Get The App

જેની ઈચ્છા મોટી તે મોટો ભિખારી .

Updated: Oct 29th, 2025

GS TEAM

Google News
Google News
જેની ઈચ્છા મોટી તે મોટો ભિખારી                                 . 1 - image

- સંતે કહ્યું : 'તમને શેના આશીર્વાદ આપું? રાજન!' 'મહાત્માજી! મારે છે એના કરતાં ડબલ સામ્રાજ્ય મેળવવું છે. રાણીઓ હજી વધુ રૂપાળી જોઈએ છે. સંપત્તિ પણ ઘણી મેળવવી છે. મારી ઘણી ઇચ્છાઓ બાકી છે, તે મારે પૂરી કરવાની છે.'

નગરની બહાર જંગલમાં એક સંત પુરુષ નાનકડી ઝુંપડીમાં રહે. નગરનાં સૌ લોકો તેમનાં દર્શન કરવા માટે આવે. સૌને દર્શન કરવા આવતા જોઈ સ્વયમ્ રાજાને પણ તેમનાં દર્શન કરવા આવવાનું મન થયું.

રાજા મોટો રસાલો લઈને જંગલમાં મહાત્માનાં દર્શન કરવા માટે ગયા. દૂરથી જોયું તો મહાત્માની સાવ સાદી ઝૂંપડી હતી. અરે, ઝૂંપડીમાં મહાત્માને જોયા તો રાજા વધુ વિસ્મયચકિત થયા કે મહાત્મા તો પોતાના દેહ ઉપર સાવ નાની પોતડી પહેરીને બેઠા હતા. રાજા મનોમન વિચારવા લાગ્યા કે લોકો પાગલ છે, જેની પાસે એક કપડું પણ નથી, અરે રહેવા માટે વ્યવસ્થિત મકાન પણ નથી, તેને સૌ મસ્તીના બાદશાહ કહે છે? રાજાને મહાત્માની દશા ઉપર દયા આવી, મહાત્મા સાવ ગરીબ લાગ્યા.

સંતની સમીપ જઈ નમસ્કાર કરી રાજાએ કહ્યું : 'મહાત્માજી ! આજે આટલાં મોટા રાજ્યનો રાજા આપની ગરીબી દૂર કરવા સામેથી આપને ત્યાં આવ્યો છે. આપને જે જોઈએ, તે મારી પાસે આપ માંગી લો. આપને જોઈએ તો હું આ નાની ઝૂંપડીના બદલે મોટો મહેલ બનાવી આપીશ. આ નાની પોતડીના બદલે મૂલ્યવાન વસ્ત્રો - લખલૂટ ધન - સંપત્તિ - સોના મહોરો આપીશ.'

સંતે કહ્યું : 'રાજન્! તમારી ભાવનાની અનુમોદના, પણ મારે આ બધામાંથી કશું જ જોઈતું નથી.'

રાજાને એમ હતું કે મહાત્મા સામેથી મારી પાસે માંગશે, પણ કંઈ ના માંગ્યું. આખરે તે બોલ્યા : 'તમારે મારી પાસેથી કંઈ ના જોઈતું હોય તો કંઈ વાંધો નહીં, મને આશીર્વાદ તો આપો.'

સંતે હાથ ઊંચા કરીને કહ્યું : 'તમને શેના આશીર્વાદ આપું? રાજન!'

'મહાત્માજી! મારે છે એના કરતાં ડબલ સામ્રાજ્ય મેળવવું છે. રાણીઓ પણ હજી વધુ રૂપાળી જોઈએ છે. સંપત્તિ પણ ઘણી મેળવવી છે. મારી ઘણી ઇચ્છાઓ બાકી છે, તે મારે પૂરી કરવાની છે.'

ખડખડાટ હસતા સંતે કહ્યું : 'રાજન્! પહેલા તો જવાબ મને આપ કે ભિખારી - દરિદ્ર કોને કહેવાય? જે માંગે એ કે જે ન માંગે એ...? મારી પાસે કંઈ જ નથી અને તમે મને થોડી સંપત્તિ આપવા તૈયાર થયા છો, મારે એ પણ જોઈતી નથી જ્યારે તમારી પાસે ઘણી સંપત્તિ હોવા છતાં - મોટું સામ્રાજ્ય હોવા છતાં હજી વધુ જોઈએ છે? તો આપણા બંનેમાં ભિખારી કોણ?'

મહાત્માની વાત સાંભળી રાજા આશ્ચર્યમાં પડી ગયો.

- રાજ સંઘવી