Get The App

વિચાર-વાણી-વર્તનનું ઐક્ય .

Updated: Oct 21st, 2025

GS TEAM

Google News
Google News
વિચાર-વાણી-વર્તનનું ઐક્ય                               . 1 - image

- માણસની સ્થિતિ જ એવી થવી જોઈએ કે કુકર્મો તરફ તેનું મન જાય જ નહિ. તેનો એ સહજ સ્વભાવ થઇ જવો જોઈએ. સતત જાગૃતિને આત્મનિરીક્ષણની ટેવથી એવો સ્વભાવ કેળવી શકાય છે

કે ટલાક માણસોને ટેવ જ એવી પડી હોય છે : બોલવાનું એક ને કરવાનું બીજું. એ તેમનો સ્વભાવ પડયો હોય છે. હાથીના જેવી તેમની દશા હોય છે. હાથીના ચાવવાના ને દેખાડવાના જુદાજુદા દાંત હોય છે, તેવી રીતે તેમનાં વિચાર, વાણી કે વર્તનમાં આભજમીનનો ફેર હોય છે. પરમાત્માને જાણવા માગનારા કે આત્મોન્નતિની ઇચ્છાવાળા માણસોએ તેવા સ્વભાવનો ત્યાગ અથવા વધારે સારા શબ્દોમાં કહીએ તો સુધાર કરવો જોઈએ. વિચાર, વાણી ને વર્તનને ગંગા, જમના ને સરસ્વતી કહી શકાય. માનવજીવનમાં તે ત્રણેનો સમન્વય થાય તો તે ત્રિવેણીસંગમનું રૂપ ધારણ કરી શકે. તેવો સમન્વય સાધનામાં ખૂબ જ જરૂરી છે. તેવા સમન્વયથી મન શાંત થાય છે ને એક પ્રકારની ઊંડી, પાર વિનાની પ્રસન્નતા ધારણ કરે છે. જીવનના આધ્યાત્મિક વિકાસને માટેનું ક્ષેત્ર પછી તદ્દન સહેલું બની જાય છે.

દુષ્કર્મોમાં જેનું મન નિરંતર રમ્યા કરતું હોય, તેની સાધના પણ કેવી રીતે સફળ થઈ શકે ? માણસે પોતાનું જીવનનું સતત નિરીક્ષણ કરીને તેને નિર્મળ કરવા વધારેને વધારે પુરૂષાર્થ કરવો જોઈએ. કેટલીક વાર સારા જિજ્ઞાાસુ કે સાધક પણ ટેવ અથવા માનસિક નબળાઈને લીધે કુકર્મના ભોગ થઈ પડેલા જોવામાં આવે છે. તેવા સાધકનો આગળનો માર્ગ તેમની પોતાની જ ત્રુટિ કે નબળાઈને લીધે અટકી પડે છે. માટે માણસે સદાચારી થવું જોઈએ ને હંમેશા સત્કર્મો કરવાનો જ આગ્રહ રાખવો જોઈએ. ખરી રીતે તો માણસની સ્થિતિ જ એવી થવી જોઈએ કે કુકર્મો તરફ તેનું મન જાય જ નહિ. તેનો એ સહજ સ્વભાવ થઇ જવો જોઈએ. સતત જાગૃતિને આત્મનિરીક્ષણની ટેવથી એવો સ્વભાવ કેળવી શકાય છે.

ઉપનિષદ કહે છે કે પરમાત્માના સાક્ષાત્કાર તથા પરમાત્મામાં પ્રતિષ્ઠિત થવા માટે બૂરાં કર્મોમાંથી માણસે તદ્દન મુક્તિ મેળવી લેવી જોઈએ. સાધનામાં લાગેલા માણસે પણ આ વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. કેટલાક માણસો ખૂબ મન લગાડીને ને શૂરવીર થઈને જુદીજુદી જાતની સાધના કરતા દેખાય છે, પરંતુ તેમનામાં નીતિને સદાચાર અથવા સત્કર્મોનો જોઈએ તેવો જમાવ નથી હોતો. તેવા માણસોનો બધો પરિશ્રમ જોઈએ તેવું ફળ આપનારો નથી થતો. મનને સ્થિર ને એકાગ્ર કરવામાં પણ તેમને વિલંબ થાય છે. ચિત્તની શુદ્ધિ અથવા તો ભાવ, વિચાર ને કર્મની પવિત્રતા દરેક જાતની સાધનામાં જરૂરી છે. પરમાત્માની પ્રાપ્તિ માટે તો તે ખૂબ જ આવશ્યક છે. એ વાત સદા યાદ રહેવી જોઈએ.