- મીડ વીક - હસમુખ ગજજર
- કોઇ પણ ટેકનોલોજીના સારા-ખરાબ એમ બંને પાસા હોય છે. વિવેક અને સમજણથી ઉપયોગ ના થાય ત્યારે જ નિયમોની જરુર પડે છે. સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ એન્ઝાઇટી, ડિપ્રેશન અને ઓછા સેલ્ફ એસ્ટિમની સમસ્યા ઉભી કરે છે
લો કલથી ગ્લોબલ સુધી ઓનલાઇનની બોલબાલા વચ્ચે ઓસ્ટ્રેલિયાએ ૧૬ વર્ષથી ઓછી વયનાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા પર પ્રતિબંધ મુકીને ચર્ચા જગાવી છે. ઓસ્ટ્રેલિયાના બ્યુરો ઓફ સ્ટેટેટિકસ અનુસાર ૧૬ વર્ષથી ઓછી ઉંમરના ૫૦ લાખથી વધુ બાળકો છે. જેમાં ૧૦ થી ૧૫ વર્ષના ૧૦ લાખ બાળકોનો સમાવેશ થાય છે. ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુ ટયૂબ, સ્નેપચેટ, થ્રેડ્સ, એકસ રેડિટ અને ટ્વિચ અને કિક જેવા મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવવામાં આવી રહયા છે. એકાઉન્ટ બંધ થાય ત્યારે બાળકોના મોબાઇલ સ્ક્રીન પર એક મેસેજ દેખાય છે કે આપની ઉંમર ૧૬ વર્ષ કરતા ઓછી હોવાની આશંકા છે. સોશિયલ મીડિયા કંપનીઓએ જુના એકાઉન્ટની પણ તપાસ શરુ કરી દીધી છે. સોશિયલ મીડિયા કંપનીઓ એકાઉન્ટ બનાવતી વખતે નોંધવામાં આવેલી ઉંમર પ્રોફાઇલ ફોટો જોઇને ચહેરાની ઉંમરનું અનુમાન, બાળકો કયુ કન્ટેન્ટ વધારે જૂએ છે, સ્કૂલના સમયે ઓનલાઇન પ્રવૃતિ સ્વભાવિક રીતે ઓછી હોય છે આ બધુ ધ્યાને લેવાઇ રહયું છે. એક સમયે યુઝર્સની ગતિવિધિનો ઉપયોગ સોશિયલ મીડિયા કંપનીઓ માત્ર વિજ્ઞાાપન દેખાડવા કરતી હવે અમૂક સંકેતોના આધારે યુઝર્સ ૧૬ કરતા ઓછી વયના નથીને એ જોવા માટે કરશે. યુઝર્સના મિત્રો, બર્થ ડે પોસ્ટ અને ફોટા-વીડિયોના આધારે પણ ઉંમરનું અનુમાન લગાવશે. સરકારે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે યુઝર્સની પ્રાઇવર્સી જાળવવા પાસપોર્ટ કે સરકારી આઇડી માંગી શકાશે નહી. સોશિયલ મીડિયા કંપનીઓ ઉંમરની તપાસ માટે થર્ડ પાર્ટી એજન્સીની પણ મદદ લઇ રહી છે. સૌથી મોટી જોગવાઇ એ છે કે પ્રતિબંધના ભંગ માટે બાળકો કે વાલીઓ નહી પરંતુ સોશિયલ મીડિયા કંપનીઓ પર કાર્યવાહી થશે. આ નિયમ હેઠળ સોશિયલ મીડિયા કંપની પર ૪૯.૫ મિલિયન ઓસ્ટ્રેલિયાઇ ડોલર સુધીના દંડની જોગવાઇ છે.
ઓસ્ટ્રેલિયાની સરકારનું માનવું છે કે પ્રતિબંધનો ઉદ્દેશ બાળકોને નુકસાનકારક કન્ટેટ, ઓનલાઇન ફ્રોડ, સાઇબર બુલિંગ અને લત લગાડનારા અલ્ગોરિધમથી બચાવવાનો છે. સોશિયલ મીડિયાના અલ્ગોરિધમમાં બાળકો મોડી રાત સુધી સ્ક્રીન પર રહેતા હોવાથી માનસિક સ્વાસ્થ્ય પર અસર થતી હતી. બાળકો ઓનલાઇન બુલિંગનો ભોગ બને તેના કરતા તો ફોનથી દૂર રહીને સ્પોર્ટસ રમે, વાંચે કે મિત્રોને રુબરુ મળે તો તેની સમાજ પર સારી અસર પડશે. ઓસ્ટ્રેલિયામાં નવેમ્બર ૨૦૨૪માં ફેડરલ પાર્લોમેન્ટમાં પસાર થયેલા કાનુન હેઠળ કેટલાક સોશિયલ મીડિયા પર ૧૬ વર્ષથી ઓછી વયના બાળકો એકાઉન્ટ બનાવતા રોકવા માટે ઉચિત પગલા ભરવાની વાત હતી. આથી બાળકોને વિવિધ સોશિયલ પ્લેટફોર્મથી અળગા રાખવાનો નિર્ણય અચાનક કે રાતો રાત લેવાયો નથી. અગાઉથી પુરતી જાણ કરીને સમજી વિચારીને પગલા લેવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયાઇ માતા-પિતા લાંબા સમય સુધી આની ફરિયાદ કરતા કે બાળકો અભ્યાસથી દૂર થઇ રહયા છે. વર્ષ ૨૦૨૫ની શરુઆતમાં સરકાર દ્વારા એક સ્ટડી કરાવાયો જેમાં જણાયું હતું કે ૧૦ થી ૧૫ વર્ષના ૯૬ ટકા બાળકો સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરતા હતા. ૧૦ માંથી ૭ બાળકો અત્યંત વાંધાજનક કન્ટેટ જોતા હતા. જેમાં મહિલાઓ માટે નફરત, હિંસક દ્વષ્યો અને આત્મહત્યાની પ્રેરણા આપે તેવા કન્ટેન્ટના પણ સંપર્કમાં આવ્યા હતા.
આજકાલ દુનિયાભરના બાળકો સોશિયલ મીડિયા ફિડ, અલ્ગોરિધમ અને લાઇક -કમેન્ટના દબાણમાં જીવી રહયા છે. મોબાઇલ અને ઇન્ટરનેટની દુનિયામાં બાળકોના અકાળે પ્રવેશથી દુનિયાના અનેક દેશો પરેશાન છે. ઇન્ટરનેટ એક એજયુકેશનલ ટૂલ્સ બની શકે છે જે બાળકોના લર્નિગ અને ગ્રોથમાં મદદ કરે છે તેની સાથે અપાર જોખમો પણ જોડાયેલા છે. બાળકોના સર્વાગિણ વિકાસમાં ઓનલાઇન દુનિયા મદદ કરવાના સ્થાને અવરોધરુપ બનવા લાગી હોવાનું અનુભવાય છે. પરિવારમાં ઘડીક સાથે બેસતા સંતાનો મોબાઇલ એલર્ટ આવે કે તરત જ વાત કરવાનું બંધ કરીને મેસેજ જોવામાં લાગી જાય છે.કોઇ સરસ વાત નિકળી હોય તેની રિધમ તૂટી જતી હોવાનું ઘણા અનુભવે છે. એકાંદ જરુરી મેસેજ જોયા પછી મોબાઇલને તરત જ મુકી દેવો કાઠુકામ બની ગયું છે. જાત જાતની રીલ અને અંતહિન પોસ્ટમાં ખોવાઇ જાય છે.ઓનલાઇન ગેમમાં તો પોતે કઇ જગ્યાએ બેઠા છે એ જ ભૂલી જાય છે. માત્ર શરીરથી હાજર જયારે મન તો ઇન્ટરનેટની દુનિયામાં કયાંય પહોંચી ગયું હોય છે. દિવસ-રાતના મળીને ૨૪ કલાકના સમયનો એક ભાગ સ્માર્ટફોન પાછળ ખર્ચાય છે. આવી પરિસ્થિતિમાં બાળકોના શિક્ષણ અને સિલેબસ પર વિપરિત અસર થવી સ્વભાવિક છે. ૨ થી ૩ વર્ષની ઉંમરે બાળકો સ્માર્ટફોન અને ટેબલેટના સંપર્કમાં આવે છે. જયારે તેઓ ટીનએજ અવસ્થાએ પહોંચે ત્યારે તો સોશિયલ મીડિયા, ગેમિંગ અને બ્રાઉઝીંગમાં ગળાડૂબ થઇ જાય છે. જો બાળક વહેલી સવારે સાત વાગે સ્કૂલે જવાનું હોયતો તે વહેલું સૂઇ જાય એ જરુરી છે તેના સ્થાને બાળકોની ઉંઘની પેટર્ન બદલાઇ ગઇ છે. પથારીમાં મોબાઇલથી રમીને મોડે સુધી જાગે એટલે સવારે સ્કૂલ માટે પરાણે ઉઠાવવા પડે એવી અનેક વાલીઓ ફરિયાદ કરવા લાગ્યા છે.આજે બાળપણ એક ખૂણામાં વાદળી-સફેદ લાઇટની વચ્ચે આંખો અને મન સેટ કરીને બેસેલું રહે છે. સ્માર્ટફોન અને ઇન્ટરનેટની દુનિયાએ ઘણા કામ સરળ કર્યા છે પરંતુ બહુવિધ અતિ ઉપયોગ ના ગેરફાયદા પણ જણાઇ રહયા છે.
ટેકનોલોજી અનેક એજયુકેશનલ અને એન્ટરટેનમેન્ટના ફાયદા ગણાવી શકે છે પરંતુ તેના પડકારોને નજર અંદાજ કરી શકાય તેવા નથી. સ્માર્ટફોન પરના દરેક ફોન જાણે કે અરજન્ટ બની ગયા છે, દરેક મેસેજ જાણે કે મહત્વના બની ગયા છે. બાજુમાં બેઠા છે એ ભલે રાહ જુએ પરંતુ દૂરથી મોકલેલા મેસેજનો તરત જ ઉત્તર વાળવાની તાલાવેલી વધારે રહે છે. જો માતા પિતા કે પરિવારના સભ્યો જ મોબાઇલમાં ખોવાયેલા હોયતો પછી બાળકોને આ બાબતે વઢવાની નૈતિક હિંમત ગુમાવી ચુકયા હોય છે. પરિવારના લોકો જયાં સુધી મોબાઇલ શિસ્ત નહી જાળવે ત્યાં સુધી સંતાનોને વઢવાનું પરીણામ મળવું અઘરું છે. કોઇ પણ ટેકનોલોજીના સારા અને ખરાબ એમ બે પાસા હોય છે. વિવેક અને સમજણથી ઉપયોગ ના થાય ત્યારે નિયમોની જરુર પડે છે.
માણસે મોબાઇલ બનાવ્યો છે મોબાઇલે માણસને બનાવ્યો નથી. અનેક સંશોધનોમાં સાબીત થયું છે કે સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ એન્ઝાઇટી, ડિપ્રેશન અને ઓછા સેલ્ફ એસ્ટિમની સમસ્યા ઉભી કરે છે. ડિજિટલ દબાણ બાળકોના મેન્ટલ હેલ્થ માટે જરાંય સારુ નથી. અમેરિકન એકેડેમી ઓફ પીડિયાટ્રિકસનું માનવું છે કે ૨ થી ૫ વર્ષના બાળકો માટે દરરોજ એક કલાકથી વધારે સ્ક્રીન ટાઇમ પર ના રહે તેવી લિમિટ નકકી કરવી જરુરી છે. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્વુમન સર્વિસેસનું એક રિસર્ચ જણાવે છે કે જે બાળકો અને ટીનેજર્સ દિવસમાં ૩ કલાક કરતા વધારે સમય સોશિયલ મીડિયામાં વિતાવે છે તેમનામાં ડિપ્રેશન અને એન્જાઇટીનો ખતરો વધારે રહે છે. ૧૩ થી ૧૭ વર્ષના ૪૬ ટકા ટીનએજર્સનું માનવું હતું કે સોશિયલ મીડિયા પર તેમને સારું મહેસુસ થતું નથી. વિશ્વ આરોગ્ય સંસ્થાના ૪૪ દેશોના ૧૧ થી ૧૫ વર્ષના ૨.૮૦ લાખ બાળકોને આવરીને થયેલા સપ્ટેમ્બર ૨૦૨૪ના સોશિયલ મીડિયા પરના એક સર્વમાં પણ જણાયું હતું કે બાળકોમાં કોન્ફિડન્સ ઓછો થયો છે અને ભૂખ ઓછી લાગે છે. સોશિયલ મીડિયામાં એવા સાયબર ડાકુઓ સક્રિય થયા છે જે નાની ઉંમરના બાળકોને ટાર્ગેટ કરતા રહે છે. પીડિયાટ્રિકસ ઓપન સાયન્સમાં એક સ્ટડી પ્રકાશિત થયો હતો જેમાં જણાવાયું હતું કે સોશિયલ મીડિયાના કારણે બાળકો પોતાના કામ પર ફોકસ કરી શકતા નથી.બાળકોમાં એકાગ્રતાની ખામી જોવા મળે છે.
ઓસ્ટ્રેલિયાએ ઓનલાઇન સેફટી એમેંડમેંટને સૌથી મોટા સામાજિક અને સામાજિક પરિવર્તન સાથે સરખાવ્યું છે. ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પરના પ્રતિબંધમાંથી કેટલાક પ્લેટફોર્મ બચી પણ ગયા છે તેના પર વિના રોકટોક એકાઉન્ટ ચાલુ રાખી શકે છે. એવી કેટલીક લીંક અને સિસ્ટમ જે વિદેશમાંથી ઓપરેટ થતી હોય છે તે બાળકો ડાઉનલોડ કરી શકે છે. આ એવી સિસ્ટમ જે બીજા દેશમાં હોવાથી નિયમ લાગુ પાડી શકાતો નથી. સોશિયલ મીડિયા પરના પ્રતિબંધના પડકારો પણ અનેક છે. એવી પણ દલીલ છે કે ઓસ્ટ્રેલિયાના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા બાળકો માટે સોશિયલ મીડિયા જ બહારની દુનિયા સાથે જોડાવાનું એક સશકત માધ્યમ છે. ઓસ્ટ્રેલિયામાં કેટલાક સંગઠનોએ પ્રતિબંધને બાળકોના અધિકારો પરની તરાપ પણ ગણાવી છે. ભવિષ્યમાં ડેટા અને શોધના આધારે નિર્ણય બદલાઇ શકે છે પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ ચાલું રહેશે એવી ઓસ્ટ્રેલિયાની સરકારે સ્પષ્ટતા કરી છે. આ એક એવો સુધારો છે જેની અસર સમગ્ર દુનિયામાં જોવા મળશે એવી પણ આશા વ્યકત કરી છે. આમ તો ઇન્ટરનેટ અને ઓનલાઇનની દુનિયાથી બાળકોને અળગા રાખવાના સિમિત પ્રયાસ અમેરિકા, ડેનમાર્ક ,ફ્રાંસ અને ચીન, ઇટાલી સહિત અનેક દેશોમાં થયા છે પરંતુ ઓનલાઇન સેફટી એમેંડમેંટ (સોશિયલ મીડિયા મિનિમમ એજ) હેઠળ બિલ ૨૦૨૪ હેઠળ ૧૬ વર્ષથી ઓછી ઉંમરના માટે સોશિયલ મીડિયા પ્રતિબંધનો અમલ કરનારો દુનિયાનો પ્રથમ દેશ બન્યો છે. આથી જ તો સમગ્ર વિશ્વની નજર આ પ્રયોગ કેટલો સફળ રહે છે તેના પર મંડાયેલી છે.


