For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

41 વર્ષ પહેલાં ભારતમાં પ્રથમ વન-ડે ગુજરાતના આ શહેરમાં રમાઈ હતી

અમદાવાદમાં આવેલા સરદાર વલ્લભભાઇ પટેલ સ્ટેડિયમ સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય વન-ડે રમાઈ હતી

Updated: Nov 25th, 2022

Article Content Image

ભારતીય ધરતી ઉપર સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય વન-ડેની યજમાની કયા શહેર દ્વારા કરવામાં આવી? આવો સવાલ પૂછવામાં આવે તો દિમાગમાં મુંબઇ, કોલકાતા, દિલ્હી જેવા જ જવાબ આવે તે સ્વાભાવિક પણ છે. પરંતુ હકીકત એ છે કે આ ગૌરવ અમદાવાદમાં આવેલા સરદાર વલ્લભભાઇ પટેલ સ્ટેડિયમ (નવરંગપુરા સ્ટેડિયમ)ને ફાળે જાય છે. બરાબર 41 વર્ષ અગાઉ એટલે કે 25 નવેમ્બર 1981ના સરદાર વલ્લભભાઇ પટેલ સ્ટેડિયમ ખાતે ભારત-ઇંગ્લેન્ડની ટીમ વચ્ચે વન-ડે મુકાબલો ખેલાયો હતો, ભારતીય ધરતી ઉપરની આ સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય વન-ડે. 46 ઓવરની આ વન-ડેમાં ઇંગ્લેન્ડના સુકાની કિથ ફ્લેચરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય લીધો હતો. સુનીલ ગાવસ્કરની આગેવાની હેઠળની ભારતીય ટીમમાં ક્રિસ શ્રીકાંત, દિલીપ વેંગસરકર, ગુંડપ્પા વિશ્વનાથ, કિર્તી આઝાદ, મદનલાલ, સૈયદ કિરમાણી, રવિ શાસ્ત્રી, રોજર બિન્ની, દિલીપ દોશી, રણધીરસિંહનો સમાવેશ થતો હતો. રવિ શાસ્ત્રી, શ્રીકાંત અને રણધીરસિંહે આ મુકાબલા સાથે જ વન-ડે ડેબ્યુ કર્યું હતું. બીજી તરફ ઇંગ્લેન્ડની ટીમમાં ગ્રેહામ ગૂચ, જ્યોફ બોયકોટ, ડેવિડ ગોવર, માઇક ગેટિંગ, ઇયાન બોથમ, ડેકેર અંડરવૂડ જેવા સ્ટાર સામેલ હતા. મેદાનની ચારેય તરફ સ્ટેન્ડન હોય ત્યારે તો એવી કોઇએ કલ્પના પણ કરી નહોતી. પરંતુ યજમાન ગુજરાત ક્રિકેટ એસોસિયેશને તે વખતે શામિયાણા બાંધી દીધા હતા. આ દરેક શામિયાણા અલગ-અલગ સંસ્થાની માલિકીના હતા. આ કંપની-સંસ્થાઓએ પોતાની રીતે જ ટિકિટના દર કર્યા હતા.  જોકે, સ્ટેડિયમ ભરચક થઇ જવાનું નક્કી જ હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતનો પ્રારંભ નબળો રહ્યો હતો અને ગાવસ્કર-શ્રીકાંત એમ બંને ઓપનર્સ ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત ફર્યા હતા. દિલીપ વેંગસરકરના 85 બોલમાં 46 રનની સહાયથી ભારતે 7 વિકેટે 156 રન કર્યા હતા. ભારતીય ઇનિંગ્સ દરમિયાન માત્ર 11 બાઉન્ડ્રી-1 સિક્સર જોવા મળી હતી. માઇક ગેટિંગે 68 બોલમાં 47, ઇયાન બોથમે 13 બોલમાં 25 રન ફટકારતા ઇંગ્લેન્ડે 43.5 ઓવરમાં 5 વિકેટે આ લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. બાય ધ વે, નવરંગપુરા સ્ટેડિયમ ખાતે યોજાયેલી આ પ્રથમ અને અંતિમ આંતરરાષ્ટ્રીય વન-ડે. નવરંગપુરા સ્ટેડિયમ આ પછી કેટલીક રણજી ટ્રોફી અને 2007ના વર્ષમાં ઇન્ડિયન ક્રિકેટ લીગની મેચ યોજી ચૂક્યું છે. પરંતુ કેટલીક યાદો એવી હોય છે જેને સમય-સમયે મમળાવવાની અલાયદી જ મજા છે.

Gujarat