- અમેરિકાનાં નેતૃત્વ નીચેની સમુદ્રીય સત્તાઓ અને ચીન-રશિયાનાં પ્રચંડ ભૂભાગની ભૂમિગત સત્તાઓ સામ-સામે શિંગડાં ભરાવવા ફૂંફાડા મારે છે
આ પણે વારંવાર 'ભૂ-રાજકીય' (જીયો-પોલિટિક્સ) શબ્દ વાંચીએ છીએ. જીયો-પોલિટિક્સનો સૌથી પહેલો વિચાર ૧૯૦૪માં મેકાઇન્ડર નામના ભૂગોળ શાસ્ત્રીએ આપ્યો. ૧૯૧૭-૧૮માં તેણે થોડા સુધારા પણ કર્યા. તેમણે સૌથી પહેલાં 'વર્લ્ડ આઈલેન્ડ'ની પરિકલ્પના આપી પછી કહ્યું, 'વર્લ્ડ-આઈલેન્ડ'માં કેન્દ્રીય સત્તા હંમેશાં આગળ અને આગળ પ્રસરે છે.
બીજી વાત તે કહી કે જગતમાં વિચરતી રખડું-પ્રજાઓ અને સ્થિર પ્રજાઓ વચ્ચે તો સંઘર્ષ હોય છે. જ્યારે માર્કસે તે સંઘર્ષ 'હેપ્ઝ-એન્ડ-હેવનોટસ' વચ્ચેનો કહ્યો છે, મેકાઇન્ડરે કહ્યું તે બંને બરાબર છે. પરંતુ ભૂમિગત સત્તાઓ અને સમુદ્રીય સત્તાઓ વચ્ચે પણ સંઘર્ષ રહેલો છે તે માટે તેઓએ ભારતની મુઘલ સલ્તનત અને બ્રિટિશ કંપનીની સમુદ્રીય સત્તાના સંઘર્ષનું ઉદાહરણ પણ આપ્યું.
બીજી મહત્વની વાત અન્ય ભૂગોળશાસ્ત્રીઓ શ્વાર્ઝ અને શુમાને તે કહી કે ભૂમિગત સત્તાઓમાં એકાધિકારવાદ સહજ છે કારણ કે કેન્દ્રીય સત્તા સ્થાનેથી વિરોધ ઝડપભેર દબાવી શકાય છે. જ્યારે સમુદ્રીય સત્તામાં જહાજોનું પ્રભુત્વ છે. જહાજો ઉપર સીધી રીતે 'પંજો' દબાવી શકાતો નથી. વળી અનંત સાગરમાં કેપ્ટનથી શરૂ કરી ખલાસી સુધી સર્વેએ એક થઈ ઊભા રહેવું પડે છે. (ખાસ કરી તોફાન સમયે) માટે સમુદ્રીય સત્તાઓ લોકશાહી તરફી હોય છે. તેના ઉદાહરણ તરીકે તેમણે ઈંગ્લેન્ડ, ફ્રાંસ અને અમેરિકાની લોકશાહી દર્શાવી હતી.
હવે રીપમાનની થીસીસ જોઈએ, દ્વિતીય વિશ્વયુદ્ધનાં અંત સાથે તેઓને વિચાર આવ્યો કે સમુદ્રીય સત્તાઓ વધુ સફળ રહે છે. તેઓએ ૩ 'ક્રેસન્ટ'ની પરિકલ્પના આપી (૧૯૪૫-૪૬) એક ક્રેસન્ટ ઈંગ્લેન્ડથી શરૂ કરી તૂર્કી સુધીનો, બીજો તૂર્કીથી પૂર્વ હિન્દુસ્તાન સુધીનો, અને ત્રીજો ક્રેસન્ટ પૂર્વ હિન્દુસ્તાનથી જાપાન સુધીનો કલ્પ્યો. ૧૯૪૯-૫૦માં તે ઉપરથી તેસમયના અમેરિકાના વિદેશમંત્રી જહોન ફોસ્ટર ડલેસે ત્રણ કરારબદ્ધ જૂથો રચ્યાં- (૧)નોર્થ- એટલાંટિક- ટ્રીટી-ઓર્ગેનાઇઝેશન (નાટો) જેમાં અમેરિકા, ઈંગ્લેન્ડ, ફ્રાંસ તે સમયનું પશ્ચિમ જર્મની, ઈટાલી અને તૂર્કી સભ્યો હતા. (૨) બીજુ જૂથ સેન્ટ્રલ ટ્રીટી-ઓર્ગેનાઇઝેશન (સેન્ટો) રચ્યું. તેમાં તૂર્કી, ઈરાક અને પાકિસ્તાન (અમેરિકાની સાથે) સભ્યપદે હતા તે માટે બગદાદમાં કરોરો થયા હતા. તેથી તે 'બગદાદ-પેક્ટ' કહેવાયાં પરંતુ ઈરાક છૂટું થતાં તે ફરી 'સેન્ટો' કહેવાયું. (૩) ત્રીજું જૂથ તે સમયના પૂર્વ પાકિસ્તાન (વર્તમાન બાંગ્લાદેશ)થી શરૂ કરી મલયેશિયાથી જાપાન સુધીનું સાઉથ-ઈસ્ટ-એશિયન-ટ્રીટી- ઓર્ગેનાઇઝેશન (જીઈછ્ર્ં) કહેવાયું. નહેરૂએ તેમાં જોડાવાની, પાકિસ્તાનના ફિરોઝ ખાન નૂનના આગ્રહ છતાં સ્પષ્ટ ના કહી ત્યારે શંકર્સ વકવીમાં નૂનની નૂનસેન્સને નોનસેન્સ કહેતાં નહેરૂ સ્પેડ ઉપર ઊભા રહી તેમ કહેતા દર્શાવવ્યા હતા. 'આ લાઈક સ્ટેન્ડો.'
બીજી તરફ તે સમયનાં અખંડ સોવિયેત સંઘના નેતૃત્વમાં ઉ.વિયેતનામથી શરૂ કરી ચાયના, રશિયા, અને રશિયાનાં નેતૃત્વ નીચેના પૂર્વ-જર્મનીથી શરૂ કરી હંગેરીથી એડ્રીયાટિક સુધી અને દ.પશ્ચિમ યુરોપનાં ટીટોનાં નેતૃત્વ નીચેનાં યુગોસ્વાલિયાનું એક પ્રચંડ 'યુરેશિયન જૂથ' રચાયું, ત્યાંથી હવાની લ્હેરખી પણ સ્ટાલીનના હુકમ સિવાય બહાર જઈ શકતી ન હતી. વિસેન્ટ ચર્ચીલે તેથી પૂર્વ જર્મનીથી એડ્રીયાટિક સુધીના પટને 'આયર્ન-કર્ટન' કહ્યો.
પછી ચીન સાથેના દેશોને જુદો પાડતો બામ્બુ-કર્ટન કહેવાયો. વિશ્વ બે ભાગમાં વહેંચાઈ ગયું ત્યાં માર્શલ ટીટોએ યુગોસ્વાલિયાને સ્ટાલિનની લોખંડી પકડમાંથી મુક્ત કરાવ્યું.
નહેરૂએ તે સમયે બાંડુંગ પરિષદ બોલાવી જેમાં ટીટો, ઈજીપ્તના નાસર, ઈન્ડોનેશિયાના સુકર્ણો, તથા ચીનના ચાઉ-એન-લાઇ પણ હાજર રહ્યા અને નોન-એલાઈન્ડ-મુવમેન્ટ (નામ)ના બીજ રોપ્યાં, જે જૂથે બેમાંથી એક પણ અમેરિકા કે સોવિયેત સંઘ સાથે ન રહેવું તેમ નક્કી કર્યું. નહેરૂએ 'પંચશીલ'નો સિદ્ધાંત આપ્યો. (જોકે પછીથી ચીન તેથી છૂટું પડી ગયું.)
અત્યારે જ્યારે ઉત્તરમાં યુક્રેન યુદ્ધ ચાલે છે. મધ્ય-પૂર્વ ભડકે બળે છે. દૂર પૂર્વમાં ચીન તાઇવાન પર ટાંપીને બેઠું છે. ત્યારે ક્યાંથી ક્યાં ભડકો ફાટી નીકળશે તે કહી શકાય તેમ નથી.
ભારતની વાત લઈએ તો ભારતનું સબળ નેતૃત્વ બંને જૂથો વચ્ચે સમતુલન રાખે છે. આ અસામાન્ય સિદ્ધિ છે છતાં સૌથી વધુ ખેદ તે છે કે નામ તો હવે નામ માત્રનું બની રહ્યું છે. અમેરિકાનાં નેતૃત્વ નીચેની સમુદ્રીય સત્તાઓ અને ચીન-રશિયાનાં પ્રચંડ ભૂભાગની ભૂમિગત સત્તાઓ સામ-સામે શિંગડાં ભરાવવા ફૂંફાડા મારે છે.
હવે થોડું વિવિધ યુદ્ધ ક્ષેત્રો - યુદ્ધ રંગભૂમિ (વોર થીએટર્સ) વિષે જોઈએ તો પ્રાચીન યુગમાં બે મુખ્ય વોર થીએટર્સ હતાં (૧) મધ્ય એશિયાનું (૨) ભૂમધ્ય સમુદ્રનું.
આર્યો પછી શકો (સીથપન્સ) તે વિસ્તાર પર પ્રભુત્વ જમાવતા હતા તેથી તેમની હાક વાગતી હતી પછી ત્યાં તૂર્કો આવ્યા. તેઓ પૂર્વગોળાર્ધમાં પ્રબળ બન્યા. પછી મોંગોલ્સ આવ્યા. તેઓ પૂર્વગોળાર્ધ પર છવાઈ રહ્યા. (૨) ભૂમધ્ય સાગર પર રોમનોએ સત્તા જમાવી તેઓ ભૂમધ્ય સમુદ્રના તટપ્રદેશો અને મધ્ય યુરોપ સુધી છવાઈ રહ્યાં. (૩) ૧૪૯૨માં કોલંબસ અમેરિકા પહોંચ્યા તે પછી સ્પેનિમાર્ડઝનો ત્યાં સિક્કો ચાલ્યો. ૧૬૨૦ પછી બ્રિટિશર્સ. મેફલાવરમાં વર્તમાન અમેરિકાના પૂર્વ તટે ઉતર્યાં. ૩૦૦ વર્ષમાં અમેરિકા વિશ્વ સત્તા બની રહ્યું. અમેરિકાના ઉદ્ગમ સાથે એટલાંટિક મહાસાગર 'ત્રીજી રંગભૂમિ' બની રહ્યું. (૪) હવે પેસિફિક મહાસાગર ચીન અને અમેરિકા વચ્ચેની સત્તા સ્પર્ધાનું ચોથુ 'રણ-મેદાન' બની રહ્યું છે.
- દિનેશ દેસાઈ


