- તર-બ-તર : હરદ્વાર ગોસ્વામી
- કાળઝાળ ગરમીમાં ઝાપટું પડી જાય અને જે ટાઢક થાય એવી અનુભૂતિ હાઈકુ પૂર્ણ થયા પછી ભાવકને થવી જોઈએ
કોન્નીચિવા(નમસ્કાર). સાકુજો નામનો એક યુવાન સમુદ્ર કિનારે ફરતો હતો ત્યારે એક નાની માછલીને મોટી માછલીથી બચાવે છે. એ નાની માછલી સમુદ્રના દેવતાની દીકરી હતી. એથી સમુદ્રના રાજા પ્રસન્ન થઈ સાકુજોને એક જાદુઈ ટોપી ભેટ આપે છે. પછી તો ચમત્કાર થાય છે. એ ટોપી પહેરવાથી સાકુજો પશુ-પક્ષીની ભાષા સમજી શકે છે.
આ જાપાનની પ્રસિદ્ધ લોકકથા છે. જાપાનના અનેક ચમત્કાર દુનિયાએ જોયા છે. 'હાઈકુ' જાપાનનો ચમત્કાર જ છે. જાપાનના લોકોના રોજીંદા જીવનમાં વણાયેલો આ કાવ્યપ્રકાર છે. હાઈકુનું મૂળ 'હોક્કું' શબ્દ છે. જેનો અર્થ પ્રારંભિક કળી થાય છે. અંગ્રેજીમાં તેને 'સ્ટોપ શોર્ટ' કહે છે. જાપાનીઝ મોટાભાગે પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલો રહે છે. ૨૦૧૭નું સાહિત્ય માટેનું નોબેલ પ્રાઈઝ જીતનાર જાપાનીઝ લેખક કાઝુઓ ઈશીગુરો ઇંગ્લેન્ડમાં સ્થાયી થયા હોવા છતાં જાપાનીઝ સંસ્કૃતિને ભૂલ્યા ન હતા. એ એમની પ્રારંભિક સાહિત્યકૃતિમાં પણ પ્રતિબિમ્બિત થતું હતું.
હાઈકુનું નામકરણ ઓગણીસમી સદીમાં માશોકા શીકી દ્વારા કરવામાં આવ્યું હતું. ગઝલ જેમ હાઈકુ પણ હવે આયાતી કાવ્યપ્રકાર નથી. ગુજરાતી સંસ્કૃતિમાં એ વણાઈ ગયા છે. સત્તર અક્ષરના સંસારમાં દ્રશ્યોનો દરબાર રચાતો હોય છે. આ નાનકડા કાવ્યનાં જન્મનું મૂળ જાપાનીઝની વ્યસ્ત જિંદગી છે. કામની અતિ વ્યસ્તતા વચ્ચે જાપાનીઝ લોકો હાઈકુને ચોકલેટ માફક મમળાવી હળવા થઈ શકતા હતા.
સત્તરમો અક્ષર પૂર્ણ થાય એ સાથે જ એક દ્રશ્ય શરૂ થતું હોય છે. અક્ષરમેળ છંદના આકાશમાં હાઈકુનો વ્હાલુકડો તારો ટમટમે છે. હાઈકુ એક નાજુક અને લવચીક કાવ્યપ્રકાર છે. પતંગિયાની પાંખ જેમ ભાર નથી ઉપાડી શકતી તેમ હાઈકુમાં પણ ભારે ભારેખમ ફિલસૂફી ઠાલવવાની નથી. એક સમયે 'હાઈકુ લખે તો કવિ ખરો' કહેવાતું હતું. એ જ એની અસરકારકતા બતાવે છે. હાઈકુના પિતા સ્નેહરશ્મિએ ગુજરાતી ભાષાને ઝાકળ જેવા અદભુત હાઈકુ આપ્યા છે. 'ઉડી ગયું કો / પંખી કૂજતું, રવ / હજીયે નભે.' ગાંધીયુગના આદર્શોનું મૂલ્ય અને સૌન્દર્યભિમુખ કવિ સ્નેહરશ્મિનો હાઈકુસંગ્રહ 'સોનેરી ચાંદ રૂપેરી સૂરજ' (૧૯૬૭) પ્રગટ થતા આ સ્વરૂપને એક નવી ઊંચાઈ મળી. હાઈકુ પૂર્ણ થઈ ગયા પછી ભાવકોના મનમાં એનું ગુંજન રહેવું જોઈએ. હાઈકુનું સ્વરૂપ છેતરામણું છે. એથી ઘણા બધા કવિઓ હાઈકુ સર્જવામાં થાપ ખાઈ ગયા છે. હાઈકુને 'ડાબા હાથનો ખેલ' કહીને કેટલાક પ્રયોગો થયા હતા પણ એ માત્ર પ્રયોગ બનીને રહી ગયા. માત્ર ૫-૭-૫ અક્ષરો ગોઠવી દેવાથી હાઈકુ બની જતું નથી. તેમાં પંચેન્દ્રિયને રણઝણાવી જનાર કાવ્યતત્વ હોવું જોઈએ.
તેત્સુકો કુરોયાનાગીના પ્રસિદ્ધ જાપાનીઝ પુસ્તક 'તોત્તો-ચાન'માં પહેલા ધોરણમાં ભણતી તોત્તો-ચાને હાઈકુ લખ્યું ત્યારે શિક્ષકે કહ્યું કે 'કાવ્યનો વિષય મૌલિક હોવો જોઈએ.' જો કે સાહિત્યની શાળાના પહેલા ધોરણનો નિયમ પણ આ જ છે કે 'તમારું પોતાનું કેટલું છે ?' ઈન્ટરનેટના ઉધાર ઉછીના યુગનો આ યક્ષપ્રશ્ન છે. જો કે તોત્તો-ચાન તો ખુદ ઇસ્સા જેવા પ્રસિદ્ધ કવિના હાઈકુમાં પણ ભૂલ શોધે છે. ઈસ્સાના હાઈકુમાં અક્ષરની છૂટછાટ હશે પણ ભાવની ભરપૂરતા ભીંજવી જાય છે. 'બરફ પીગળે છે / ને અચાનક આખુંયે ગામ / ઉભરાઇ જાય બાળકોથી.'
મહાકાવ્યમાં વ્યક્તિનું જીવન આવે, સોનેટમાં એક પ્રસંગ આવે અને હાયકુમાં સંવેદનની એક ક્ષણ આવે છે. એ કમનીય કલ્પનાનું આર્દ્ર આલેખન છે. જીણી નજરે ન જોઈએ તો જેમ ટ્રેઈનના દ્રશ્ય છૂટી જાય એમ હાઈકુમાં પણ થઇ શકે.
મૂળ જાપાની અને અમેરિકામાં રહેલા કવિ કેનેથ યેશુદાએ હાઈકુને 'એક-શ્વાસી કાવ્ય' કહ્યું છે, હાઈકુની લંબાઈ ઓછા શબ્દોની હોવાથી આપણે તેને એકશ્વાસે બોલી શકીએ છીએ. હાઈકુમાં અભિવ્યક્ત થતા ચિત્રની ગતિના હાઈકુને ત્રણ પ્રકારમાં વહેંચ્યા છે. પ્રલંબ (પીિૌબચન), સમક્ષિતિજ (ર્રિૈર્ડહાચન) અને તિર્યક (ગૈચર્યહૈબચન). આપણા રજવાડામાં દુહા-છંદની રમઝટ સાથે કવિઓ રાજાઓનું મનોરંજન કરતા એમ જાપાનના દરબારમાં હાઈકુથી મહેફિલ જામતી. બાશો પાનખરની એક સુમસામ સાંજે ખેતરમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યાં એમણે જોયું કે એક ઝાડની ડાળ પર બેસીને કાગડો બોલતો હતો. સર્જકને આવો સાવ સાદો અનુભવ થાય તો પણ એને નોખી રીતે, વિશિષ્ટ રીતે જોવાની કલા એનામાં હોય છે. બાશોએ આ વાતને હાઈકુમાં આમ અભિવ્યક્ત કરી...સુક્કી ડાળ પર/એક કાગડો એકાકી કરે કા કા/પાનખરની સાંજ હવે.
મનોજ ખંડેરિયાએ ગઝલ અને હાઈકુને જોડીને સુંદર પ્રયોગ કર્યો છે. ધીરુ પરીખે હાયકુના સ્વરૂપની ચુસ્તીને જાળવીને ઉત્તમ હાયકુ સર્જ્યા છે. તાન્કા એ હાઈકુનું પૂર્ણ રૂપ છે. લઘુકથાના કથાવસ્તુની અને સોનેટની અંતિમ બે પંક્તિની જેમ હાઈકુમાં પણ ચોટ અનુભવાય છે. ભાવકે-ભાવકે હાઈકુનો અલગ અલગ અર્થ થાય એવી વ્યંજના હાઈકુમાં છે. એની ત્રણ પંક્તિમાં ત્રણ ભુવન સમાઈ જાય છે. હાઈકુનું કામ માહિતી આપવાનું નથી, ઉર્મિશીલતાને અભિવ્યક્ત કરવાનું છે. વીજળીને ચમકારે મોતી પ્રોવા જેવું આ કામ છે. હાઈકુમાં માત્ર પ્રકૃતિની જ વાત આવે એવું નથી. જગતની દરેક સુંદરતમ ક્ષણ તેમાં પ્રગટી શકે છે. ઓછામાં ઓછા શબ્દોમાં વધુમાં વધુ વાત કહેવાની આ કલા છે. ટેઢા આંગણમાં નાચવા જેવું... કાળઝાળ ગરમીમાં ઝાપટું પડી જાય અને જે ટાઢક થાય એવી અનુભૂતિ હાઈકુ પૂર્ણ થયા પછી ભાવકને થવી જોઈએ. સરવી આંખે વાંચવા જેવું અને નરવા મન સાથે અનુભવવા જેવું આ સ્વરૂપ છે. ટૂંકું હોવા છતાં પણ એક ઊંચાઈ છે. એ લાઘવનો લાલ કિલ્લો રચે છે. તળાવમાં પડતા સૂર્યકિરણની તિર્યકતા અને અડધી લાજ કાઢેલી નવોઢા જેવું સૌન્દર્ય હાઈકુમાં છે. આ ફૂલ જેવા નાના સ્વરૂપ વિશે ગાડું ભરીને લખવાનું ન હોય. આમે ય જાજી વાતના ગાડાં ભરાય. તો પન્ના નાયકના એક હાઈકુ સાથે શાયોનારા.
ઊડયું એક જ
પંખી ને કંપી ઊઠયું
આખુંય વૃક્ષ.
આવજો...
શરીરમાં લોહી ઓછું થાય ત્યારે એમાં વાયુ ભરાઈ જાય છે અને શરીર ફૂલે છે. એમ માણસમાં બુદ્ધિ ઓછી થાય એટલે અભિમાન ભરાય છે અને મન ફૂલી જાય છે.
-બેકન


