4 વર્ષ અગાઉ ટીમ ઈન્ડિયામાં જોડાયો પણ હજુ ડેબ્યૂની તક નથી મળી, સ્ટાર ખેલાડી 27 સદી ફટકારી ચૂક્યો છે
Abhimanyu Easwaran: ક્રિકેટર અભિમન્યુ ઈશ્વરન ભારતીય ટીમ માટે પોતાના ડેબ્યૂની હજુ પણ રાહ જોઈ રહ્યો છે. અભિમન્યુની 4 વર્ષથી ડેબ્યૂ માટે રાહ જોઈ રહ્યો છે. અભિમન્યુ 2021માં ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ થયો હતો અને ઈંગ્લેન્ડના પ્રવાસે ગયો હતો. પરંતુ ત્યારે રોહિત શર્મા અને કેએલ રાહુલે ઓપનિંગની જવાબદારી સંભાળી, જેના કારણે તેને તક નહોતી મળી.
હવે રોહિત શર્મા ટેસ્ટમાંથી સંન્યાસ લઈ ચૂક્યો છે અને ભારતીય ટીમ પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહી છે, છતાં અભિમન્યુ ઈશ્વરન હજુ પણ ઈંગ્લેન્ડ સામેની વર્તમાન ટેસ્ટ સીરિઝમાં બેન્ચ પર જ બેઠો છે. જમણા હાથનો બેટ્સમેન અભિમન્યુ બોર્ડર ગાવસ્કર ટ્રોફી (2024-25) માટે ભારતીય ટીમ સાથે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે પણ ગયો હતો, પરંતુ તે પાંચેય ટેસ્ટ મેચમાં પ્લેઇંગ-11નો હિસ્સો નહોતો બની શક્યો.
ચાર વર્ષમાં 16 નવા ખેલાડીઓએ ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું
આ ચાર વર્ષમાં 16 નવા ખેલાડીઓએ ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું, પરંતુ અભિમન્યુ ઇશ્વરનને હજુ ડેબ્યૂની તક નથી મળી. ઈંગ્લેન્ડ સામેની માન્ચેસ્ટર મેચમાં થોડા દિવસ પહેલા જ ટીમ સાથે જોડાયેલા ફાસ્ટ બોલર અંશુલ કંબોજ પણ ડેબ્યૂ કરવામાં સફળ રહ્યો હતો. અંશુલ ઉપરાંત શ્રેયસ અય્યર, કેએસ ભરત, સૂર્યકુમાર યાદવ, યશસ્વી જયસ્વાલ, ઈશાન કિશન, મુકેશ કુમાર, પ્રસિદ્ધ ક્રિષ્ના, રજત પાટીદાર, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ, આકાશ દીપ, દેવદત્ત પડિકક્લ, નીતીશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા અને સાઈ સુદર્શન પણ આ પીરિયડમાં પોતાનું ટેસ્ટ ડેબ્યૂ કરવામાં સફળ રહ્યા છે.
અભિમન્યુ ઈશ્વરનનો જન્મ દેહરાદૂનમાં થયો હતો
અભિમન્યુ ઈશ્વરનનો જન્મ 6 સપ્ટેમ્બર 1995ના રોજ ઉત્તરાખંડના દેહરાદૂનમાં થયો હતો. અભિમન્યુ ઘરેલુ ક્રિકેટમાં પોતાના રાજ્યના બદલે બંગાળ ટીમ માટે રમે છે. તેના પિતા આરપી ઈશ્વરને ઘણા વર્ષો પહેલા પુરકુલ ગામમાં અભિમન્યુ ક્રિકેટ એકેડેમીની સ્થાપના કરી હતી. અભિમન્યુએ આ એકેડેમીમાં ક્રિકેટની યુક્તિઓ શીખી હતી.
અભિમન્યુ ઈશ્વરનનું ફર્સ્ટ ક્લાસ કરિયર
અભિમન્યુ ઈશ્વરનનું ફર્સ્ટ ક્લાસ કરિયર ખૂબ જ શાનદાર રહ્યું છે. અભિમન્યુએ અત્યાર સુધીમાં 103 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે, જેમાં તેણે 48.70ની એવરેજથી 7841 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 27 સદી અને 31 અડધી સદી ફટકારી છે. આ ખેલાડીએ 89 લિસ્ટ-A મેચ રમી છે, જેમાં તેણે 47.03ની એવરેજથી 3857 રન બનાવ્યા છે. અભિમન્યુએ લિસ્ટ-A ક્રિકેટમાં 9 સદી અને 23 અડધી સદી ફટકારી છે. અભિમન્યુએ 34 T20 મેચ પણ રમી છે, જેમાં તેણે 37.53ની એવરેજથી 973 રન બનાવ્યા છે. T20 ક્રિકેટમાં અભિમન્યુએ એક સદી અને 5 અડધી સદી ફટકારી છે.
અભિમન્યુ ઈશ્વરને તાજેતરમાં જ ઈંગ્લેન્ડ લાયન્સ સામે બે ફર્સ્ટ ક્લાસ મેચમાં ઈન્ડિયા-A ટીમની કેપ્ટનશીપ કરી હતી. બંને ફર્સ્ટ ક્લાસ મેચમાં અભિમન્યુ અડધી સદી ફટકારવામાં સફળ રહ્યો હતો. તેમ છતાં અત્યાર સુધી ટેસ્ટ સીરિઝમાં તેની અવગણના કરવામાં આવી છે. ઘરેલુ ક્રિકેટના આંકડા અભિમન્યુની ક્ષમતા દર્શાવે છે. ઈંગ્લેન્ડ સામેની વર્તમાન ટેસ્ટ સીરિઝમાં ત્રીજા નંબરે અભિમન્યુ એક શ્રેષ્ઠ વિકલ્પ બની શક્યો હોત, પરંતુ કરુણ નાયર અને સુદર્શનને તેના કરતા પ્રાથમિકતા આપવામાં આવી છે. ટીમ મેનેજમેન્ટનું માનવું છે કે નેટ્સમાં ફાસ્ટ બોલરો સામે બેટ્સમેનોની કસોટી તેમના પ્રદર્શનના આધારે થાય છે. જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ જેવા બોલરોનો સામનો કરતી વખતે બેટ્સમેનોની ટેકનિકની કસોટી થાય છે. એવું લાગે છે કે અભિમન્યુ ઈશ્વરન ભારતીય ટીમ મેનેજમેન્ટને પ્રભાવિત ન કરી શક્યો.