- ઝાકળ બન્યું મોતી - કુમારપાળ દેસાઈ
અઢળક સંપત્તિવાન વૃદ્ધ દુકાનદારના જીવનની આખરી ઘડીઓ ગણાતી હતી. એનો જીવનદીપ બુઝાઈ જવાની તૈયારીમાં હતો. એની પથારીની આસપાસ એના કુટુંબીજનો શોકગ્રસ્ત થઈને બેઠા હતા.
કોઈ પ્રભુનું નામ જપતા હતા તો કોઈ મંત્રનો જાપ કરતા હતા. અંતિમ સમયે એ વૃદ્ધની સદ્ગતિ થાય એમ ધારીને ભગવાનના નામનું કે મંત્રનું શ્રવણ કરાવતા હતા.
એવામાં મરણપથારીએ પડેલા વૃદ્ધે એકાએક આંખો ખોલી અને પૂછ્યું,
'મારો મોટો પુત્ર ક્યાં છે ?'
વૃદ્ધની પત્નીએ કહ્યું, 'એ તો આ રહ્યો. છેલ્લા અઠવાડિયાથી તમારી સેવામાં ખડે પગે છે.'
વળી અકળાઈને વૃદ્ધે કહ્યું, 'મારો વચેટ પુત્ર અહીં કેમ ઊભો છે !'
'પિતાજી ! આપની સેવાશુશ્રૂષા માટે.' વળી થોડી વારે વૃદ્ધ ધનવાને ગુસ્સે થઈને સવાલ કર્યો, 'સૌથી નાનો પુત્ર કેમ દેખાતો નથી ?'
નાના પુત્રએ કહ્યું, 'પિતાજી ! આ રહ્યો હું.' પત્નીએ કહ્યું, 'તમારા ત્રણે પુત્રો અહીં હાજર જ છે. તમે ચિંતા છોડી આરામ કરો, મનોમન પ્રભુસ્મરણ કરો.'
પેલા મરણપથારીએ પડેલા ધનિક વૃધ્ધે એકાએક બેઠા થવા પ્રયત્નકર્યો. એણે ચારેકોર નજર ફેરવી અને તરત બોલી ઊઠયો,
'ઓહ ! ત્યારે દુકાન પર કોણ બેઠું છે ?' એમની પત્ની બોલી ઊઠયાં, 'અરે ! છેલ્લી ઘડીએય દુકાન છૂટતી નથી.'
હકીકતમાં માનવી જેવું જીવે છે,
એવું જ મોત પામે છે. મૃત્યુ એ જીવનથી અલિપ્ત નથી. જીવનને સામે છેડે રહેલું નથી, પરંતુ જીવન અને મૃત્યુ એક સિક્કાની બે બાજુ છે.
મૃત્યુ એ જીવનનો સરવાળો છે માનવીનું જીવન જેવું હોય છે, તેવું જ એનું મૃત્યુ થાય છે. જીવનભર બાવળ વાવ્યા હોય તો જીવનને અંતે કાંટા જ મળે, ગુલાબ નહીં.
માનવીને અંત સમયે બહારથી ગમે તેટલાં પવિત્ર વચનોનું શ્રવણ કરાવવામાં આવે, પરંતુ એની ચેતના આગળ તો એનું જીવન જ ખડું થઈ ગયું હોય છે. બહાર પ્રભુનું નામ બોલાતું હોય છતાં એના મનમાં રટણ તો દુકાનની જ થતી હોય છે. જેને મૃત્યુ ઉજાળવું છે એણે જીવન ઉજાળવું પડશે.


