ગૌતમ ગંભીરના લાડકવાયા ખેલાડીએ શ્રીલંકા સામે ફટકારી સેન્ચુરી! ભારતીય ટીમમાં નંબર 3 માટે દાવો મજબૂત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sai Sudharsan Scored Hundred: ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે જે બેટર પર સૌથી વધુ ભરોસો મૂક્યો હતો, તે ખેલાડી અત્યારે મેદાન પર રન મશીન બની ગયો છે. આ એ જ સ્ટાર ખેલાડી છે જેણે તાજેતરમાં પૂરી થયેલી IPL 2026માં 722 રન ફટકારીને સનસનાટી મચાવી દીધી હતી. આ શાનદાર ફોર્મના કારણે જ તેને અફઘાનિસ્તાન સામેની મેચ માટે પસંદ કરવામાં આવ્યો હતો અને હવે તેણે શ્રીલંકા A સામે શાનદાર સદી ફટકારીને ફરી એકવાર હેડલાઇન્સ બટોરી છે.
શ્રીલંકાના પ્રવાસે ગયેલી ઇન્ડિયા-A ટીમ ગાલે સ્ટેડિયમમાં પ્રથમ અનઓફિશિયલ ટેસ્ટ મેચ રમી રહી છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ તરફથી સ્ટાર ઓપનર સાઈ સુદર્શને અદ્ભુત પ્રદર્શન કર્યું છે. ઓપનિંગમાં આવેલા સુદર્શને માત્ર 130 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી, જેમાં તેણે 14 શાનદાર ચોગ્ગા લગાવ્યા હતા. આ સેન્ચુરીના જોરે સુદર્શને ભારતની મુખ્ય ટેસ્ટ ટીમમાં નંબર 3ના સ્લોટ માટે પોતાનો દાવો વધુ મજબૂત કરી દીધો છે.
કસોટીની ઘડી આવી, ત્યારે સાઈએ રાખ્યું ગંભીરનું માન
અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચ પહેલાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય ટીમ મેનેજમેન્ટ અને ચીફ કોચ ગૌતમ ગંભીરે સ્પષ્ટ સંકેત આપ્યા હતા કે ટેસ્ટ ટીમમાં નંબર 3ની રેસમાં સાઈ સુદર્શન હાલમાં દેવદત્ત પડિક્કલ કરતાં આગળ છે. ગંભીરે જણાવ્યું હતું કે, "કોઈપણ ખેલાડીનું સાચું મૂલ્યાંકન ત્યારે જ થઈ શકે જ્યારે તેને સતત લાંબી તકો આપવામાં આવે, અને સાઈને અત્યાર સુધી તેવો લાંબો રન મળ્યો નથી."
મેદાન પર જ્યારે સાચી પરીક્ષાનો સમય આવ્યો, ત્યારે સાઈ સુદર્શને ગંભીરના આ ભરોસાનું માન રાખ્યું. આ પ્રવાસના બરાબર પહેલાં તેણે અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટમાં 81 રનની શાનદાર ઇનિંગ રમીને પોતાની લય બતાવી હતી. હવે, શ્રીલંકા Aના બોલરોની ધજ્જિયા ઉડાવતા પ્રથમ અનઓફિશિયલ ટેસ્ટમાં સદી ફટકારીને તેણે સાબિત કરી દીધું છે કે તે લાંબી રેસનો ઘોડો છે.
IPL 2026માં પણ મચાવી ચૂક્યો છે ધમાલ
સાઈ સુદર્શન માટે વર્ષ 2026 કોઈ સપના સમાન પસાર થઈ રહ્યું છે. આ અનઓફિશિયલ ટેસ્ટ પહેલાં જ રમાયેલી IPL 2026માં તેણે ગુજરાત ટાઇટન્સ માટે રમતા રનનો પહાડ ખડકી દીધો હતો. સુદર્શને આ સિઝનની 17 મેચોમાં વિસ્ફોટક બેટિંગ કરીને 722 રન કૂટ્યા હતા. તે IPL 2026માં સૌથી વધુ રન બનાવનારા બેટર્સની યાદીમાં ત્રીજા સ્થાને રહ્યો હતો. પોતાની આ જ વ્હાઇટ-બોલ ફોર્મને તેણે હવે રેડ-બોલ ક્રિકેટમાં પણ સફળતાપૂર્વક કન્વર્ટ કરી લીધી છે.
પ્રથમ દિવસના મેચનો ચિતાર
શ્રીલંકા A સામે ભારતીય ટીમ તરફથી સાઈ સુદર્શન સાથે આયુષ પાંડે ઓપનિંગ કરવા આવ્યો હતો, જેણે 64 બોલમાં 25 રન બનાવ્યા હતા. ત્યારબાદ નંબર 3 પર ઉતરેલો દેવદત્ત પડિક્કલ માત્ર 12 રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો. ઋતુરાજ ગાયકવાડે 53 બોલમાં 22 રનનું યોગદાન આપ્યું હતું. હાલમાં સાઈનો સાથ આપવા માટે કેપ્ટન ધ્રુવ જુરેલ ક્રીઝ પર આવ્યો છે. બીજું સેશન રમાઈ રહ્યું છે ત્યારે ભારતીય ટીમે 3 વિકેટ ગુમાવીને 188 રન બનાવી લીધા છે. ક્રીઝ પર સાઈ સુદર્શન 116 રને અને જુરેલ 5 રને અણનમ છે.
બંને ટીમોની પ્લેઇંગ-XI
- ઇન્ડિયા-A: સાઈ સુદર્શન, આયુષ પાંડે, દેવદત્ત પડિક્કલ, ઋતુરાજ ગાયકવાડ, ધ્રુવ જુરેલ (કેપ્ટન/વિકેટકીપર), શેખ રશીદ, હર્ષ દુબે, સારાંશ જૈન, અંશુલ કંબોજ, યશ ઠાકુર, આકિબ નબી ડાર.
- શ્રીલંકા-A: પવનથા વીરાસિંઘે, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), નુવાનિદુ ફર્નાન્ડો, આસેન બંડારા, સહાન અરાચિગે (કેપ્ટન), રવિન્દુ ફર્નાન્ડો, અંજલિ બંડારા, કવિન્દુ પાથિરત્ને, દુલાજ સમુદિતા, ચમકા ગુણસેકરા, દિલુમ સુદીરા.









