Get The App

સ્પીચ થેરાપી શું છે ? .

Updated: Apr 11th, 2023

GS TEAM

Google News
Google News
સ્પીચ થેરાપી શું છે ?                                      . 1 - image


- શબ્દ ફક્ત જીભ ચલાવવાથી જ બોલતો નથી. શબ્દો બોલવા માટે ફેફસામાંથી શ્વાસ છૂટવો પણ જરુરી હોય છે, જે શ્વાસ ફેફસામાંથી સ્વરપેટીમાં જાય છે.

સ્પી ચ થેરાપી એટલે તોતડું બોલતા હોય તે લોકોને બોલતા શિખવવાની તાલીમ કે પછી જીભને ઉપર-નીચે કરવાની કસરત અથવા તો સ્વર બોલાવવાની તાલીમ ? ના, આ તો સ્પીચ થેરાપીની અધૂરી સમજણ છે, તેમાં વિવિધ પ્રકારની કસરત દ્વારા તથા સમજાવીને બોલવાની સાચી રીત શીખડાવવામાં આવે છે. સ્પીચ થેરાપી જન્મેલા બાળકોથી લઈને ૮૦-૯૦ વર્ષના વૃદ્ધોમાં થતી બોલવાની તકલીફ માટે પણ લઈ શકાય છે. 

તેમાં ઉંમરનો કોઈ બાધ નથી હોતો. સ્પીચ થેરોપીમાં વિવિધ પ્રકારના સ્પીચ, લેંગ્વેજ તથા કમ્યુનિકેશન પ્રોબ્લેમની તપાસ કરીને તેના માટેની યોગ્ય સારવાર આપવામાં આવે છે.

સ્પીચ, લેંગ્વેજ તથા કમ્યુનિકેશન એટલે શું?

સ્પીચ વિશેની સામાન્ય સમજણ એ છે કે આપણે જ્યારે કંઈ પણ બોલીએ ત્યારે તે બોલવાની રીત ને સ્પીચ કહેવાય, એટલે કે આપણે જે બોલીએ એમાં શબ્દો કેટલા સ્પષ્ટ બોલીએ છીએ. બોલવાની લય કેટલી છે, કયા શબ્દ પર વધુ ભાર મૂકીએ છીએ, અવાજ કેવો કાઢીએ છીએ (મોટો નાનો કે જાડો પાતળો) વગેરેનો સમાવેશ સ્પીચમાં થાય છે. લેંગ્વેજ એટલે સાદા શબ્દોમાં ભાષા, અહીં ગુજરાતી, હિન્દી કે અંગ્રેજીની વાત નથી, લેંગ્વેજ એટલે કઈ જગ્યાએ ક્યો શબ્દ બોલવો, શબ્દોને ભેગા કરીને વાક્ય બનાવવું, બીજા સાથે વાત કરતી વખતે વિષયને અનુરુપ વાત કરવી વગેરે. લેંગ્વેજમાં ફક્ત બોલવાનું જ નહીં પરંતુ સમજણનો પણ સમાવેશ થાય છે. કંઈ પણ લખેલી માહિતી વાંચી શકવી કે લખીને કંઈપણ કહી શકવું તેનો પણ લેંગ્વેજમાં સમાવેશ થાય છે.

કમ્યુનિકેશન 

સરળ શબ્દોમાં જોવા જઈએ તો આપણે જ્યારે બીજી વ્યક્તિને કંઈ પણ કહીએ અને તે વ્યક્તિ આપણી વાત સાંભળીને તેનો જવાબ આપે, તો આપણી વચ્ચે થયેલી આ વાતચીતને કમ્યુનિકેશન કહેવામાં આવે છે. આમાં નોંધ લેવા જેવી બાબત એ છે કે સ્પીચ અને લેંગ્વેજ પણ કમ્યુનિકેશનનો જ એક ભાગ છે, એટલે કે કોઈપણ તકલીફના કારણે જો સ્પીચ અને લેંગ્વેજ પર અસર થાય તો તેનાથી કમ્યુનિકેશન પર સીધી અસર થાય છે.

હવે સ્પીચ, લેંગ્વેજ કે કમ્યુનિકેશનની પ્રક્રિયા પર અસર કરતી વિવિધ તકલીફ હોય છે. સ્પીચ પ્રોબ્લેમ એટલે કે એવી તકલીફો જેમાં વ્યક્તિના શબ્દોના ઉચ્ચાર, બોલવાની લય અથવા તો અવાજને લગતી કોઈપણ તકલીફનો સમાવેશ થાય છે. જો કોઈ ક ને બદલે 'ત'બોલતુ હોય કે 'ર' ને બદલે 'લ' બોલતુ હોય બોલવામાં એક જ શબ્દ વારંવાર બોલતુ હોય, બોલવામાં કોઈ શબ્દ પર અચકાતું હોય, અવાજ ઘોઘરો થઈ ગયો હોય(સ્વર પેટીમાં મસા હોય) વધુ પડતું બોલવાનું થતું હોય તેવા લોકો (શિક્ષકો, ગાયકો વગેરે) ને વારંવાર અવાજ બેસી જતો હોય, કપાયેલા હોઠ કે તાળવાના કારણે અથવા સાંભળવાની તકલીફને કારણે સ્પષ્ટ ઉચ્ચાર ન થઈ શકતા હોય વગેરે જેવી તકલીફોને સ્પીય પ્રોબ્લેમ તરીકે ઓળખાય છે.

લેંગવેજ પ્રોબ્લેમ એટલે કે એવી તકલીફ જેમાં બોલીને,વાંચીને કે લખીને ભાષાની સમજણ કે ભાષાનો ઉપયોગ કરવામાં કોઈ પણ પ્રકારની તકલીફ પડે, જેમકે કોઈપણ વ્યક્તિનું કે વસ્તુનું નામ બોલવું, કોઈપણ કામ સોંપવામાં આવે કે કોઈ વસ્તુ લઈ આવવાનું કહેવામાં આવે તો તે કરી શકવું, કોઈપણ લખેલા 

વાકયોને વાંચીને સમજવું, પોતાની જાતે કંઈપણ લખી શકવું વગેરેમાં થતી તકલીફ લેંગવેજ પ્રોબ્લેમમાં સમાવેશ થાય છે.

કમ્યુનિકેશન પ્રોબ્લેમ ત્યારે ઉભો થાય છે જ્યારે વ્યક્તિને બીજા લોકો સાથે કઈ રીતે વાત કરવી, કયા સ્થળે કેવું વર્તન કરવું, કોની સાથે શું વાત કરવી વગેરે જેવી બાબતોની સમજણ રહેતી નથી, જેના કારણે સમાજના લોકો સાથે તેઓ હળીમળી શકતા નથી. અમુક તકલીફો જેમ કે ઓટીઝમ ડિમેન્શિયા વગેરે જેવી બીમારીઓમાં આવું થતું હોય છે.

બોલવાની તકલીફો કોઇપણ ઉંમરમાં થઈ શકે છે તથા આવી તકલીફોની સારવાર પણ સ્પીચ થેરાપિસ્ટ પાસેથી લઈ શકાય છે. સ્પીચ થેરાપિસ્ટ કોઈ દવા દ્વારા નહીં પરંતુ વિવિધ પ્રકારની કસરતો દ્વારા આવી તકલીફોની સારવાર કરે છે. સ્પીચ થેરાપીમાં કોઈ દવા આપવામાં આવતી નથી. તેથી વ્યક્તિ દ્વારા જો થેરાપિસ્ટે આપેલી બધી જ કસરત ઘરે પણ કરાવવામાં આવે તો જ તેને બોલવામાં ફાયદો થાય છે.

વાણી કેવી રીતે ઉત્પન્ન થાય છે ?

બોલવાની પ્રક્રિયા ખૂબ જટિલ હોય છે તે ફક્ત જીભથી શબ્દો બોલવા પૂરતી જ મર્યાદિત નથી હોતી. આ પ્રક્રિયામાં મુખ્યત્વે શરીરના પાંચ ભાગો જોડાયેલા હોય છે મગજ, ફેફસા, સ્વરપેટી, કંઠનળી તથા મોઢાના અવયવો (જીભ, દાંત, જડબુ, તાળવું).

મગજએ કોઈપણ પ્રક્રિયા માટેનું માળખું બનાવવાનું કામ કરે છે એટલે કે તે પ્રક્રિયા ક્યારે કરવી, કેવી રીતે કરવી તથા તેના માટે ક્યા ક્યા અંગોનો ઉપયોગ કરવો તેનું માળખું મગજ તૈયાર કરે છે. મગજને ડાબા તથા જમણા એમ બે ભાગમાં વિભાજિત કરી શકાય છે. જેમાંથી ડાબુ મગજ સામાન્ય રીતે ભાષા માટેના કેન્દ્રો ધરાવે છે. એટલે કે બોલવા માટેનું માળખું ડાબુ મગજ તૈયાર કરે છે. મગજમાંથી તૈયાર થયેલો સંદેશો ચેતાઓ દ્વારા બોલવા માટે જરુરી એવા ભાગો સુધી પહોંચે છે. ફક્ત બોલવા માટેનું જ નહી, કોઈએ બોલેલી વાત સમજવા માટે પણ ડાબા મગજમાં આવેલા કેન્દ્રો મહત્ત્વનો ભાગ ભજવે છે. જ્યારે કોઈ કંઈ બોલે છે ત્યારે તેમણે બોલેલી વાત સૌ પ્રથમ કાન દ્વારા સાંભળવામાં આવે છે અને ત્યાંથી તે સંદેશો સમજવા માટે મગજમાં જાય છે. આ સંદેશો સમજાયા બાદ મગજ તેના જવાબ માટેનું માળખું તૈયાર કરે છે.

બોલવા માટે ફેફસા પણ ખૂબ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કોઈપણ શબ્દ ફક્ત જીભ ચલાવવાથી જ બોલતો નથી. શબ્દો બોલવા માટે ફેફસામાંથી શ્વાસ છૂટવો પણ જરુરી હોય છે, જે શ્વાસ ફેફસામાંથી સ્વરપેટીમાં જાય છે. તથા ત્યાંથી અવાજ સ્વરુપે મોઢામાં જાય છે, જ્યાંથી શબ્દ બોલાય છે ફેફસામાંથી કેટલી હવા નીકળે છે તેના ઉપરથી જ અવાજ મોટો કે નાનો કરી શકાય છે.

સ્વરપેટીએ ગળામાં આવેલી હોય છે. જેમાંથી અવાજ ઉત્પન્ન થાય છે. આ સ્વર પેટીમાં બે સ્નાયુઓ આવેલા હોય છે. જેને આપણે વોકલ કોર્ડ તરીકે ઓળખીએ છીએ. આ વોક્લ કોર્ડ સામાન્ય રીતે ભેગા રહેતા હોય છે. પરંતુ જ્યારે ફેફસામાંથી હવા બહાર આવે ત્યારે તે હવા આ સ્નાયુઓને એકબીજાથી દૂર ધક્કો મારે છે અને આ પ્રક્રિયા થવાથી સ્નાયુઓમાં ધુ્રજારી થાય છે જેના કારણે અવાજ ઉત્પન્ન થાય છે. બોલતી વખતે આ વોક્લ કોર્ડની લંબાઈમાં ફેરફારો થતા હોય છે તથા તેમના તનાવમાં ફેરફાર થતા હોય છે. આના કારણે આપણે અવાજ જાડો કે પાતળો કરી શકીએ છીએ.

આ અવાજ ગળામાં ઉપર તરફ આવેલ કંઠનળી સુધી પહોંચે છે. જ્યાં અવાજની ગુણવત્તામાં ફેરફાર થાય છે. આ ભાગ એક નળી જેવો છે. આ નળીની લંબાઈ તથા જાડાઈ દરેક વ્યક્તિમાં અલગ અલગ હોય છે, જેથી દરેક વ્યક્તિના અવાજની ગુણવત્તામાં તે નળીના માપ અનુસાર ફેરફાર થાય છે.

કંઠનળીમાંથી પસાર થયેલો આ અવાજ હવે મોઢાના અવયવો સુધી પહોંચે છે. જ્યાં શબ્દો બોલાવાની પ્રક્રિયા થાય છે. શબ્દો બોલવા માટે ફક્ત જીભ નહીં પરંતુ દાંત, હોઠ, જડબુ તથા તાળવાનો પણ ઉપયોગ થાય છે. ગળામાંથી નીકળેલ અવાજ જ્યારે મોઢા સુધી પહોંચે ત્યારે મોઢામાં રહેલી જીભ અલગ-અલગ જગ્યાએ જાય છે. જેના કારણે સ્વરનો ઉચ્ચાર કરવો શક્ય બને છે. બોલવામાં ફક્ત મોઢાનો જ નહીં પરંતુ નાક નો પણ ઉપયોગ થતો હોય છે, મ કે ન જેવા સ્વરો બોલવા માટે બે હોઠ ભેગા થાય છે તથા તેની સાથે સાથે પાછળનું તાળવું નીચું થાય છે, જેના કારણે નાકમાંથી હવા પસાર થાય છે અને સ્વર બોલાય છે.

બોલવાની પ્રક્રિયાનું નિયમન ઘણા બધા અંગો દ્વારા થાય છે. જ્યારે આ બધા જ અંગો એકસાથે મળીને કામ કરે ત્યારે વ્યક્તિ સ્પષ્ટ પણે બોલી શકે છે. જો કોઈપણ કારણસર આ બધા અંગોમાંથી કોઈ એક અંગમાં પણ તકલીફ થાય તો તેની સીધી અસર બોલવા પર થાય છે.

- ડો. વિભાકર વચ્છરાજાની

Tags :