- ગુફતેગો - ડો.ચંદ્રકાન્ત મહેતા
- 'અમે રાજીખુશીથી છૂટાં પડયાં છીએ' એનો અર્થ એ થયો કે માણસ જેવો છે તેવો દેખાવા માંગતો નથી. ઝઘડો કરવો છે છતાં ઝઘડાળું ઠરવું નથી
પ્રશ્ન : ઝઘડીને છૂટાં પડનારાંઓ રાજીખુશીથી છૂટાં પડવાનું કેમ લખે છે?
પ્રશ્નકર્તા : પ્રવીણાબેન પટેલ, શુભદર્શન સોસાયટી પ્રેરણાતીર્થ દેરાસર પાસે સેટેલાઈટ, અમદાવાદ.
કો ઈપણ વ્યક્તિ લગ્ન કરી પ્રભુતામાં પગલાં માંડે કે માણસ ધંધામાં કોઈને ભાગીદાર બનાવે છે ત્યારે એક એવી શ્રધ્ધા, એક એવા વિશ્વાસ સાથે આગળ વધે છે કે સંબંધો સંવાદભર્યા રહેશે. મન-વચન-કર્મથી બન્ને વચ્ચે મેળ રહેશે, સમાધાનવૃત્તિ અપનાવવામાં આવશે અને મતભેદ રહેશે પણ મનભેદ નહીં રહે. મતમતાંતરની ક્ષણો પણ ઉદારતા, સહિષ્ણુતા અને ક્ષમાભાવથી કટુતા તરફ ગતિ ન કરે તેવું શાણપણ દાખવવામાં આવશે.
પણ માણસની અપેક્ષાઓ સદા-સર્વદા ફળતી નથી. માણસની માણસ સામેની ફરિયાદ એ છે કે 'તે ધાર્યો તેવો ન નીકળ્યો.' પતિ-પત્નીના, મિત્ર-મિત્રતા કે અન્ય પારિવારિક સામાજિક સંબંધોમાં પણ માણસને એવો વસવસો, ફરિયાદ કે હૈયાવરાળ કાઢતો જોવા મળે છે. કે 'સંબંધમાં મજા ન આવી. ટકાવવા ખાતર સંબંધ ટકાવીએ છીએ' વ્યવસાયિક કે ધંધાદારી ભાગીદારીઓમાં પણ માણસ ઉમળકાભેર ભાગીદાર બને છે. પરસ્પરનાં સુમેળ-મનમેળના વખાણ કરવાનું પણ ચૂકતા નથી. પણ સંબંધની શાન સાચવવામાં જે ઝિંદાદિલી દાખવવી જોઈએ, એ દાખવવામાં માણસ ઊણો ઊતરે છે. દામ્પત્યમાં પણ પરસ્પરનું આર્કષણ, લગાવ, ખેંચાણ, ગુણદર્શન વગેરેમાં ધીરે ધીરે ઓટ કે શિથિલતા શરૂ થાય છે. વર્તનમાં જાણે-અજાણે વાંકદેખાપણું પ્રવેશે છે. લાગણીનું સ્થાન અહંકાર લેવા માંડે છે, જતું કરવાની વૃત્તિ જિદ કરાવે છે અને અસહિષ્ણુતા સહિષ્ણુતાને ભરખી જાય છે. પરિણામે સંબંધમાં તિરાડ પડે છે.
ધંધાદારી ભાગીદારીમાં પણ ઉદારતા અને સહિષ્ણુતાનું સ્થાન ધનેષણા, સત્તા-એષણા અને અધિકારપ્રિયતા લેવા માંડે છે. સદ્દભાવને સ્થાને શંકા, વિશ્વાસને સ્થાને શંકા અને સમાનુકુલનને સ્થાને 'મમભાવ' બળવત્તર બને છે. પરિણામે દોષ-દર્શનની વૃત્તિ-પ્રવૃત્તિ પ્રબળ બને છે. અબોલા-બટકબોલા-પણાને કારણે સંવાદમય, શ્રધ્ધામય, વિશ્વાસમય અને લાગણીભીનું વાતાવરણ અદ્રશ્ય થઈ જાય છે. પરિણામે સંબંધ કેવળ બંધનરૂપ બની જાય છે અને માણસ અકાળે તેનો અંત લાવવાનો નિશ્ચર્ય કરે છે.
માણસને ઉતાવળે જોડતાં આવડે છે, નિરાંતે નિભાવતાં નથી આવડતું. સંબંધો રેશમની દોરી જેવા છે. એમાં ગાંઠ પડતાં ગૂંચ ઊભી થતાં વાર નથી લાગતી. ગાંઠ પડે એટલે મન અને હ્ય્દયમાં ગ્રંથિઓ ઊભી થાય. જોકે આવી ગ્રંથિઓ જ ગાંઠનું નિમિત્ત બનતી હોય છે. પણ એકવાર શ્રધ્ધાનું ઝરણું સુકાવા માંડે પછી બાકી રહે છે કેવળ રેત ! સંબંધો સૂકાભઠ બને છે અને માણશ સંબંધને તોડી નાખવા તત્ત્પર બને છે.
માણસની ખાનદાની એમાં છે કે એની ભાગીદારી સમાપ્ત થતી હોય કે દામ્પત્ય-લગ્ન વિચ્છેદમાં પરિણમતું હોય, કે પૈતૃક સંપત્તિના ભાગ પડતા હોય તેવા પ્રસંગે માણસ કેવું વર્તન દાખવે છે. તે ક્ષણે તમે ઉદારદિલ બની જતું કરવાની વૃત્તિ રાખી સંબંધની શાન સાચવી શકો તો તમે સાચુકલા ખાનદાન.
હવે પ્રશ્ન રાજી-ખુશીથી જુદા પડવાનો. લડાઈ-ઝઘડા માટે માણસો, ભાગીદારો, પતિ-પત્ની વગેરે છૂટાં પડે ત્યારે ઔપચારિકતા ખાતર જણાવતાં-લખતાં-જાહેર કરતાં હોય છે કે 'અમે રાજીખુશીથી છૂટાં પડયાં છીએ.' એનો અર્થ એ થયો કે માણસ જેવો છે તેવો દેખાવા માંગતો નથી. ઝઘડો કરવો છે છતાં ઝઘડાળું ઠરવું નથી. કલેશ-કંકાસ-કજીયા દ્વારા અણબનાવની સ્થિતિ લાવવી છે પણ અમે અણબનાવથી છૂંટા પડયાં છીએ, એવું સમાજ, સ્નેહીઓ, સ્વજનો વગેરેની આગળ દેખાય તેનો સંકોચ છે. જો રાજીખુશીને મહત્ત્વ આપ્યું હોત તો છૂટો પડવાનો વારો જ ક્યાંથી આવત ? જો સહિષ્ણુતા દાખવી હોત તો મનભેદ સર્જાત જ ક્યાંથી ? જો સમાનુકુલન અને સમાધાનવૃત્તિનો સહારો લીધો હોત તો કોર્ટે ચઢવાનો વારો જ ક્યાંથી આવત ?
માણસ જગતને છેતરે ત્યાં સુધી તો ઠીક, પણ માણસ જાતનેય છેતરે છે ! લડી-ઝઘડીને છૂટાં પડયાં છતાં અમે રાજીખુશીથી છૂટાં પડયાં છીએ-એવો ભ્રમ-સમાજ કે સ્વજનો અને ધંધામાં-વ્યવસાયમાં પડેલા અન્ય લોકો સમક્ષ કરવો એ દંભ છે. આરોપીની જ્યારે પોલીસ ધરપકડ કરે ત્યારે શિક્ષિત લોકો પ્રેસ કે ચેનલના ફોટોગ્રાફર પોતાના ચહેરાની તસવીર પાડી ના લે એ માટે ચહેરાને હાથ કે રૂમાલથી ઢાંકી દેતા હોય છે. એટલા માટે કે પોતાનો અસલી ચહેરો કેવો છે, અસલી રૂપ કેવું છે, એનો ભ્રમ નષ્ટ થઈ રહ્યો છે, એની પીડા-લાચારી આરોપીથી સહી શકાતી નથી.
મૂળ વાત છે સંબંધમાં તિરાડ પડે અને ફટાવાની સ્થિતિ આવે ત્યારે યોગ્ય વ્યવહાર દર્શાવવાની. અહીં ગુમરાહ. પિકચરનું એક સરસ ગીત છે, તેનું સ્મરણ થાય છે. ગીતના શબ્દો સુનિલ દત્તના મુખમાં મૂકવામાં આવ્યા છે. લગ્નેતર સંબંધોની પ્રિયતમાના પતિને જાણ થાય ત્યારે પતિ કે પ્રિયતમ બેહુદું વર્તન કરી બેસે, એવું આપણે અનેક કિસ્સાઓમાં જોઈએ છીએ. ઘણાં પ્રેમીઓ હસતે મોંઢે છૂટાં પડે છે. પણ દિલમાં એક રંજ રહી જાય છે. પણ મહત્ત્વની વાત એ છે કે મળવું કે મિલન જેટલું શાનદાર, આનંદદાયક, ઉત્સાહપૂર્ણ હોય, તેટલું જ છૂટા પડવાની ક્ષણ પણ કોઈપણ પ્રકારના મનોમાલિન્ય, કટુતા, દ્વેપ-વિદ્રેપે, વેરવૃત્તિ કે લડાઈ-ઝઘડાથી મુક્ત હોવી જોઈએ, પેલા ગીતના શબ્દો...
''વો અફસાના, જિસે અંજામ તક લાના ન
હો મુમકીન,
ઈસે એક ખૂબસૂરત મોડ દેકર છોડના
અચ્છા''
'છોડના' અને 'તોડનાં બન્ને વચ્ચેનો ભેદ માણસ ન સમજી શકે તો રાજીપો રહે ક્યાંથી ? જે ગીત પુરુ ગાઈ શકવાની શક્યતા ન હોય, તેને સરસ વળાંક સાથે સમાપ્ત કરવું એ જ સિધ્ધિ છે.'
જે સંબંધ જીરવવો અને જાળવવો શક્ય ન હોય, એમ લાગે કે તિરાડ સાંધવાનું શક્ય જ નથી, સહિષ્ણુતા દાખવવા ધારીશું તો પણ મન માનશે નહીં તેમ લાગે અને દિલ કબુલશે નહીં તેમ લાગે, તેવા સંજોગોમાં ઝિંદાદિલ રહીને સંબંધને સમજણપૂર્વક, સંયમપૂર્વક, સહિષ્ણુતાપૂર્વક અને શાનદાર રીતે વળાંક આપીને ફંટાવું એ રાજીખુશીથી છૂંટા પડવાનું અઘરું કામ સુપેરે સંપન્ન કર્યાની પ્રતીતિ કરાવે છે. એવી સમજણ સાથે છૂટાં પડેલાં લોકો સમાજને પોતાની રાજીખુશીથી છૂટાં પડયાંની કૃત્રિમ નોંધ લેવડાવવાની ખેવના નહીં રાખે.
કારણ સમજી, વિચારી અને સહિષ્ણુતાપૂર્વક કરેલો-સ્વીકારેલો એ ત્યાગ છે.
ત્યાગ-અર્પણ કે સમર્પણ પ્રદર્શનની વસ્તુ નથી. આપ્યું તો આપી જાણવું અને છોડવું તો છોડી જાણવું.
'કાંટા ચૂમ્યા કે ફૂલ મને રંજ એ નથી,
મારી ગણો જો ભૂલ મને રંજ એ નથી.
ફના હું થાઉં એટલે માગી લીધું બધું ?
શાને થયો કબૂલ મને રંજ એ નથી.'
આજ ખરી ખુમારી છે. જ્યાં ખુમારી છે, ત્યાં દંભ નથી અને જ્યાં દંભ છે ત્યાં ખુમારી નથી. દેખાડો કરવાની જરૂરિયાત એમને હોય છે જેઓ અંતરથી શુધ્ધ નથી હોતા. અસલિયત છૂપાવવા મથે છે. જેઓ પોતાનું અકાલ રૂપ લોકસ્વીકૃત નહીં બને એનો ડર મનમાં સેવતા હોય છે.
મહત્ત્વની વાત તો એ છે કે માણસની મૈત્રી, પ્રેમ અને શત્રુતાનું કારણ મન છે. આપણને ફાવતો ને ભાવતો સાથ આપે એના આપણે મિત્ર કે સ્વજન બનીએ છીએ અને એ આપણી લાગણી દુભવે કે આપણી ધારણાથી પ્રતિકુળ રીતે વર્તે કે આપણા હિતને નુકસાન પહોંચાડે તેને આપણે શત્રુની યાદીમાં મૂકીએ છીએ અને છૂટાં પડવાનો નિર્ણય લઈએ છીએ. પરંતુ રાગ-દ્વેષ બન્નેનાં મૂળમાં તો આપણી અપેક્ષાઓ જ કારણભૂત હોય છે. જ્યાં સગાઈ કે નિકટનો પરિચય હોય છે ત્યાં ત્યાગ ભાવના ઓછી અને અધિકારની ભાવના વધુ હોય છે. પરિણામે સગો કે નિકટનો સંબંધી કશુંક કરે અથવા ઉપકાર કરે તો સગાઈ કે સંબંધની દ્રષ્ટિએ કરનારની ફરજ હતી એમ માની કરેલાની નોંધ લેવાને મહત્ત્વ અપાતું નથી.
સગાઈ કે નિકટના પરિચિતને મનભેદમાંથી મુક્ત રાખવો હોય તો ઉદારતાપૂર્વક સંબંધ જોડેલો રાખવાનો આગ્રહ રાખવો જોઈએ. સંબંધ તોડવાની ઉતાવળ હરગિજ ન જ કરવી જોઈએ.


