For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

નેશનલ ગેમ્સ સ્વિમિંગમાં માના પટેલને ત્રીજો ગોલ્ડ : યોગાસનમાં ગુજરાતનો વિજયી પ્રારંભ

- ગુજરાતની પૂજા પટેલે મહિલાઓની પરંપરાગત યોગાસન ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો

-જુડોમાં ગુજરાતના રોહિત મજગુલે બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો : ગુજરાતના ૧૦ ગોલ્ડ, ૭ સિલ્વર અને ૧૩ બ્રોન્ઝની સાથે કુલ ૩૦ મેડલ

Updated: Oct 7th, 2022

Article Content Imageઅમદાવાદ, તા.૭

ગુજરાતમાં ચાલી રહેલી નેશનલ ગેમ્સમાં ટોચની સ્વિમર માના પટેલે શાનદાર દેખાવ જારી રાખતા ત્રીજીવાર રેકોર્ડ તોડતા ત્રીજો ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. ગુજરાતને આ  સાથે એક જ દિવસમાં બે ગોલ્ડ મેડલ મળ્યા હતા. અગાઉ યોગસનમાં ગુજરાતને પૂજા પટેલે ગોલ્ડન શરૃઆત અપાવતા પરંપરાગત યોગાસનની મહિલાઓની ઈવેન્ટમાં સુવર્ણ ચંદ્રક હાંસલ કર્યો હતો. જ્યારે જુડોમાં રોહિત  મજગુલે ગુજરાતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો.

૩૬મી નેશનલ ગેમ્સમાં ઘરઆંગણે ગુજરાતના ખેેલાડીઓએ આ સાથેે કુલ મળીને ૧૦ ગોલ્ડ, ૭ સિલ્વર અને ૧૩ બ્રોન્ઝ એમ કુલ મળીને ૩૦ મેડલ જીતી લીધા હતા. ગુજરાત મેડલ ટેબલમાં ૧૩માં સ્થાને યથાવત્ રહ્યું હતુ.

માના પટેલનો વધુ એક રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ

 ગુજરાતની ઓલિમ્પિયન સ્વિમર માના પટેલે રાજકોટમાં ચાલી રહેલી ૩૬મી નેશનલ ગેમ્સની સ્વિમિંગની સ્પર્ધામાં ત્રીજો રેકોર્ડ સર્જાતા ત્રીજો ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. આ તેનો ૩૬મી ગેમ્સનો કુલ ચોથો મેડલ હતો. તે અગાઉ એક સિલ્વર પણ જીતી હતી. માનાએ મહિલાઓની ૫૦ મીટર બેકસ્ટ્રોક ઈવેન્ટમાં ૨૯.૭૭ સેકન્ડના સમય સાથે નવો રાષ્ટ્રીય રેકોર્ડ સર્જતાં ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. કર્ણાટકની રિધિમા કુમાર ૩૦.૧૩ સેકન્ડ સાથે બીજા અને બંગાળની સાગ્નીકા રોય ૩૧.૨૪ સેકન્ડ સાથે ત્રીજા સ્થાને રહી હતી. માનાએ અગાઉ ૨૦૦ મીટર બેકસ્ટ્રોક, અને ૧૦૦ મીટર બેકસ્ટ્રોકમાં રેકોર્ડ સર્જતાં ગોલ્ડ જીત્યા હતા. જ્યારે ૫૦ મીટર ફ્રિસ્ટાઈલમાં તેને સિલ્વર મેડલ મળ્યો હતો.

Article Content Imageયોગાસનમાં ગુજરાતની પૂજા પટેેલનો વિજયી દેખાવ

નેશનલ ગેમ્સમાં પહેલીવાર યોજાઈ રહેલી યોગાસનની સ્પર્ધામાં ગુજરાતને પૂજા પટેલે વિજયી શરૃઆત અપાવી હતી. અમદાવાદના ટ્રાન્સ સ્ટેડિયા ખાતે ચાલી રહેલી યોગાસનની સ્પર્ધામાં પૂજાએ પરંપરાગત યોગાસનની મહિલાઓની સ્પર્ધામાં ધનુરાસન કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. પૂજાએ ૬૨.૪૬ પોઈન્ટ્સ સાથે ટોચનું સ્થાન મેળવ્યું હતુ. જ્યારે મહારાષ્ટ્રની છાકુલી ૬૨.૩૪ પોઈન્ટ્સ સાથે બીજા તેમજ કર્ણાટકની નિર્મલા ૬૦.૬૮ પોઈન્ટ્સ સાથે ત્રીજા સ્થાને રહી હતી.

Article Content Imageજુડોમાં રોહિત મજગુલે ગુજરાત માટેે પ્રથમ મેડલ જીત્યો

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ચાલી રહેલી જુડોની રમતમાં રોહિત મજગુલે ગુજરાત માટે પ્રથમ મેડલ તરીકે બ્રોન્ઝ જીતી લીધો હતો. તલાલા તાલુકામાં વસતા સીદી પરિવારના પુત્ર રોહિત મજગુલે ૬૬ કિગ્રાની ઈવેન્ટમાં આ સિદ્ધિ મેળવી હતી. તેણે ક્વાર્ટર ફાઈનલમાં મેડલના દાવેદાર મનાતા હરિયાણાના વિપિન કુમારને ૧-૦થી હરાવ્યો હતો. જોકે સેમિ ફાઇનલમાં તેનો સર્વિસીસના રોમાન સિંઘ સામે પરાજય થયો હતો અને તેનેે બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.

Article Content Imageફૂટબોલમાં ગુજરાતની મેન્સ ટીમનો વિજય સાથેે અંત

અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા ખાતે ચાલી રહેલી નેશનલ ગેમ્સ ફૂટબોલની મેન્સ ઈવેન્ટમાં ગુજરાતે તેની આખરી લીગ મેચમાં પંજાબ સામે ૩-૨થી રોમાંચક વિજય મેળવ્યો હતો. ગુજરાતે મેચમાં બે વાર સરસાઈ મેળવી હતી અને બેવાર પંજાબ બરોબરી પ્રાપ્ત કરી હતી. આખરે ૮૬મી મિનિટે મુસાએ ફટકારેલો ગોલ ગુજરાત માટે વિજયી સાબિત થયો હતો. અગાઉ ગુજરાતના કેપ્ટન મોઈનુદ્દિને બે ગોલ ફટકાર્યા હતા. ગુજરાત કર્ણાટક અને પશ્ચિમ બંગાળ સામે હાર્યું હોવાથી સેમિ ફાઈનલમાં પ્રવેશી શક્યું નહતુ. મહિલા ફૂટબોલમાં ગુજરાતે મહારાષ્ટ્રને ૧-૦થી હરાવ્યું હતુ. જોકે આસામ-ઓડિશા સામે હારને કારણે તેઓ આગળ વધી શક્યા નહતા. 

Gujarat