Get The App

ટાઈમ પાસીંગ V/S ટાઈમ ઈન્વેસ્ટમેન્ટ

Updated: Dec 16th, 2025

GS TEAM

Google News
Google News
ટાઈમ પાસીંગ V/S ટાઈમ ઈન્વેસ્ટમેન્ટ 1 - image

- તારી અને મારી વાત - હંસલ ભચેચ પ્રવીણ દરજી

- લાસ્લોનો શબ્દ તપસ્યાનો શબ્દ છે, ઊંડી સાહિત્ય સાધનાનો દ્યોતક છે. તેની 'કડવાશ' માનવીની આંતર-બાહ્ય તંદુરસ્તી માટેની છે

લાસ્લો પ્રતિભા સંપન્ન સર્જક છે, એવું કહીએ છીએ ત્યારે એ ઓળખ કંઈક અધૂરી લાગે છે. પ્રતિભાની સાથે તે સૂક્ષ્મ નિરીક્ષક છે, ઊંડો અભ્યાસી છે અને એકાંગીપણાથી દૂર છે. તેનું દર્શન-સર્જન તેથી જ ગહન છે. નજીકનું તે સઘળું નિહાળી શક્યો છે તો દૂરથી સંભળાતા શ્રધ્ધાના સંગીતને પણ સાંભળી શક્યો છે. તેણે ભગ્ન અને નગ્ન અનુભવ્યું છે પણ ત્યાં તે અટક્યો નથી. તેની પાછળ પણ કોઈ બીજી શક્તિ ઊભી છે ત્યાં તેની એકાગ્રતા રહી છે. કલાની ખરી ભૂમિકા કેવી હોઈ શકે તેનો તેણે તેના સર્જન વડે ઉત્તર આપ્યો છે. તેના ભાથામાં અનેક તીર જોવા મળે. બધી વાર એ નિશાન ભલે જુદું તાકતો હોય પણ મનુષ્ય અને ભાવિ જગત, વર્તમાન જગત, અતીત - તે પર તેની નજર ઠરેલી જણાય. નવલકથા, લઘુકથા, ટૂંકી વાર્તા, નિબંધ, રિપોર્ટે જ એવું કશું - જાણીતું કે ઓછું જાણીતું - એનું સર્જન જોઈએ ત્યારે તેની જીવન અને કલા પરત્વેની ગાઢ નિસબતનો તરત અનુભવ થઈ રહે છે. 'બારોન વેંકહાઈમ ધ હોમ કમિંગ' (૨૦૧૯)નો નાયક તૂટી ગયેલો જુગારી છે, પોતાના વતનમાં પાછો ફરી રહ્યો છે, પ્રેમભગ્ન છે. ઉદાત્ત અને અનુદાત્ત બંનેનું ત્યાં સહઅસ્તિત્વ છે. લાસ્લોનો પોતાનો પડછાયો પણ ત્યાં ક્યાંક જણાય. દોસ્તો-એ-વસ્કીનું કે તેનાં પાત્રોનું પણ વાચકને ત્યાં સ્મરણ થાય પણ તારણ તો છેવટે એવું નીકળે કે માનવીય અનુભવ ક્યારેય સંપૂર્ણ હોતો નથી. આપણે તો માત્ર પ્રવાહનો અનુભવ કરતા રહેવાનું છે. 'એન એન્જલ પાસ્ડ અબોવ અસ'માં યુદ્ધગ્રસ્ત બે સૈનિકોમાંનો એક જે મૃત્યુ પામ્યો છે તેને તે જીવન વિશેની કેટલીક સ્પૃહણીય વાતો કરી રહ્યો છે ! જાણે કે તે જીવિત ન હોય ! લાસ્લો એમ વ્યર્થ તો વ્યર્થ પણ તેના ભાવકને આશાના તંતુથી બાંધી રાખે છે. યુદ્ધની વિભીષિકા વચ્ચે આવી કોઈ શક્તિ માણસને ઉગારી પણ લે. લાસ્લોનું દર્શન ગણો તો દર્શન કે આર્ષદ્રષ્ટિ આ છે.

અહીં એ પણ યાદ કરી લઈએ કે તેના આ પ્રકારના ગહન-ગંભીર સર્જનની સાથે સિનેમા ક્ષેત્રે ય તેણે અમીટ છાપ છોડી છે. બેલાટારના સહયોગમાં તેની આવી સંકુલ કૃતિઓનું સિનેમામાં હૃદય રૂપાન્તર થયું છે. તેના સર્જનની જેમ ફિલ્મો પણ કંઈક સંકુલ રહી છે. છતાં એક ચોક્કસ વર્ગને તે ફિલ્મો સ્પર્શતી રહી છે. તેના શબ્દો અહીં છબીમાં પરિવર્તિત થઈ. કહો કે છબીઓ વડે દર્શન વધુ સ્પર્શક્ષમતા સાથે ખાસ પ્રકારના લોક સુધી પહોંચ્યું.

તેની લેખનશૈલી વિશે અગાઉ નિર્દેશ કર્યો છે પણ તેના વ્યક્તિત્વ-દર્શન-અનુભવ સાથે તેની શૈલી જે રીતે ત્વચારૂપે જોડાઈ ગયેલી જણાય છે તે તેની સર્જક પ્રતિભાનો ખાસ વિશેષ રહ્યો છે. તેની ત્રણસો-ચારસો પૃષ્ઠોની સુખ્યાત નવલકથાઓમાં પણ સળંગ વાક્યાવલિઓ, વિભિન્ન આરોહ - અવરોહ, વળાંકો, વળોકો સાથે આવે. ક્યાંક સર્પગતિએ, ક્યાંક ડેન્યૂલના વહેણની જેમ, ક્યાંક અટકે, ક્યાંક શ્વાસ ન ભરવા દે તેવી અજસ્ર ગતિએ દોડે, ક્યાંક ગતિ ધીમી પડે, કાનમાં કહી કશું સમજાવે કે ચોંકાવી પણ મૂકે, ક્યાંક હાસ્ય અને તેની પડછે જ વિક્ષદ, ક્યાંક વ્યંગ્ય અને બાજુમાં જ ખડક જેવું ગાંભીર્ય શું છે આવાં એક જ અતિકૂદીર્ધ વાક્યોવાળું આ સર્જન ? શું તે ભાષા પ્રપંચ છે ? તેની પ્રયોગશીલતા માટેની ધખના છે ? સ્પષ્ટપણે ઉત્તર છે - ના, ના, ના. તે આખાય બ્રહ્માંડને ઊંડળમાં લેવા મથ્યો છે, મનુષ્યનાં વિરૂપોને, કરતૂતોને, તેનાં કલ્પાતીય રૂપોને એક શ્વાસે કહી દેવા, પ્રત્યક્ષ કરી મૂકવા તે ઈચ્છે છે. ઝડપથી કશું અદ્રશ્ય થઈ જાય, કશુંક તેને અવરોધી ન રહે તે માટે તેને તે શબ્દસ્થ કરવા માગે છે. તેને ગતિમાં રસ છે. પૂર્ણવિરામને તે દેવનો અધિકાર લેખે છે. તેના વિષયવસ્તુને તંતોતંત ચરિતાર્થ કરી રહે, ઉકળતા લાવાને પ્રત્યક્ષ કરી બતાવે તેવી ચક્રવાત જેવી શૈલી તે પસંદ કરે છે. જ્યાં અલ્પવિરામ, અર્ધવિરામ હોય - જીવનની માફક !

વાક્યાંશો પણ ક્યારેક પરસ્પરમાં ભળી જઈ વાચકને જીવનસંગીતના, કંઈક અશ્રુત એવા સંગીતના, અનુભવ આગળ મૂકી રહે. વાક્ય વિન્યાસો ક્યારેક ઉન્માદી લાગે, ક્યારેક જળવિવર્તમાં ડૂબાડી રહે, ક્યારેક લહેર ઉપર લહેરનો રોમાંચ જગવે ક્યારેક સંગતિ કે અસંગતિને કિનારે મૂકી આપી નિઃસ્તબ્ધ કરી મૂકે. તેની 'સાતાંતંત્રો' કે 'યુદ્ધ અને યુદ્ધ' અથવા 'હર્શ્ટ ૦૭૭૬૯ ' જેવી કૃતિઓમાંથી આવી અણસરખી ગદ્ય ચાલનાઓ તેની અનેક ભંગિઓ સાથે દ્રષ્ટાંત રૂપે ટાંકી શકાય તેમ છે. લાગે કે લાસ્લો અહીં તેના ગદ્યવિધાનમાં આપણી અનેક છાયાઓને અવતારે છે. પ્રવર્તમાન સાથે પ્રાચીનતાની ગંધ પણ લઈ આવે. આ બધું તેના અવિરામ ગતિવાળા ગદ્યમાં એ રીતે જન્મી આવે છે કે વાચકને ભુલભુલામણી જેવું લાગે. ક્યાં ક્યારે ક્યો સ્ફોટ થઈ રહેશે તે કલ્પી પણ ન શકીએ. ક્યારેક આ ગદ્ય સાથે ચિત્ત કદમ ભરતાં ભરતાં થાકી પણ જાય, કંઈક નિર્વેદથી ઉબાઈ જાય, અટકું અટકું થઈ રહે, પણ એવી પળે એ જ ગદ્ય ક્યારેક અપૂર્વ અનુભૂતિ બની આપણને જકડી લે. ખરું તો લાસ્લો પોતે જ પોતાના શબ્દોમાં ખોવાઈ જઈ પોતાને પુનઃ અંકે કરી લઈ રહસ્યની કોઈ છાબ આપણી સામે ધરી રહે છે.

લાસ્લોનો શબ્દ તપસ્યાનો શબ્દ છે, ઊંડી સાહિત્ય સાધનાનો દ્યોતક છે. તેની 'કડવાશ' માનવીની આંતર-બાહ્ય તંદુરસ્તી માટેની છે. તેના વિચાર અને ગદ્યમાં પૂર્વનું જીવન-વ્યાકરણ પણ જોડાઈ ગયું છે. પરિણામે 'ડિસ્ટ્રકશન એન્ડ ઓરો બિનથ ધ હેવન્સ' જેવી કૃતિ મળે છે. 'પ્રલય' શબ્દ ભલે સુસાન સોન્ટાગે તેની સાથે જોડી તેની સાચી ઓળખ પ્રકટ કરી હોય, પણ તેમાં માનવજાત વતીનો તેનો પશ્ચાત્તાપ કે અપરાધબોધ પણ છે તે વિનાશ કે સર્વનાશની વાત જરૂર કરે છે પણ તે તેનો શૂન્યવાદ નથી. તે લગભગ તેની મહત્ત્વની કૃતિઓમાં ગર્ભિત રીતે તો એવું રહસ્ય સૂચવતો જણાય છે કે આ સર્વ-અશાંતિ- અવ્યવસ્થા - હિંસા-અંધાધૂંધી -નો અંત સુંદર હોઈ શકે. માત્ર આત્મા સાથે તે જોડાય એ પછી સૌંદર્યબોધ અવશેષમાં રહે છે.

લાસ્લોનો શબ્દ સંકુલ છે. જનપ્રિયતા તેનો ઉદ્દેશ નથી. મનુષ્યની કુંડળીનાં વણઉકલ્યાં ગહન રસ રહસ્યો સુધી પહોંચીને શબ્દાતીતની સરહદે તે ઊભો રહે છે.