આખી લગ્નકથા ઉતાવળમાં પૂરી થઇ જાય છે !
- ઝાકળ બન્યું મોતી : કુમારપાળ દેસાઈ
એક યુવક અને યુવતી અમેરિકાના ચર્ચમાં ધસમસતા દાખલ થયા, બંને લગ્ન કરવાની તીવ્ર ઇચ્છા ધરાવતા હતા, કિંતુ સાથોસાથ વ્યસ્તતાને કારણે ખૂબ ઉતાવળમાં હતાં.
યુવક પાદરી પાસે ગયો અને એણે વિનંતી કરી કે આ બે અમારા સાક્ષીઓ છે. જલદીથી અમારી લગ્નવિધિ સંપન્ન કરો.
પાદરીને આવી ઉતાવળ પસંદ નહોતી. એણે યુવકને કહ્યું, 'આવી બાબતોમાં ઉતાવળ કરવાનો કોઈ હેતુ ખરો ?'
યુવક અને યુવતી પાદરીની કોઈ વાત કાને ધરવા તૈયાર નહોતા. એમને તો તત્કાળ લગ્નવિધિ સંપન્ન કરવી હતી.
યુવતી બોલી, 'જુઓ, સાક્ષી હાજર છે, ફી લઇ લો અને લગ્નવિધિ પતાવી દો.'
પાદરીએ કહ્યું, 'અરે, તમે તો જાણતા જ હશો કે ઉતાવળ એ તો શેતાનનું રૂપ છે. સમજદાર કદી કોઈ કામમાં ઉતાવળ ન કરે. તમે ગ્રંથોમાં આવું વાંચ્યું તો છે ને ?'
યુવકે કહ્યું, 'ગ્રંથોમાં જે લખ્યું હોય તે, પણ અત્યારે અમને એવી ફૂરસદ નથી. જલદી લગ્નનિધિ કરાવી દો. નહીંતર મોટી ઉપાધિ આવશે.'
પાદરીએ લગ્નવિધિ કરાવી. યુવક અને યુવતી બંનેએ ઝડપથી એક પછી એક લગ્નવિધિ કરી. જલદીથી ચર્ચની બહાર નીકળ્યા ત્યારે પાદરીએ આ યુગલને પ્રશ્ન કર્યો,
'એવો તે કયો સવાલ હતો કે જેથી તમે આટલી બધી ઉતાવળે લગ્નવિધિ કરાવી ?'
યુવકે કહ્યું, 'અમે અહીં લગ્નવિધિ માટે આવ્યા ત્યારે પાર્કિંગમાં કોઈ જગ્યા નહોતી. ખોટી જગ્યાએ મોટર પાર્ક કરીને અમારે આવવું પડયું. પોલીસ આવીને ટિકિટ (અમુક રકમનો દંડ) કરી ન જાય તે માટે ઉતાવળ કરતા હતા.'
પાદરીએ કહ્યું, 'ખેર, છુટાછેડા માટે આવો, ત્યારે પણ આટલી જ ઉતાવળ હશે ને ?'
- માનવી જીવનની મહત્ત્વની બાબતોને સાવ ઉપરછલ્લી રીતે લેવા માંડે છે, ત્યારે એ બાબતોનું ગાંભીર્ય ઘટી જાય છે. એ માત્ર ઔપચારિક વિધિ બનીને અટકી જાય છે. પણ એમાં ભાવનાનું ઊંડાણ રહેતું નથી. એની એ અંગેની કોઈ સમજદારી કે એની પાછળની જવાબદારીનો કશો ખ્યાલ રહેતો નથી. બે વ્યક્તિ મળે અને બે વ્યક્તિ જુદી પડે, એમાં જ આખી લગ્નકથા પૂરી થઇ જાય છે.