IPL 2026 : વિરાટ કોહલીનો ખાસ મિત્ર RCBનો કોચ બનવા તૈયાર, કહ્યું મારું દિલ આ ટીમ માટે જ ધડકે છે
AB de Villiers: દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ દિગ્ગજ બેટર એ. બી. ડીવિલિયર્સે IPL 2026 પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)માં વાપસી કરવાનો સંકેત આપ્યો છે. તેણે ભવિષ્યમાં RCBના કોચ અથવા મેંટોર બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. નોંધનીય છે કે ડીવિલિયર્સે તેના કરિયરમાં સૌથી વધુ સમય RCBમાં વિતાવ્યો હતો. વિકેટકીપર બેટરે IPL કારકિર્દીની શરૂઆત 2008માં દિલ્હી ડેરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ) સાથે કરી હતી. ત્રણ સિઝન દિલ્હીની ટીમમાં રમી તે વર્ષ 2011માં RCBની ટીમમાં જોડાયો હતો.
આ પણ વાંચો : 7 છગ્ગા, 42 બોલમાં સેન્ચુરી... રિંકુ બાદ ભારતીય ટીમના વધુ એક બેટરની તોફાની બેટિંગ
ડીવિલિયર્સે શું કહ્યું?
વર્ષ 2021માં ક્રિકેટના બધા જ ફોર્મેટમાં નિવૃત્તિ લેનારા ડીવિલિયર્સે હવે કહ્યું છે કે લીગમાં પૂર્ણ રીતે સમય આપવો મુશ્કેલ છે, પણ RCB સાથે મારા સંબંધ ખૂબ સારા છે. જો RCBની ફ્રેન્ચાઇઝીને મારી જરૂર તો હું પણ તૈયાર છું. ડીવિલિયર્સે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે,' હું ભવિષ્યમાં જુદી ભૂમિકામાં IPL ફરીવાર જોડાઈ શકું છું, પણ વ્યાવસાયિક રીતે પૂર્ણ-સમય સામેલ થવું મુશ્કેલ છે. મારુ દિલ હંમેશા RCBની સાથે છે અને રહેશે. જો ફ્રેન્ચાઇઝી ઈચ્છે કે હું કોચ કે મેંટોર બની શકું છું તો હું જરૂર મારા સમય પ્રમાણે RCBની ટીમમાં વાપસી કરીશ'.
RCB માટે કેટલી મેચ રમી છે ?
નોંધનીય છે કે એ બી ડીવિલિયર્સે IPLમાં 157 મેચ રમી હતી, જેમાં 4522 રન બનાવ્યા હતા. તેની એવરેજ 41.10ની રહી હતી અને સ્ટ્રાઈક રેટ 158.33નો રહ્યો છે. તે દરમિયાન ડીવિલિયર્સે RCB માટે બે સેન્ચુરી અને 37 હાફ સેન્ચુરી ફટકારી હતી. એબી ડીવિલિયર્સના નામે આઇપીએલ ઇતિહાસમાં સૌથી મોટો પાર્ટનરશિપનો રેકોર્ડ નોંધાયો છે. તેણે 2016માં ગુજરાત લાયન્સ સામે વિરાટ કોહલી સાથે 229 રનની પાર્ટનરશિપ બનાવી હતી. તે સિઝનમાં ડીવિલિયર્સે 687 રન બનાવ્યા હતા.
IPLમાં ડીવિલિયર્સની કારકિર્દી
એબી ડીવિલિયર્સે તેની IPLની કારકિર્દીમાં કુલ 184 મેચ રમી, જેમાં 151.68ના સ્ટ્રાઇક રેટથી 5162 રન બનાવ્યા. જેમાં ત્રણ શતક અને 40 અर्धશતકનો સમાવેશ થાય છે. 2022માં એબીડીને ક્રિસ ગેલ સાથે RCB હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આ આવ્યો હતો.