IPL 2025: 6 ટીમના કોચ વિદેશી જ્યારે 4 ટીમ ભારતીય કોચના માર્ગદર્શન હેઠળ રમશે
IPL 2025: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 18મી સિઝનનો 22મી માર્ચથી પ્રારંભ થઈ રહ્યો છે અને તમામ 10 ફ્રેન્ચાઈઝીની ટીમો વિશ્વની હાઈપ્રોફાઈલ T20 લીગ જીતવા માટે તૈયારીઓમાં વ્યસ્ત બની છે. આઇપીએલની ફ્રેન્ચાઈઝીમાં વિદેશી કોચીસની ભારે બોલબાલા જોવા મળી રહી છે. ટીમના હેડ કોચ અને સપોર્ટ સ્ટાફમાં ઘણાં વિદેશના દિગ્ગજ ક્રિકેટરોને જવાબદારી સોંપવામાં આવી છે. આઇપીએલની 18મી સિઝનમાં છ ફ્રેન્ચાઈઝીના હેડ કોચ તરીકે વિદેશના પૂર્વ દિગ્ગજ ખેલાડીઓ છે. જ્યારે ચાર ટીમના હેડ કોચ તરીકે ભારતના પૂર્વ ક્રિકેટરો કાર્યરત છે. આઇપીએલની છ ફ્રેન્ચાઈઝી ગત સિઝનના કોચની સાથે જ આ સિઝનમાં ઉતરવાની તૈયારી કરી રહી છે. જ્યારે ચાર ફ્રેન્ચાઈઝીએ સફળતાની આશા સાથે નવા કોચને ટીમના માર્ગદર્શનની જવાબદારી સોંપી દીધી છે.
આઇપીએલ 2025ની ફ્રેન્ચાઈઝીના હેડ કોચ અને સપોર્ટ સ્ટાફ
ચેન્નાઈ સુપર કિંગ્સ: ન્યુઝીલેન્ડ ટીમના પૂર્વ દિગ્ગજ બેટર અને પૂર્વ કેપ્ટન સ્ટીફન ફ્લેમિંગ ઘણાં વર્ષોથી ચેન્નાઈની ટીમના હેડ કોચ તરીકે કાર્યરત છે. આઇપીએલની સૌથી સફળ ફ્રેન્ચાઈઝીઓમાં સામેલ ચેન્નાઈ પાંચ વખત ટાઈટલ જીતી ચૂકી છે. ટીમના બેટિંગ કોચ તરીકે અગાઉની જેમ જ માઈકલ હસી છે. પરંતુ બોલિંગ કોચ તરીકે બ્રાવોનું સ્થાન સાઉથ આફ્રિકાના એરિક સિમોન્સે લીધું છે.
કોલકાતા નાઈટ રાઈડર્સ: પૂર્વ ભારતીય ક્રિકેટર અને ઘરઆંગણાના ક્રિકેટના ઘુરંધર કોચ ચંદ્રકાન્ત પંડિતના માર્ગદર્શનમાં ટાઇટલ જાળવવા ઉતરશે. કોલકાતાને આ વખતે મેન્ટર ગૌતમ ગંભીરની ખોટ પડશે, જેમણે ટીમ ઈન્ડિયાના હેડ કોચની જવાબદારી સંભાળ્યા બાદ મેન્ટરશીપ છોડી દીધી છે. ટીમના મેન્ટર તરીકે ડ્વેન બ્રાવોએ જવાબદારી સંભાળી છે. આસીસ્ટન્ટ કોચ તરીકે ઓટ્ટી ગીબ્સન જોડાયા છે. બોલિંગ કોચ ભારત અરૂણ છે. બેટિંગ કોચ અભિષેક નાયર અને ફિલ્ડિંગ કોચ રાયન ટેન ડોસ્ચેટની ગેરહાજરી તેમને પડશે કારણ તે બંને ભારતીય ટીમ સાથે જોડાયા છે.
ગુજરાત ટાઈટન્સ: ગુજરાત ટાઈટન્સની આ આઇપીએલમાં ચોથી સિઝન છે અને હેડ કોચ તરીકે આશિષ નેહરા યથાવત્ છે. જોકે બેટિંગ કોચ ગેરી કર્સ્ટનનું સ્થાન પાર્થિવ પટેલે લીધું છે. આશીષ કપૂર આ વખતે સ્પિન બોલિંગ કોચ છે, જ્યારે નદીમને ફાસ્ટ બોલિંગ કોચ બનાવાયા છે. મેથ્યૂ વેડ વિકેટકિપિંગ કોચ તરીકે ટીમની સાથે જોડાયા છે. ફિલ્ડિંગ કોચ તરીકે નરેન્દ્ર નેગી યથાવત્ છે.
દિલ્હી કેપિટલ્સ: પહેલીવાર આઇપીએલ જીતવા માટે પ્રયાસ કરી રહેલી દિલ્હી કેપિટલ્સની ટીમ આ વખતે નવા કોચના માર્ગદર્શનમાં ઉતરશે. દિલ્હીએ ભારતના પૂર્વ ખેલાડી હેમાંગ બદાણીને હેડ કોચ બનાવ્યો છે. અગાઉ ટીમના હેડ કોચ તરીકે પોન્ટીંગ જવાબદારી સંભાળતો હતો. ટીમે મેન્ટર તરીકે ઈંગ્લેન્ડના પૂર્વ બેટર કેવિન પીટરસનને પસંદ કર્યો છે. બેટિંગ કોચ પ્રવિણ આમ્રેના સ્થાને આસીસ્ટન્ટ કોચ મેથ્યુ મોટ્ટ આવ્યા છે. જ્યારે બોલિંગ કોચ જેમ્સ હોપનું સ્થાન આ વખતે મુનાફ પટેલે લીઘું છે.
આ પણ વાંચો: વસ્ત્રાલમાં આતંક મચાવનારા વધુ 3 અસામાજિક તત્ત્વો ઝડપાયા, ચારના મકાન પર બુલડોઝર ફરશે
લખનઉ સુપર જાયન્ટ્સ: ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનર જસ્ટીન લેંગરે લખનઉના હેડ કોચ તરીકે સ્થાન જાળવ્યું છે. ઝહીર ખાનને મેન્ટર તરીકે કોચિંગ સ્ટાફમાં સમાવાયો છે. બેટિંગ કોચ શ્રીધરન શ્રીરામ અને બોલિંગ કોચ મોર્ની મોર્કેલના સ્થાને ટીમે સાઉથ આફ્રિકાના ધુરંધર લાન્સ ક્લુઝનર અને ભારતના વિજય દહિયાને આસીસ્ટન્ટ કોચ બનાવ્યા છે. જોન્ટી રોડ્ઝ ફિલ્ડિંગ કોચ તરીકે યથાવત્ છે.
મુંબઈ ઈન્ડિયન્સ: મુંબઈએ સફળતાની તલાશમાં તેમના જૂના હેડ કોચ શ્રીલંકાના જયવર્દનેને ફરી પાછા બોલાવ્યા છે. તેમણે માર્ક બાઉચરનું સ્થાન લીધુ છે. બેટિંગ કોચ તરીકે પોલાર્ડ અને બોલિંગ કોચ તરીકે મલિંગા યથાવત્ છે. પારસ મહામ્બ્રે પણ બોલિંગ કોચ તરીકે ટીમની સાથે જોડાયા છે.
પંજાબ કિંગ્સ: પ્રિટી ઝિન્ટાની માલિકી હેઠળની પંજાબની ટીમે આ વખતે હેડ કોચ તરીકે રિકી પોન્ટિંગને જવાબદારી સોંપી છે. જેમણે દિલ્હી કેપિટલ્સમાંથી વિદાય લીધી હતી. પંજાબના હેડ કોચ ગત સિઝનમાં ટ્રેવર બાયલીસ હતા. ટીમના કોચિંગ સ્ટાફમાં બેટિંગ કોચ તરીકે બ્રાડ હેડ્ડિન યથાવત્ છે. જ્યારે સ્પિન કોચ તરીકે સુનિલ જોશી અને ફાસ્ટ બોલિંગ કોચ તરીકે જેમ્પ હોપ્સ નવા જોડાયા છે.
રાજસ્થાન રોયલ્સ: રાજસ્થાન રોયલ્સે ગત સિઝનના હેડ કોચ સંગાકારાને આ વખતે ડાયરેક્ટર ઓફ ક્રિકેટની જવાબદારી સોંપી છે અને ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ દ્રવિડને હેડ કોચ બનાવ્યા છે. બોલિંગ કોચ શેન બોન્ડને આસીસ્ટન્ટ કોચની જવાબદારી મળી છે. જ્યારે બેટિંગ કોચ તરીકે વિક્રમ રાઠૌર અને સ્પિન કોચ તરીકે સાઈરાજ બહુતુલે ટીમની સાથે જોડાયા છે. ટ્રેવર પેની બેટિંગ કોચમાંથી આસીસ્ટન્ટ કોચ બન્યા છે.
રોયલ ચેલેન્જર્સ બેંગાલુરુ: ઝિમ્બાબ્વેના પૂર્વ ખેલાડી એન્ડી ફ્લાવર બેંગાલુરુ ટીમના હેડ કોચ તરીકેનું સ્થાન યથાવત્ રાખ્યું છે. જ્યારે દિનેશ કાર્તિકને બેટિંગ કોચ અને મેન્ટર તરીકેની બેવડી ભૂમિકા અદા કરવાની રહેશે. બોલિંગ કોચ એડમ ગ્રીફિથના સ્થાને ફાસ્ટ બોલિંગ કોચ ઓમકાર સાળવી અને સ્પિન કોચ એમ.રંગારાજન જવાબદારી સંભાળી રહ્યા છે.
સનરાઈઝર્સ હૈદરાબાદ: ગત આઇપીએલમાં ધૂમ મચાવનારી સનરાઈઝર્સ હૈદરાબાદની ફ્રેન્ચાઈઝના હેડ કોચ તરીકે ન્યુઝીલેન્ડના પૂર્વ સ્પિનર વેટ્ટોરીએ સ્થાન જાળવી રાખ્યું છે. જ્યારે ટીમના બેટિંગ કોચ હેમાંગ બદાણીને દિલ્હીના હેડ કોચની જવાબદારી મળતાં તે સ્થાન ખાલી પડ્યું છે. હૈદરાબાદે સિમોન હેલ્મોટને આસીસ્ટન્ટ કોચ બનાવ્યા છે. સ્પિન કોચ તરીકે મુરલીધરનની સાથે ફાસ્ટ બોલિંગ કોચ તરીકે જેમ્સ ફ્રેન્કલીન ટીમની સાથે જોડાયા છે.