Get The App

આપણી સંસ્કૃતિનાં પ્રતીકો .

Updated: Sep 30th, 2025

GS TEAM

Google News
Google News
આપણી સંસ્કૃતિનાં પ્રતીકો                                 . 1 - image

ભારતીય સંસ્કૃતિ જેટલી પ્રાચીન છે એટલી જ સમૃદ્ધ પણ છે. જેટલી વિશાળ છે. એટલી જ ગંભીર પણ છે. જેટલી સર્વસંગ્રહી છે એટલી જ વૈશિષ્ટયપૂર્ણ પણ છે. એ આખી સંસ્કૃતિનું પ્રતીક કયું ?

પહેલું પ્રતીક છે ધ્યાની બુદ્ધનું. એની અંદર કેવળ મહાવીર સ્વામી જ નહીં પણ તમામ ઋષિમુનિઓ અને જીવનયોગીઓ આવી જાય છે. બુદ્ધ ભગવાનની પદ્માસનસ્થ, પ્રસન્ન ગંભીર મૂર્તિ ચિતનાત્મક તો છે જ પણ એ આ વિશ્વ સાથે તાદાત્મ્ય અનુભવતી અને છતાં તાટસ્થ્ય કેળવતી જીવનમૂર્તિ છે.

ત્યાર પછીની બીજી મૂર્તિ છે નટરાજ સદાશિવ શંકર મહાદેવની. આ વિશ્વનું સંચાલન જે તાલ પ્રમાણે ચાલે છે તેને આપણે તાંડવ અને લાસ્ય દ્વારા વ્યક્ત કરીએ છીએ. શિવને આપણે સંહારકારી કહીએ છીએ. બ્રહ્મા નિર્માણ કરે, વિષ્ણુ પાલન કરે અને શિવ સંહાર કરે. આ જાતનો શ્રમ-વિભાગ જે લોકોએ કલ્પ્યો એમણે જ મહાદેવને શિવ અને શંકરનું નામ આપ્યું છે. એનું કારણ છે. શિવ દ્વારા જે સંહાર થાય છે તે વિનાશ માટે નથી થતો, શુભંકર નવસર્જન માટે થાય છે. સર્જન તે શુભ અને સંહાર તે અશુભ એવી ગમના લઘુચેતસની છે. જે જે વસ્તુ કાલગ્રસ્ત થઈ, નિઃસાર નીવડી અથવા અશુભ સિદ્ધ થઈ તેનો સંહાર થવો જ જોઈએ. તેમ ન થાય તો સૃષ્ટિને વાર્ધક્ય આવે. અને સૃષ્ટિ તો નિત્ય-નૂતન અને વર્ધમાન થવા માટે સર્જાયેલી છે. સંહાર દ્વારા જ નવનિર્મિતિને, પ્રગતિને અને ઉન્નતિને અવકાશ મળે છે. આ શિવ જ્યારે તાંડવ દ્વારા કાલગ્રસ્ત નિર્મિતિને, રચનાને અને યોજનાને આટોપી લે છે. અને પછી પ્રકૃતિમાતા પાર્વતીનું લાસ્ય એ માણે છે ત્યારે એને પોતાને આનંદ વ્યક્ત કરવા માટે એક નવી જ ઢબે નાચવાનું સૂઝે છે. એમાં પ્રસન્નતા અને મસ્તી બંનેનો સમન્વય હોય છે. એમાં પ્રમત્તતા પણ હોય છે અને સમતુલા પણ હોય છે. શાંતિ પણ હોય છે અને ઉલ્લાસ પણ હોય છે. નટરાજના આવા શુભંકર યોગ દ્વારા જ ભવિષ્યની નવનિર્મિતિને પ્રેરણા મળે છે અને સૃજનવ્યાપાર કૃતાર્થ થાય છે. નટરાજનું આ નર્તન ભારતીય સંસ્કૃતિએ પોતાના પ્રતીક તરીકે હંમેશાં સ્વીકાર્યું છે.

હું જ્યારે પહેલ વહેલો દક્ષિણમાં ગયો ત્યારે અનેક મંદિરોમાં અને અનેક ઘરોમાં મેં જાતજાતની નટરાજની મૂર્તિઓ જોઈ. હાથ, પગ, કમર, ડોક બધાંનું સૌષ્ઠવ અને આખા શરીરની ભંગિમા અદ્ભુત હતા જ. મોહક કહેવાનો લોભ થયા છતાં એ શબ્દ ત્યાં પાપરવાનું મન ન થાય. ચિત્ત-ભેદક કહીએ તોયે એ શબ્દ પર્યાપ્ત ન જણાય. પણ આ આખા નૃત્યુ સાથે એકરૂપ થયેલી નટરાજની મુખમુદ્રા જોતાંવેંત દ્રષ્ટિ અને ચિત્તવૃત્તિ ત્યાં જ સ્થિર થઈ જતી હતી. દક્ષિણની એ મૂર્તિઓ એક કરતાં એક ચડી જાય. આવી અનેકાનેક મૂર્તિઓનાં દર્શન દ્વારા જે દીક્ષા મળી તે એ મૂર્તિ હોવાને કારણે જ સ્થિરત્વ પામી ગઈ.

એને સજીવન કરવાનું કામ, ચૈતન્યપૂર્ણ કરવાનું કામ માટે મણિપુરના નૃત્યકારોએ કર્યું. એક વાર મણિપુરમાં કેટલાક નૃત્યકારોએ નટરાજ-પાર્વતીનું નૃત્ય દેખાડવાનો કાર્યક્રમ યોજ્યો. નટરાજ વિશેની સમૃદ્ધ ભાવના લઈને જ એ નૃત્ય જોવા હું તૈયાર થયો હતો. જાણેે દક્ષિણની એ અનેકાનેક પથ્થરની અને ધાતુની મૂર્તિઓ સજીવ થઈને નજર આગળ નાચતી હતી. નટરાજ સાથેનો પાર્વતીનો યોગ તો અદ્ભુત હતો. પુરૂષ અને પ્રકૃતિનું એ ચિરંતન, સનાતન યુગલ કેવળ એક નૃત્ય દ્વારા વિશ્વવ્યાપારનું રહસ્ય પ્રગટ કરતું હતું. ખરેખર નટરાજનું પ્રતીક આપણી સંસ્કૃતિના ઈતિહાસને તેમજ આદર્શને સફળ રીતે વ્યક્ત કરે છે. પશ્ચિમના કલાકારો અને સંસ્કૃતિધુરીણો આ તત્ત્વો હવે સમજવા લાગ્યા છે.

ત્રીજું પ્રતીક છે તે કમલાસના લક્ષ્મીનું. એની અંદર ભારતીય સંસ્કૃતિના ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ ત્રણે સમાયેલા છે.

આપણે હંમેશાં સ્વીકારતા આવ્યા છીએ કે બધાં ફૂલોમાં કમલ એ જ ભારતીય સંસ્કૃતિનું પ્રતીક છે. કમળને આપણે પંકજ, સરોજ વગેરે નામો આપીએ છીએ. એ બધાં નામો સૂચવે છે કે કમળની ઉત્પત્તિ કાદવમાં છે. એની હસ્તી જીવનને, એટલે કે પાણીને આભારી છે. અને એ પાણીમાં ડૂબકી મારીને ન રહેતાં પાણી ઉપર અલિપ્ત ભાવે તરે છે. કાદવમાંથી જન્મી જીવનના ઊંડાણને વીંધી આદર્શ સૂર્યભગવાનનું ધ્યાન કરવા અલિપ્ત ભાવે એ જીવન ઉપર તરે છે.

એવા એ કમળને પોતાનું સુકોમળ આસન બનાવી જે ચૈતન્યમયી માતા પ્રસન્નપણે ઊભી છે તે છે ભારતની લક્ષ્મી. લક્ષ્મી એટલે સૌંદર્ય, પ્રસન્નતા, તાજગી, શુચિસ્મિતા, વૈભવ અને કલ્યાણકારિતા, લક્ષ્મીમાં જીવનના અશેષ આદર્શોનો સમન્વય છે અને એનું ચિરયૌવન ભવિષ્યકાળની બધી આસાઓનું પ્રતીક છે. કમલાસના લક્ષ્મી એ આપણી સંસ્કૃતિનું સર્વોચ્ચ પ્રતીક છે. સમસ્ત માનવજાતિના હૃદયમાં વસેલા નારાયણ સાથે ઃ તેમજ માનવજાતિના સમસ્ત સાધનોના પ્રતિનિધિરૂપ પુરૂષોત્તમ સાથે જેનો વાસ અખંડ છે તે લક્ષ્મી ભારતીય સંસ્કૃતિની સમસ્ત આશા, આકાંક્ષાઓને અખંડ સૂચવતી રહે છે. એ પ્રતીકનો સ્વીકાર એ જ એક સૌથી મહત્ત્વની દીક્ષા છે.

આ પ્રતીક-ત્રયીની ઉપાસના કરવી એ જ આપણી હવે પછીની જીવનસાધના થજો.

- કાકા કાલેલકર