસમાં આ પાંચમો મોકો છે જ્યારે કોઈ ટીમે એક મેચમાં 300થી વધુ રન બનાવ્યા હોય. સૌથી મોટો સ્કોર (349/5) વડોદરાના નામે છે. અભિષેકનું આ શાનદાર પ્રદર્શન પંજાબ અને ભારતીય ક્રિકેટ માટે એક ઉજ્જવળ સંકેત છે.









