ભમરીયું મધ ગુણમાં સારું છે
- મધ લઘુ, સ્વાદિષ્ટ, રૂક્ષ, ગ્રાહી નેત્રો માટે હિતકારી, અગ્નિવર્ધક, વ્રણ શોધક રોપક- રૂઝાવનાર ત્વચાની સુંદરતા, યાદશક્તિ અને વીર્ય વધારનાર, સહેજ વાતકર છે
આ યુર્વેદનુંં એક દિવ્ય ઔષધ મધ છે. પાંચ હજાર વર્ષ પહેલાં આયુર્વેદમાં જે ગુણદોષ મધ માટે બતાવવામાં આવ્યા છે. એમાં કોઈ સુધારો આજે કોઈ કરી શક્યું નથી. મધને વૃષ્ય અને યોગવાહી કહ્યું છે. યોગવાહી જે ઔષધો સાથે આપવામાં આવે એ ઔષધનાં ગુણમાં વૃદ્ધિ કરે પછી ભલે ઔષધ ઉષ્ણ હોય કે શીતળ હોય. આયુર્વેદમાં મધનો અનુપાન તરીકે પણ બહોળો ઉપયોગ થયો છે. મધની વિશેષતા એ છે કે, એનો ઉપયોગ કરતાં આવડે તો વજન વધારે છે અને વજન ઘટાડે પણ છે. આ ઉપરાંત ડાયાબીટીસના દર્દી પણ લઈ શકે છે. મધમાં આવેલ ફ્રુકટોજ પચાવવામાં ઇન્સ્યુલીનની બહુ જરૂર રહેતી નથી. આયુર્વેદની સંહિતાઓમાં મધુપ્રમેહ માટે બતાવવામાં આવેલ જુદા જુદા કવાથ મધ સહીત વાપરવાનું લખ્યું છે. એ પ્રમાણે વાપરવાથી આજે પણ પરિણામ મળે છે. શરત માત્ર એટલી કે મધ અસલી હોવું જોઈએ.
મધમાખી અને મધનાં મુખ્ય ચાર પ્રકાર છે. એમાં ભમરીયું મધ ગુણમાં વિશેષ સારૂં છે. ભમરી નામની મોટી માખી આ મધ બનાવે છે. નાની આછી પીળી માખી મધ બનાવે છે એ બીજા મધ કરતાં થોડું ગુણમાં નબળું છે. નવા મધમાં થોડો દોષ રહેવા સંભવ છે એટલે એક વર્ષ જૂનું મધ વાપરવું. આથી વધારે જૂનુ હોય તો વધારે સારૂ. આયુર્વેદમાં મધના ઉપયોગ આહાર અને ઔષધ તરીકે પુષ્કળ પ્રમાણમાં કરવામાં આવ્યો છે. આહાર સાથે ૨૦ ગ્રામ જેટલાં મધને આરોગવામાં આવે તો વાયરસ અને બેકટેરીયાની અસર આસાનીથી થતી નથી. રોગ પ્રતિકારક શક્તિ વધે છે. વસંત ઋતુમાં તૈયાર થયેલ મધ મળે તો તે વાપરવું વધારે સારૂં છે કારણકે, એ ગુણોથી ભરપુર હોય છે. આ મધમાં એન્ટીબાયોટિક અને એન્ટીસેપ્ટીક ગુણ વધારે હોય છે.
આયુર્વેદમાં મધની અતિ પ્રશંસા કરતાં લખ્યું છે કે, લઘુ, સ્વાદિષ્ટ, રૂક્ષ, ગ્રાહી (મળને બાંધનાર) નેત્રો માટે હિતકારી, અગ્નિવર્ધક, વ્રણ (ઘાવ) શોધક રોપક- રૂઝાવનાર ત્વચાની સુંદરતા, યાદશક્તિ અને વીર્ય વધારનાર, સહેજ વાતકર છે. અતિ કષ્ટદાયક રોગો જેવા કે, હરસ, નવી જૂની શરદી, તીવ્ર ઉધરસ, કોઢ, પિત્તદોષ, રક્તદોષ, કફ, પ્રમેહ, મંદ, ગ્લાનિ, ઉલ્ટી, ઝાડા, મેદ, ક્ષય હેડકીને મટાડે છે. આ વ્યાધિઓમાં વપરાતા ઔષધો સાથે મધ વાપરવામાં આવે તો પરિણામ જરૂરથી મળે છે. ગરમીના દિવસોમાં મધ ગરમ કરી વાપરવું નહી અને ઉષ્ણ તીવ્ર ઔષધો સાથે વાપરવું નહી. વાપરવાની ખાસ જરૂર લાગે તો ગાયનું ઘી સાથે વાપરવું જોઈએ. સુંગંધવાળું ગાયના ઘીને મળતું મધ ઉત્તમ માનવામાં આવ્યું છે.
આધુનિક મત મુજબ મધમાં ફળશર્કરા, ફોલિક એસિડ, પેન્ટાપેનિક, એમિનોએસિડ, એન્જાઈમ્સ, આયોડીન, કેલ્શિયમ, કૈચટીન, ગંધક, ચૂનો, લોહ, ત્રાંબુ, વિટામિન એ,બી,સી વિગેરે તત્વો આવેલ છે.
ટાઈફોઈડ, ન્યુમોનિયા, અતિસાર વિ.કીટાણુજન્ય રોગોમાં મધને સહાયક ઔષધ તરીકે વાપરવાથી રોગ પર જલ્દી કાબુ મેળવાય છે. કારણકે મધ યોગવાહી છે.
મધ અનેક રોગોનો સફળ ઉપાય છે. એના અનેક યોગો છે. એમાંથી થોડા અહીં રજું કરેલ છે.
૧) મધ આશરે ૨૦ગ્રામ, ગાયનું ઘી ૧૦ ગ્રામ દૂધ સાથે નિત્ય લેવાથી પાતળું શરીર સુડોળ થાય છે. વજન વધે છે. એક ગ્લાસ સાધારણ ગરમ પાણીમાં ૨૦ ગ્રામ મધ અને એક ચમચી લીબું રસ મેળવી સવારમાં નિત્ય પીવાથી અને પથ્ય ખોરાક લેવાથી વધારાનો મેદ જરૂર ઘટે છે. નબળાઈ આવતી નથી, કોઈ આડઅસર થતી નથી.
૨) ગાયનું ઘી અને મધ મેળવવાથી મલમ જેવું બને છે. ઘા રૂઝવવા માટે આ મલમથી ડ્રેસીંગ કરવું. ત્રિફળા ગુગળની ગોળીઓ ગળવી.
૩) દાઝવાથી થયેલ વ્રણ ઉપર કુંવારપાઠાની જેલી અને મધ સારીરીતે મેળવી લગાવવાથી દાહનું શમન થશે અને રૂઝ જલદી આવશે. દાઝ્યા પછી તુરત જ ઠંડુ પાણી ધીમેધીમે રેડવું પછી આ મલમનો નિત્ય ઉપયોગ કરવો.
૪) મોંમાં છાલા-મુખપાક થયો હોય તો મધમાં હળદર મેળવી, લગાવવું અને પિત્તશામક ઔષધો ખાવા.
૫) અલ્સરેટીવ કોલાઈટીસમાં મધ ૧૦ ગ્રામ, સાકર ૫ ગ્રામ, બકરીનું દૂધ ૧૦૦ ગ્રામ મેળવી સવારે અને રાત્રે સૂતી વખતે પીવું. અન્ય ઔષધો અને પથ્ય ખોરાક લેવાથી સારૂં થાય છે.