વેલેન્ટાઈન ડે : પ્રેમનો દેખાડો કરતો અનોખો સમાજ
જેમ દરેક જંગલમાં અભયારણ્ય હોય છે એ રીતે પોલો ફોરેસ્ટને પ્રી-વેડીંગ ફોટોગ્રાફી માટેનું અભ્યારણ જાહેર કરવા માટે પણ સરકાર સામે આ સમાજ માંગણી કરશે
વેલેન્ટાઈન દિવસ એ પ્રેમની અભિવ્યક્તિનો દિવસ છે. આ દિવસે સૌથી વધારે લગ્ન થાય છે અને એ પણ મોંઘવારીમાં ગુલાબનાં ફૂલોનો ભાવ વધારે હોવા છતાં આજકાલ પ્રેમ કરવા કરતા પ્રેમનો દેખાડો કરવાનું મહત્વ સમાજમાં વધી ગયું છે. અને આ 'દેખાડા સમાજ' આગળ જતાં વધશે તો દેખાડો કરનાર લોકોનાં એક અલગ સમાજની સ્થાપના થશે. અને તેનાથી પણ આગળ જતાં એ લોકો સરકાર સામે દેખાડો કરવા અંગે અલગથી ફંડ માગશે, આંદોલનો કરશે અને 'દેખાડા સમાજ' સરકાર વિરુદ્ધ દેખાવો કરશે. પ્રેમ 'દેખાડા સમાજ'ની ભવિષ્યમાં કેટલીક માગણીઓ હશે જે નીચે મુજબ છે.
(1) 'દેખાડા સમાજ'નાં લગ્ન નક્કી થાય એટલે છોકરાવાળાએ છોકરીને મોબાઈલ ફોન લઇ આપવો ફરજીયાત રહેશે. મોબાઈલ ફોનનાં ધોરણો હેઠળ સમાજમાં બે સંપ્રદાય પણ સ્થપાશે જેમ કે જે લોકો છોકરીને એન્ડ્રોઈડ ફોન લઇ આપશે તે એન્ડ્રોઇડવાળા તરીકે ઓળખાશે અને સમાજની અંદર જે લોકો છોકરીને આઈફોન લઇ આપશે એ થોડા ઉચ્ચ કોટીનાં ગણાશે અને એ લોકો આઈફોનવાળા તરીકે ઓળખાશે.
(2) લગ્નની કંકોત્રી બે માણસ ઉંચકી શકે એટલી ભારે બનાવવી અને એમાં નાનકડું કાર્ડ મુકવું ફરજીયાત રહેશે. લગ્નની કંકોત્રી સાથે મોંઘીદાટ ગીફ્ટ, ચોકલેટ, મીઠાઈઓ રાખવી ફરજીયાત રહેશે. જો આ દેખાડો આગળ વધશે તો લોકો કંકોત્રીની અંદર જ ગાડીની ચાવી પેક કરી આપશે, જેના દ્વારા સીધું જ લગ્ન સ્થળે પહોચી શકાય.
(3) પ્રી-વેડીંગ ફોટોગ્રાફી ફરજીયાત રાખવી જોઈએ એના ઘણા ફાયદા છે. પ્રી-વેડીંગ ફોટોગ્રાફીમાં છોકરાએ છોકરીને ઊંચકીને ફોટો પડાવવાનો હોય છે જેથી ભવિષ્યમાં છોકરાએ કેટલું વજન ઉપાડવાનું છે તેની જાણકારી મળી શકશે. જેમ દરેક જંગલમાં અભયારણ્ય હોય છે એ રીતે પોલો ફોરેસ્ટને પ્રી-વેડીંગ ફોટોગ્રાફી માટેનું અભ્યારણ જાહેર કરવા માટે પણ સરકાર સામે આ સમાજ માંગણી કરશે.
(4) પ્રેમનો દેખાડો કરવા કરાતા લગ્નોમાં ડ્રોન ફરજીયાત રાખવા પડશે. એમાં પણ છોકરા પક્ષે એક ડ્રોન અને છોકરી પક્ષે એક ડ્રોન. જ્યારે છોકરા અને છોકરીના ફેરા ફરાતા હોય ત્યારે ડ્રોન પણ અગ્નીની સાક્ષીએ ગોળ ગોળ ફેરા ફરે તો ડ્રોનનાં લગ્ન પણ ગણાય અને એના લગ્ન અંગેનું અલગ સર્ટીફીકેટ સરકાર પાસેથી માગી શકશે.
(5) પ્રેમ નો દેખાડો કરવા સરકારની જેમ ફંકશન કર્યે રાખવાના રહેશે. શરૂઆત મહેંદી ફંકશનથી થશે. એ પછી મહેંદી સુકાય એટલે મહેદી ખંખેરવા નું અલગ ફંકશન, મહેંદીમાં ચૂનો લગાવાનું, મહેંદી વાળા હાથ ગેસ ઉપર ગરમ કરવાનું, મહેંદી ઉપર ખાંડનું પાણી ઘસવાનું... એવાં નવાં-નવાં ફંકશન આયોજીત કરીને પ્રેમ વધારી શકાય. કરન જોહરની ફિલ્મોમાં બતાવ્યા ન હોય એવા કોર્સ બહારના ફંકશન ઉપર ખર્ચ કરતા રહેવાથી પ્રેમનો પરફેક્ટ દેખાડો થાય છે. એટલે આવા ફંકશન અંગેની માંગણીઓ ઉઠતી રહેશે.
અજ્ઞાન ગંગા
દેખાડાનાં આ ટ્રેન્ડમાં પતિ-પત્ની એકબીજા ને લાઈક કરે એટલુ જ પુરતું નથી, પતી-પત્નીને સોશિયલ મીડિયામાં કુલ કેટલા લાઈક મળે છે એના ઉપરથી પ્રેમ નક્કી થાય છે!
- ભીષ્મક પંડિત