Get The App

વાહ! કૈલાસ! તેં તો તારી ગેરહાજરીમાં લક્ષ્મીરૂપે તારી હયાતીનો પુરાવો આપ્યો છે...!!

Updated: Aug 10th, 2022

GS TEAM


Google News
Google News
વાહ! કૈલાસ! તેં તો તારી ગેરહાજરીમાં લક્ષ્મીરૂપે તારી હયાતીનો પુરાવો આપ્યો છે...!! 1 - image

- રણને તરસ ગુલાબની : પરાજિત પટેલ

- શું થાય? એ તો મારો બાળપણનો ભેરૂડો છે મેં તો માત્ર એક નાનકડી ફરજ જ બજાવી છે!!

'અલ્યા ગલબા, આ ઢોલ-વાજિંત્ર કોને ત્યાં વાગે છે ? જોતો ખરો...'

'એમાં જોવાનું શું ?'

'કેમ, અલ્યા ?'

'મને ખબર્ય છે... વાજાં તો વાગે છે દોલતકાકાને ત્યાં ઢોલીડો જબરો ચગ્યો છે. દાંડી પર દાંડી પછાડયે જાય છે...' ગલબાએ કહ્યું.

'કોઈ પ્રસંગ છે ?'

'હોવ્વે - દોલતકાકાના સોહમનાં લગન છે... વાજિંત્રો વાગે છે, ઢોલ ધ્રબૂકે છે... ને કંકુનાં છાંટણાં છંટાય છે...'

આટલું સાંભળતાં તો પર્વતસિંહ પથારીમાંથી બેઠા થઈ ગયા ! ખાટલો છોડયો. ને લાંબા લાંબા ડગ ભરતા ઘરમાં ગયા. બંડી પહેરી, પગમાં નવાં નક્કોર ચંપલ પહેર્યાં. આંખો પર ચશ્માં લગાવ્યાં ને દોલતભાઈના ઘર ભણી ચાલવા લાગ્યા ! ગલબાને પૂછવાનું મન થઈ ગયું. કારણ કે પરવતબાપા અને દોલતકાકાને સગાભાઈ કરતાં ય અદકેરો સંબંધ પણ ચૂપ રહ્યો !

પર્વતસિંહ તો ચાલ્યા ભાઈથી અદકેરા ભાઈબંધના ઘેર.

દોલતકાકા બારણા વચ્ચે જ ઊભા હતા. વિચારો કરતા હતાઃ દીકરાના, પત્નીના, લગ્નના... ત્યાં જ એમની નજર દૂર સુધી લંબાઈ... ને એમના મોંઢામાંથી નીકળી ગયું, 'મારો ભેરૂડો આવી રહ્યો છે ને કાંઈ ! વાહ, વાહ, પરવતસિંહ આવે એ તો ગમે !'

હા, એમના વિચારોનું ક્યારનું ય બાષ્પીભવન થઈ ગયું હતું. લગ્ન તો લીધાં હતાં પણ એક ચિંતા સતાવતી હતીઃ 'લગ્નના ખર્ચો તો ઝાઝો થાય ! ખૂટશે તો... ?? ક્યાંથી લાવવા પૈસા ? ધરમચંદ શેઠ આપે છે, પણ એમનું વ્યાજ તો છાતીનાં પાટિયાં તોડી નાખે એવું હોય !'

ના લેવાય એમના પૈસા.

મારે વ્યાજમાં નથી ડૂબવું.

જે થાય તે જોયું જશે.

ઉપરવાળો માથે બેઠો છે ને ! ઝખ મારે છે દુનિયા ! કરકસર કરવી પડશે એ જ ને ?

કરીશું.

ઓછા વાપરીશું.

દોલતકાકાએ દૂરથી જ મધમીઠો આવકારો દીધોઃ 'એ આવો, આવો, મારા વહાલા ભેરૂડા ! સમાચાર આપવા હમણાં જ માણસને મોકલ્યો છે. સારું થયું, ખૂબ સારું થયું, મારા આંગણે લગ્નનાં વાજાં વાગતાં હોય ને મારો ભેરૂડો જ ન હોય, એ તો કેમ બને ?... અલ્યા સાંભળો છો કોઈ ? ઝટ ચાપાણી લાવજો મારો ભેરૂડો આવ્યો છે. ચામાં ખાંડ ઓછી નાખજો, પાછા !'

પર્વતસિંહ આવ્યાં. બેય દોસ્તો ભેટયા. પ્રેમથી બાથ ભરીને ભેટયા- 'બેસો, પર્વતસિંહ !'

ને માનભેર પર્વતસિંહને ખુરશી પર બેસાડયા.

ચા આવી, ચાપાણી થઈ ગયા. ચાપાણીમાંથી પરવારી પર્વતસિંહ બોલ્યાઃ 'મારી ય ઉંમર થઈ. ઉંમર ઉંમરનું કામ કરે જ. હવે ગયેલી જુવાની ઓછી જ પાછી આવવાની હતી ? હવે શારીરિક ઉધામા મારાથી નહિ થાય !'

દોલતકાકા બોલ્યા ઃ 'અહીં આવી ને તમારે તો ખુરશી જ શોભાવવાની. પ્રસંગે આવીને ઊભા રહેજો. ને પ્રસંગની શોભા વધારજો. બાકી બધાં જ કામ સોંપી દીધાં છે. કશી ફિકર ચિંતા ન કરશો. ફિકરની ફાકી કરીને તો બેઠો છું હું !'

પર્વતસિંહ ધીમેથી બોલ્યાઃ 'મારા ભેરૂડા... નજીક આવ. મારે તને એક વાત કરવી છે !'

'શી ?'

'નજીક તો આવ !'

'આ આવ્યો... કહો, હવે ?'

'તારી ઘરવાળી કૈલાસની વાત છે. એને તો મોક્ષના મારગડે ચાલી નીકળ્યાને આજે પાંચ પાંચ વરસનાં વહાણાં વાઈ ગયાં ! તારા દીકરાનું નામ સોહમ્ એણે જ પાડયું હતું ને ?'

'હા, પર્વતસિંહ... એણે જ નામ પાડેલું !'

'વાત સાચી. પણ હવે મૂળ મુદ્દાની વાત કરું.'

'કરો.'

પર્વતસિંહ સહેજ અટકીને બોલ્યાઃ 'જો ભાઈ, કૈલાસે બધી બચત ભેગી કરીને મને રૂપિયા પચાસ હજાર આપેલા... મે એક કંપનીમાં રોકાણ કરેલું... તે પૈસા તને આપવા હું આવ્યો છું...' આટલું બોલીને પર્વતસિંહે બંડીના ગજવામાંથી એક લાખ રૂપિયા કાઢીને દોલતકાકાના હાથમાં મૂક્યા.

રૂપિયા !

એક લાખ પુરા !

રૂપિયા જોઈને દોલતકાકાની આંખો ભીંજાઈ ગઈ. રડમસ સ્વરે એ બોલ્યાઃ ''કૈલાસ, ઓ કૈલાસ ! તેં તો તારી ગેરહાજરીમાં ય લક્ષ્મીરૂપે આવીને તારી હયાતીનો પુરાવો આપ્યો છે...'' આગળ ન બોલી શક્યા. દોલતકાકા... એમના ગળે ડૂમો બાઝી ગયો હતો !

આશ્વાસન આપતાં પર્વતસિંહે કહ્યું, 'ચાલ, ભેરૂ, હવે છાનો રહી જા. ઘરમાં રૂડો અવસર છે, ને આમ આંસુંડાં પડાય ?' હરખથી ઉજવ આ અણમોલ ઉત્સવને ! ને જો, બીજી વાત -

'શી ?'

'જો તારે બીજા પૈસાની જરૂર પડે તો તારો આ ભેરૂડો પર્વતસિંહ પહાડ જેવો તારી પડખે ઉભો છે... માગવામાં સંકોચ ન રાખતો !' આટલું કહીને પર્વતસિંહ ઉભા થયા... ને દોલતકાકાને ખભે હાથ મૂકી ઘેર જવા નીકળ્યા.

ને દોલતકાકા ?

ભીંજાયેલી આંખોવાળા દોલતકાકા ?

એ તો આંખોમાંથી અશ્રુજળ રેલાવતા, 'આભાર... મારા ભેરૂડા... આભાર.' એવા શબ્દોચ્ચાર સાથે પોતાના મિત્ર પર્વતસિંહને ઘરભણી જતો જોઈ રહ્યા... ઢોલ ધ્રબૂકતા હતાં... શરણાઈના મધમીઠા સૂર રેલાઈ રહ્યા હતા ! વાજિંત્રા મોટા મોટા અવાજે વાગતાં હતાં ! અવસર તો આનંદનો હતો.

પણ દોલકાકા રડતા હતા. રૂદન અટકતું નહોતું. બોર બોર જેવડાં અશ્રુ રેલાતાં હતાં. ને ત્યારે ઘરભણી જઈ રહેલા પર્વતસિંહ જ સંધુ જાણતા હતા. જાતને એ કહેતા હતાઃ ''શું થાય ? મારો બાળપણનો ભેરૂડો છે... મેં તો મિત્ર તરીકે મારી નાનકડી ફરજ જ બજાવી છે !!'' (કથા બીજઃ ડી.કે. 'દેવદીપ' - પ્રેમાંશ, કઠલાલ)

Tags :