મુંબઇ અને બીજા જે શહેરોમાં નવરાત્રિની મોડી રાત સુધી થતી ઉજવણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તે ઠેકાણે ગરબા-રાસની શરૂઆત હવે સાંજે સાત-આઠ વાગે જ શરૂ થઇ જાય છે. કારણ કે રાતે દસ કે વધુમાં વધુ અગિયાર વાગ્યા સુધીમાં તમામ જાહેર નવરાત્રિ કાર્યક્રમો આટોપી લેવા પડે છે. આમ છતાં જેને ગરબા અને દાંડિયા રાસ રમવાની હોંશ છે તેઓ આ ટૂંકા ગાળામાં પણ મનમૂકીને દાંડિયાની રમઝટ બોલાવે છે.
નવરાત્રિની નવ નવ રાતો ગરબે ઘૂમીને, રાસ રમીને આનંદ-ઉલ્લાસ માણતી ગુજરાતણોને મન આ ઉત્સવ એટલે સૌંદર્ય અને ફેશનનું અદ્દભૂત સાયુજ્ય. પણ રાસ લીલાનું રહસ્ય આવું મર્યાદિત નથી.
ભગવાન કૃષ્ણ યોગેશ્વર હતા. સૌ પ્રથમ રાસની રચના તેમણે કરી હતી. એમની મોરલીના સ્વર પૂનમની ચાંદની રાતે રેલાતાં વ્રજની ગોપીઓ ભાન ભૂલી રાસ રમવા નીકળી પડતી હતી. દરેક પ્રજાને જેમ પોતાની ખાસિયતો હોય છે તેમ તેને પોતાનું આગવું લોકસંગીત અને નૃત્ય પણ હોય છે. વ્રજ અને મથુરા પછી ભગવાન કૃષ્ણે સૌરાષ્ટ્રના દ્વારકામાં આવી નિવાસ કર્યો ત્યારથી રાસ સૌરાષ્ટ્રનું લોકનૃત્ય બની ચૂક્યો છે.
ભગવાન કૃષ્ણના દરેક કાર્ય પાછળ કંઇકને કંઇક રહસ્ય હંમેશા રહેતું. એ પોતાની નાની નાની સાવ સામાન્ય લાગતી લીલાઓમાં આધ્યાત્મિક પ્રતિભાવોને વ્યક્ત કરતા. આપણા યોગીઓ એ કાળમાં પણ બ્રહમાંડના રહસ્યને પામ્યા હતા. એમને ખબર હતી કે સૂર્યની આસપાસ પૃથ્વી અને બીજાગ્રહો ગોળ ગોળ એક તાલમાં ધૂમી રહ્યાં છે, એજ રીતે સૂર્ય પણ એક મહાકેન્દ્રની આસપાસ પોતાની મંડળી લઇને ધૂમી રહ્યો છે. હાલના વૈજ્ઞાાનિઓએ પણ અણુપરમાણુની શોધ કરી ત્યારે તેમને એ જોઇ આશ્ચર્ય થયેલું કે અણુઓ અને પરમાણુઓ એકબીજાની આસપાસ નિશ્ચિત ગતિએ ધૂમી રહ્યા છે. સુષ્ટિના ઉદ્દભવ માટે પ્રકૃતિ અને પુરુષના પ્રયત્નોથી પણ એ સમયના યોગીઓ અજાણ નહોતા.
આ અટપટું વિજ્ઞાાન સામાન્ય માનવીઓની સમજમાં ઉતરે એ માટે ભગવાન કૃષ્ણે રાસની રચના કરી હતી. રાસમાં સૂર અને તાલના સથવારે સ્ત્રી પુરુષો ગોળ-ગોળ ધૂમે છે. આ બ્રહમાંડ અને આપણી સૂર્યમાળાનું પ્રતીક છે. શિવનું પ્રતિક લિંગ અને શક્તિનું પ્રતિક ત્રિશુળ એ સ્ત્રી અને પુરુષના જાતીય અંગોના પ્રતીક છે. રાસમાં આ બન્નેનું મિલન પ્રકૃતિ અને પુરુષના સહયોગનું દર્શન કરાવે છે.
શ્રીમદ્ ભાગવતમાં રાસનું વર્ણન કરતાં વ્યાસે લખ્યું છે કે ભગવાન શ્રીકૃષ્ણ મોરલી વગાડતાં રાધાની સાથે મધ્યમાં ઊભા રહ્યાં હતાં. એ સાથે જ ગોપીઓની સાથે કૃષ્ણ ગોળાકારમાં ફરીને પણ રાસ લેતા હતા. તેમના વિવિધ સ્વરૂપ સાથે બધી ગોપીઓ સાથે રાસ રમતા હતા. આ દ્રશ્ય એટલું ભવ્ય અને દિવ્ય હતું કે આકાશમાંથી દેવતાઓ પણ એને જોવા પૃથ્વી પર ઉતરી આવ્યા હતા.
ભગવાન કૃષ્ણે કેટલી સરળતાથી આ વિજ્ઞાાન સામાન્ય પ્રજાની સમજ સાથે વણી લીધું હતું! રાસની આ પરંપરા સાથે સૌરાષ્ટ્ર-ગુજરાતની ગરબા પરંપરા ભળી ગઇ. મા આદ્યાશક્તિ એ જગદંબા, અંબાદેવી ભક્તોની અધિ છે. એને પ્રસન્ન કરવા ભક્તો છંદો અને ગરબા ગાઇને માતાજીને રીઝવે છે. ગરબામાં સ્ત્રી અને પુરુષ સાથે અથવા અલગ અલગ તાળી પાડીને ગોળ-ગોળ એક તાલમાં ધૂમે છે. નવરાત્રીના નવે દિવસો દરમિયાન માતાનો પ્રતીક ગરબાની આસપાસ આ ગરબીનું આયોજન કરવામાં આવે છે.
ગરબો પણ આ બ્રહ્માંડનું પ્રતીક છે. આપણા યોગીઓએ બ્રહમાંડની કલ્પના એવી કરી હતી કે પ્રકાશના એક અલૌકિક તેજપૂંજની આસપાસ તણખા જેવા અનંત સૂર્યો ગોળ-ગોળ ધૂમી રહ્યાં છે. આજના મહાકાય દૂરબીનો અને અવકાશયાનોએ આ માન્યતાને પુષ્ટિ આપી છે. સૂર્યમાળાઓ અને નિહારિકાઓથી આ બ્રહમાંડ બન્યું છે. આજના વૈજ્ઞાાનિઓએ તૈયાર કરેલો બ્રહમાંડનો નકશો જોશો તો તમને એમાં આપણા સ્વસ્તિકની પ્રતિકૃતિ દેખાશે.
બ્રહમાંડના પ્રતીકરૂપ ગરબાની મધ્યમાં દીવો મૂકવામાં આવે છે. ગરબામાંના નાનાં-નાનાં છિદ્રોમાંથી પ્રકાશ બહાર આવે છે. અલૌકિક તેજપુંજ અને તેની આસાપાસ ધૂમતાં સૂર્ય વિશ્વોનું આ પ્રતીક છે.
ગરબો શબ્દ પણ ગર્ભ પરથી આવ્યો છે.
ગર્ભ એટલે આ બ્રહમાંડનું ગર્ભ. બ્રહમાંડના ગર્ભ સુધી હજી વિજ્ઞાાનીઓની નજર પહોંચી નથી. પણ આપણા યોગીઓ તો આપણી નિહારિકાની પર થઇને બ્રહમાંડના ગર્ભને પ્રતીક રૂપે એમણે ગરબામાં રજૂ કર્યો છે. એક માન્યતા પ્રમાણે આ બ્રહમાંડની મધ્યમાં દિવ્ય જ્યોતિની આસપાસ આપણું આ આખુંય વિશ્વ તેની અનેક નિહારિકાઓ સાથે ધૂમી રહ્યું છે.
જ્યોતિર્મય કેન્દ્રની આસપાસ ધૂમતા રહેવાના વિશ્વના આ લક્ષણનું પ્રતિબિંબ જગતના દરેક પદાર્થમાં પડે છે. ગરબાના છિદ્રમાંથી પ્રકાશનું પ્રતિબિંબ આ જગતની લીલા સૂચવે છે. ગરબામાં મુખ્યત્વે મા શક્તિની આરાધનાનાં ગીતો હોય છે. જ્યોતિર્મય અગ્નિએ શક્તિનું સ્વરૂપ છે. અંબા, અંબર-આકાશમાંથી ઉદ્દભવેલો શબ્દ છે. અગ્નિ, જળ, વાયુ વગેરે શક્તિઓ આકાશમાંથી ઉદ્દભવે છે. નવ પ્રકારની શક્તિઓને અલગ-અલગ નવદુર્ગા સ્વરૂપે આ નવરાત્રી દરમિયાન પૂજવામાં આવે છે. શક્તિઓની આરાધના પછી દશેરાનો દિવસ વિજયોત્સવ તરીકે ઊજવવામાં આવે છે. ભક્તિમાર્ગીઓએ રાધાકૃષ્ણને ખ્યાલમાં રાખી, રાસ-ગરબામાં એમના પ્રેમને વણીલેતાં અનેક ગીતો બનાવ્યાં છે. રાસ-ગરબા લોકજીવનમાં જેમ જેમ વણાતા ગયા તેમ તેમ તેમાં લોકગીતો લીલા તેમજ અખૂટ શક્તિની પ્રશંસા કરતાં ગરબા-રાસ પણ રચાયા.
આપણે જાણીએ છીએ કે કોઇપણ વસ્તુ ગતિમાં હોય ત્યારે જ તેમાંથી શક્તિ પેદા થાય છે. પૈડું અથવા કોઇપણ વસ્તુ સ્થિર હોય તો તેમાંથી શક્તિ ઉત્પન્ન થતી નથી. સ્થિર દેખાતી બેટરી જેવી ચીજોમાં પણ શક્તિ ઉત્પન્ન કરવા માટે અણુ, પરમાણુ, પ્રોટીન, ઇલેક્ટ્રોનને સતત ધૂમવું પડે છે.
પ્રોટીન અને ન્યુટ્રોનની આસપાસ ધૂમતા ઇલેકટ્રોનના અણુઓને તમે જોયા હશે અથવા તેનું ચિત્ર જોયું હશે. કૉમ્પ્યુટર ગ્રાફિકની ટેક્નોલોજીથી આ દ્રશ્ય જુઓ તો તેમાં અલૌકિક રાસ-ગરબાના દર્શન થશે. પુરુષ અને પ્રકૃતિની લીલા જેવા રાસ-ગરબામાં થોડા ઊંડા ઊતરીએ તો બ્રહમાંડના રહસ્યને પાર પામવાની ચાવી હાથ લાગી જાય.
આ સિવાય ગરબા, રાસ અને રાસડા વચ્ચેનો ભેદ સમજી લેવો પણ જરૂરી છે. લોકસાહિત્યમાં અનેક પ્રકારના ગરબા-રાસ ઉત્કૃષ્ટ રીતે ભળી ગયા છે. લોક સમાજમાં ખૂબ પ્રચલિત રાસ અને રાસડા વચ્ચે ભેદ છે. આ ભેદ સમજવો જરૂરી છે. સૌરાષ્ટ્રમાં રાસડા એ તાલી રાસનો પ્રકાર છે. ગરબામાં નૃત્યનું તત્વ વધારે હોય છે. જ્યારે, એક તાળીનો ગરબો અને ત્રણ તાલીના રાસડા આજે વધારે પ્રચલિત છે. રાસમાં જે જુસ્સો અને તરલતા પ્રાધાન્ય ભોગવે છે તે જે રાસડામાં નજરે પડતા નથી. રાસડામાં કોમળતાનું તત્વ વધારે છે.
દાંડિયારાસ સૌરાષ્ટ્રનું એક આગવું અને અનોખું નૃત્ય છે. દાંડિયારાસમાં શોર્ય અને સૌદર્યનું અદ્દભૂત સાયુજ્ય સધાયું છે! એમાં જોમ અને જુસ્સાની મોહક છટા જોવા મળે છે. દાંડિયારાસનો સમાવેશ નૃત્યની વિવિધ શૈલીમાં ''ઉદ્વત'' પ્રકારમાં થાય છે. મોટાભાગે પુરુષો જ દાંડિયારાસ લે છે.
સોળમાં શતકમાં ખાનદેશમાં થઇ ગયેલા પંડિત પુંડરિક વિઠ્ઠલે રચેલા ''નૃત્ય નિર્ણય'' નામે સંગીતના ગ્રંથમાં દાંડિયાના આકાર, માપ, રંગરૂપ વિષે ખૂબ વિગતવાર નોંધ મળી આવી છે. ૧૫મી સદીથી દાંડિયા લગભગ ચોક્કસ સ્વરૂપ ધારણ કરતાં આવ્યાં છે. પરોણાંમાંથી તૈયાર કરેલા, સંખેડા ઉતાર અવનવાં રંગોથી સજાવેલા, મોતી ભરેલાં, ફુમતાંવાળા, પિત્તળના અને રૂપાના ધુધરીવાળા, ચોક્કસ માપના ચોક્કસ જાડાઇના દાંડિયા સૌરાષ્ટ્રના જુદા જુદા સ્થળે પ્રચલિત છે. દાંડિયારાસમાં દોઢિયા, પાંચિયા, સાતિયા અને ભેટિયા, નમન અને મંડલ લેવાય છે. ગોફગૂંથનનાં અદ્દભૂત અંગભંગ હેરત પમાડે એવા હોય છે. એમાં ખંડમંડળો અને સ્વસ્તિક રચાય છે. એકપાદ અને દ્વિપાદનાં ચલન વૈવિધ્ય થાય છે. દાંડિયા લેતાં લેતાં જે આકારો રચાય અને અલગ વૈવિધ્ય હોય તેવા દરેક પ્રકારનાં નોખાં નામ છે. સૌૈરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં એના ગ્રામીણ શબ્દો મળી આવે છે. જાતિગત સંસ્કાર પ્રમાણે દાંડિયારાસમાં વૈવિધ્ય પ્રગટે છે. આ વર્ષે નવરાત્રિમાં મન મૂકીને નાચો. તમારે રાસ-ગરબાના આ મહોત્સવમાં ઘણું પામવાનું છે, જ્યારે ગુમાવવાનું તો કશું છે જ નથી.


