Get The App

'પાકિસ્તાન સાથે રમવું એ દેશ સાથે ગદ્દારી', IND vs PAK મેચને લઈને ભડક્યાં કેજરીવાલ

Updated: Sep 14th, 2025

GS TEAM

Google News
Google News
'પાકિસ્તાન સાથે રમવું એ દેશ સાથે ગદ્દારી', IND vs PAK મેચને લઈને ભડક્યાં કેજરીવાલ 1 - image


India Pakistan Match: ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે 14 સપ્ટેમ્બર, રવિવારના રોજ રમાનારી એશિયા કપ મેચ મુદ્દે રાજકારણ ગરમાયું છે. દુબઈમાં રમાનારી આ મેચનો દેશમાં વિરોધ થઈ રહ્યો છે. જેમાં રાજકીય પક્ષોએ પણ ઝંપલાવ્યું છે. આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે પાકિસ્તાન સાથે મેચને  મંજૂરીને દેશ સાથે વિશ્વાસઘાત ગણાવ્યો છે.  આપના નેતા સંજય સિંહે ટ્વિટ કર્યું છે કે, લોહી અને રમત એક સાથે ચાલી શકે નહીં.

વિપક્ષના નેતાઓએ પાકિસ્તાન સાથે મેચ રમવા બદલ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. અરવિંદ કેજરીવાલે X પર AAP નેતા સૌરભ ભારદ્વાજની પોસ્ટને રિટ્વિટ કરતાં લખ્યું છે કે, પાકિસ્તાન સાથે મેચ રમવી દેશ સાથે વિશ્વાસઘાત સમાન છે. દરેક ભારતીય આ મેચથી નારાજ છે. ક્રિકેટ અને આતંકવાદ એક સાથે કેમ ચાલી રહ્યા છે, વડાપ્રધાન મોદીએ આનો જવાબ આપવો જોઈએ. 



લાઈવ પ્રસારણનો વિરોધ કરીશું

ભારત-પાકિસ્તાન મેચને લઈને દેશમાં મોટાપાયે વિરોધ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર પણ આ મેચને લઈને લોકોમાં ગુસ્સો છે. આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે, જે પણ રેસ્ટોરન્ટ, બાર કે જાહેર જગ્યાઓ પર આ મેચનું લાઇવ પ્રસારણ કરવામાં આવશે. અમે તેનો વિરોધ કરીશું. બીજી તરફ, આપની મહિલા વિંગે રાજધાનીમાં પાર્ટી હેડક્વાર્ટરની બહાર સાંકેતિક વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શન દરમિયાન આપ કાર્યકર્તાઓએ એક ટીવી સેટ તોડ્યો અને પ્રતિકાત્મક રીતે કહ્યું કે, તેઓ વડાપ્રધાન મોદીને સિંદૂર ચઢાવવા ઇચ્છે છે.



આ પણ વાંચોઃ 5 ભારતીય ખેલાડીઓ જે પાકિસ્તાન સામે પહેલીવાર T20I રમશે, એક નામ તો ચોંકાવનારું



ઓપરેશન ક્રિકેટ ચાલુ

AAPના સાંસદ સંજય સિંહે પણ આ ક્રિકેટ પર વાંધો ઉઠાવતાં મીડિયાને કહ્યું કે, મોદીજીએ કહ્યું હતું કે, ઓપરેશન સિંદૂર હજુ ખતમ થયુ નથી. તો ઓપરેશન ક્રિકેટ કેવી રીતે ચાલુ છે? વધુમાં દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ એક પોસ્ટમાં લખ્યું હતું કે, પહલગામ આતંકી હુમલા બાદ મોદીજીએ ગર્વપૂર્વક કહ્યું હતું કે, talk અને terror (વાત અને આતંક) એક સાથે ચાલી શકે નહીં. લાગે છે કે, દેશભક્તિ માત્ર તેમના ભાષણો સુધી જ સીમિત છે. હવે તો આખો દેશ પૂછી રહ્યો છે કે, શું ઓપરેશન સિંદૂરની ચિતા આટલી જલ્દી ઠંડી પડી ગઈ કે, આતંકવાદી દેશ સાથે ક્રિકેટ રમવા જઈ રહ્યા છીએ? વડાપ્રધાને તેનો જવાબ આપવો પડશે.



 ઉલ્લેખનીય છે, શનિવારે આ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતાઓએ દિલ્હીમાં પક્ષના મુખ્યાલય ખાતે પાકિસ્તાના ક્રિકેટર્સના પૂતળા બાળ્યા હતા.

'પાકિસ્તાન સાથે રમવું એ દેશ સાથે ગદ્દારી', IND vs PAK મેચને લઈને ભડક્યાં કેજરીવાલ 2 - image

Tags :